Gold Loan લેતા પહેલા તમારા સોનાનું કરાવો યોગ્ય વેલ્યુએશન

ગોલ્ડ લોન લેવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. ઘણી નોન-બેંકિંગ ફાયનાન્સ કંપનીઓ એટલે કે NBFC ડોર-ટુ-ડોર ગોલ્ડ લોનની સુવિધા પૂરી પાડી રહી છે. ગોલ્ડ લોન માટે એજ્યુકેશન કે પર્સનલ લોન જેવા વધુ કાગળની જરૂર પડતી નથી. પરંતુ ગોલ્ડ લોન લેતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે..

Gold Loan લેતા પહેલા તમારા સોનાનું કરાવો યોગ્ય વેલ્યુએશન

Cross-check with multiple lenders for accurate valuation of gold loan

Cross-check with multiple lenders for accurate valuation of gold loan

MONEY9 GUJARATI: RBI એ IIFL Finance પર શકંજો કસ્યો છે. હકીકતમાં તપાસમાં સામે આવ્યું છે કે કંપનીના 67 ટકા ગોલ્ડ લોન (Gold Loan) એકાઉન્ટ્સમાં લોન ટુ વેલ્યુ રેશિયો (LTV)માં વિસંગતતા છે. લોન આપતી વખતે સોનાના ભાવ (Gold prices) નક્કી કરવામાં રમત રમાઈ છે. આ ખુલાસા બાદ RBIએ IIFL ફાયનાન્સ (IIFL Finance) પર ગોલ્ડ લોન આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

 

ગોલ્ડ લોનની માગમાં થઈ રહ્યો છે ઝડપથી વધારો

વાસ્તવમાં, ગોલ્ડ લોન લેવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. ઘણી નોન-બેંકિંગ ફાયનાન્સ કંપનીઓ એટલે કે NBFC ડોર-ટુ-ડોર ગોલ્ડ લોનની સુવિધા પૂરી પાડી રહી છે. ગોલ્ડ લોન માટે એજ્યુકેશન કે પર્સનલ લોન જેવા વધુ કાગળની જરૂર પડતી નથી. લોન થોડા કલાકોમાં મળી જાય છે…તેથી જ ગોલ્ડ લોનની માંગ ઝડપથી વધી રહી છે. ભારતમાં ગોલ્ડ લોનનું ઑર્ગેનાઈઝ્ડ માર્કેટ લગભગ 6 લાખ કરોડ રુપિયાનું છે. આમાં બેંકોનો હિસ્સો 80 ટકા છે અને બાકીનો 20 ટકા હિસ્સો NBFCનો છે. આવી સ્થિતિમાં, જો તમે ગોલ્ડ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો કેટલીક મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનથી સમજી લો..

 

સોનાની ઓછી કિંમત આંકી ગ્રાહકો સાથે કરાઈ છેતરપિંડી

જ્યારે તમે કોઈપણ બેંક અથવા NBFC પાસેથી ગોલ્ડ લોન લેવા જાઓ છો, ત્યારે તેઓ સૌથી પહેલા તમારા સોનાની કિંમત નક્કી કરશે. આરબીઆઈના નિયમો હેઠળ, બેંકો અને એનબીએફસી સોનાના મૂલ્યના 75 ટકા સુધી જ લોન આપી શકે છે. RBIની તાજેતરની કાર્યવાહીમાં એ વાત સામે આવી છે કે લોન આપતી વખતે IIFLએ સોનાની કિંમતને ઓછી આંકી અને તે મુજબ ઓછી લોન આપી. જો ગ્રાહક લોનની ચુકવણી ન કરી શક્યો, તો કંપનીએ તે સોનાની હરાજી કરીને સોનાની વાસ્તવિક કિંમતનો લાભ ઉઠાવ્યો. તેથી, ગોલ્ડ લોન લેતા પહેલા, અન્ય કોઈ કંપની દ્વારા પણ તમારા સોનાની કિંમતનું વેલ્યુએશન કરાવો. આજકાલ તનિષ્ક અને કલ્યાણ જ્વેલર્સ જેવી ઘણી સંસ્થાઓ સોનાનું મફતમાં વેલ્યુએશન કરી આપે છે. સાથે જ રસીદ પણ આપે છે..

 

ગોલ્ડ લોન લેતા પહેલા સોનાનું કરાવો યોગ્ય વેલ્યૂએશન

જો કોઈ ફાઈનાન્સ કંપની તમારા સોનાનું ઓછું મૂલ્યાંકન કરતી હોય તો સાવધાન થઈ જાવ. સ્પષ્ટ રીતે સમજી લો કે તેના ઇરાદામાં ખામી છે. જો તમે આવી કંપની પાસેથી લોન લો છો તો તે તમારી સાથે વ્યાજ અને પેનલ્ટીના મામલામાં છેતરપિંડી કરી શકે છે.  બેંકો અને NBFCની ગોલ્ડ લોન પરના વ્યાજ દરોમાં ઘણો તફાવત હોય છે. ઉદાહરણ તરીકે, સરકારી બેંકો 8.65 થી 11 ટકાના દરે ગોલ્ડ લોન આપી રહી છે, જ્યારે ખાનગી ક્ષેત્રની એક્સિસ અને એચડીએફસી વાર્ષિક 17 ટકા સુધી વ્યાજ વસૂલે છે. જ્યારે NBFCની ગોલ્ડ લોન પર વ્યાજ દર 36 ટકા સુધી છે.  તેવી જ રીતે બેંકો અને NBFCની પ્રોસેસિંગ ફીમાં પણ મોટો તફાવત છે. SBI અને કેનેરા બેંક લોનની રકમ પર 0.5% અથવા વધુમાં વધુ 5,000 રૂપિયાની પ્રોસેસિંગ ફી વસૂલે છે. જ્યારે NBFCs લોનની રકમના 1% થી વધુ પ્રોસેસિંગ ફી વસૂલ કરે છે.આવી સ્થિતિમાં, થોડું હોમવર્ક કરીને, તમે દર વર્ષે વ્યાજના રૂપમાં સારી એવી રકમ બચાવી શકો છો.

 

ગોલ્ડ લોન ચૂકવવાના હોય છે ઘણા વિકલ્પ

સામાન્ય રીતે ગોલ્ડ લોન ત્રણ વર્ષ માટે હોય છે. આ લોન ચૂકવવા માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. પ્રથમ વિકલ્પમાં, તમે દર મહિને વ્યાજ ચૂકવો છો અને અંતે તમે મુખ્ય રકમ ચૂકવી શકો છો. બીજા વિકલ્પમાં, વ્યાજ અને મૂળ રકમ ઉમેરીને EMI કરવામાં આવે છે જેને તમે દર મહિને ચૂકવો છો.. કેટલીક ગોલ્ડ લોનમાં બુલેટ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે, તમે એક લાખ રૂપિયાની લોન લીધી છે. આ લોન પર એક વર્ષમાં 10,000 રૂપિયાનું વ્યાજ થયું. વર્ષ પૂરું થયા પછી, તમે એકસાથે 1.10 લાખ રુપિયા ચૂકવીને તમારું સોનું પાછુ મેળવી શકો છો. આમાંથી તમે તમારી અનુકૂળતા મુજબ વિકલ્પ પસંદ કરી શકો છો.

 

પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટ જીતેન્દ્ર સોલંકી કહે છે કે ગોલ્ડ લોનની રકમ હંમેશા સોનાની કિંમત કરતા ઓછી હોય છે. જો ફાઇનાન્સ કંપની ગોલ્ડનું વેલ્યુએશન ઘટાડશે તો સ્વાભાવિક છે કે તમને ઓછી લોન મળશે. જો કોઈ મજબૂરીને કારણે તમે આ લોન ચૂકવવામાં અસમર્થ રહ્યા,, તો તમારા ગોલ્ડની હરાજી કરવામાં આવશે. આના કારણે તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે…તેથી ગોલ્ડ લોન લેતી વખતે ગોલ્ડનું વેલ્યુએશન, વ્યાજ અને પ્રોસેસિંગ ફી વિશે યોગ્ય હોમવર્ક કરો.

 

નફાકારક વ્યવસાય હોવાને કારણે, બજારમાં ગોલ્ડ લોન આપનારાઓની ભરમાર છે… પરંતુ તમારે ફક્ત આરબીઆઈ દ્વારા રેગ્યુલેટેડ બેંક અથવા ફાઇનાન્સ કંપની પાસેથી જ ગોલ્ડ લોન લેવી જોઈએ… લોનની રકમ ચૂકવવાની તમારી ક્ષમતાના આધારે જ લોનની રકમ અને વિકલ્પ પસંદ કરો..

 

Published: April 2, 2024, 18:35 IST