ખરેખર ફુગાવો ઘટ્યો? પણ દાળ કેમ થઈ 15% મોંઘી?

જુલાઈ મહિનામાં રિટેલ ફુગાવો કેટલે પહોંચ્યો? છેલ્લાં છ સપ્તાહમાં તુવેર અને અડદની દાળ કેમ થઈ મોંઘી? આવી તમામ મહત્ત્વની ખબર જાણવા માટે જુઓ MONEY TIME....

MONEY TIME

MONEY TIME

MONEY TIME

MONEY9: અહીં રજૂ કરેલાં કમાણી, બચત અને ખર્ચ અંગેના સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે.

જુલાઈમાં રિટેલ ફુગાવાનો દર ઘટીને 6.71% થયો
સરકારે શુક્રવારે સાંજે જુલાઈ મહિનાના ફુગાવાના આંકડા જાહેર કર્યાં. સરકારી આંકડા કહે છે કે, જુલાઈમાં રિટેલ ફુગાવાનો દર ઘટીને 6.71 ટકા થયો, જે જૂન મહિનામાં 7.01 ટકા હતો. સરકારે રિટેલ ફુગાવાના ઘટેલા દર માટે ખાદ્યતેલ અને કોમોડિટીની કિંમતમાં થયેલા ઘટાડાને જવાબદાર ગણાવ્યા છે. જોકે, રિટેલ ફુગાવાનો આ આંકડો રિઝર્વ બેન્કે નક્કી કરેલા 4 ટકાના લેવલ કરતાં હજુ ઘણો ઉંચો છે. રિઝર્વ બેન્ક છેલ્લાં 34 મહિનાથી રિટેલ ફુગાવાનો 4 ટકાનો ટાર્ગેટ હાંસલ કરી શકી નથી. એટલું જ નહીં, રિઝર્વ બેન્કે 2થી 6 ટકાની ટોલરન્સ રેન્જ નક્કી કરી છે અને ફુગાવાને આ રેન્જની અંદર લઈ જવામાં પણ રિઝર્વ બેન્ક સતત 7 મહિનાથી નિષ્ફળ પુરવાર થઈ રહી છે. આમ, સરકારી ચોપડે ઘટેલો ફુગાવો વાસ્તવમાં તો લોકોના ખિસ્સા ખાલી કરી રહ્યો છે.

તુવેર અને અડદની દાળ થઈ 15% મોંઘી
છેલ્લાં છ સપ્તાહમાં તુવેર અને અડદ 15 ટકાથી પણ વધુ મોંઘા થયા છે. આ બંને દાળની કિંમતમાં વધારો થવાનું મુખ્ય કારણ છે વરસાદ. ઘણા રાજ્યોનાં ખેતરો પાણીમાં ડૂબી ગયા છે એટલે પાકને નુકસાન પહોંચ્યું છે. વર્તમાન ખરીફ સીઝનમાં ઉત્પાદન ઓછું થયું છે, એટલે કૅરી-ફૉરવર્ડ સ્ટૉક ઓછો થઈ ગયો છે. આ તમામ પરિબળોને લીધે કિંમત વધી ગઈ છે. મહારાષ્ટ્રના લાતુરમાં સારી ક્વૉલિટીની એક કિલો તુવેર દાળની એક્સ-મિલ કિંમત વધીને 115 રૂપિયા થઈ ગઈ છે, જે છ સપ્તાહ અગાઉ 97 રૂપિયા હતી. કૃષિ મંત્રાલયના તાજા આંકડા દર્શાવે છે કે, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે તુવેરનો વાવેતર-વિસ્તાર 4.6 ટકા ઘટ્યો છે જ્યારે અડદના વાવેતર વિસ્તારમાં બે ટકાનો ઘટાડો નોંધાયો છે. ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન પહોંચ્યું હોવાથી વાવેતર પર અસર પડી છે.

ભાડાં પર 18% GSTની વાત ખોટીઃ સરકાર
GSTને લઈને લોકોમાં વિવિધ પ્રકારની ગેરસમજણ પ્રવર્તે છે. તાજેતરમાં એવા સમાચાર વહેતા થયા હતા કે, ભાડુઆતે મકાન માલિકને 18 ટકા GST પણ આપવો પડશે. સોશિયલ મીડિયામાં વહેતી થયેલી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મકાન-ભાડાંનો ખર્ચ 18 ટકા વધી જશે, કારણ કે, ભાડુઆતે હવેથી ભાડાંની રકમ પર 18 ટકા ટેક્સ ચૂકવવો પડશે. જોકે, સરકારે શુક્રવારે સ્પષ્ટતા કરી છે. પ્રેસ ઈન્ફર્મેશન બ્યૂરોની ફેક્ટ-ચેક ટીમે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, જો બિઝનેસ એન્ટીટીને રહેણાંક પ્રોપર્ટી ભાડે આપી હોય તો જ તે ટેક્સેબલ ગણાશે. જો કોઈ વ્યક્તિને પર્સનલ યુઝ માટે રેસિડેન્શિયલ પ્રોપર્ટી ભાડે આપવામાં આવે તો તેના પર GST લાગતો નથી. સરકારે એમ પણ જણાવ્યું છે કે, કોઈ કંપનીનો પાર્ટનર અથવા પ્રોપરાઈટર પણ રેસિડેન્શિયલ પ્રોપર્ટી પર્સનલ યુઝ માટે ભાડે આપે તો તેના પર GST લાગતો નથી. GSTને લગતી આ સ્પષ્ટતાથી દેશનાં લાખો ભાડુઆતોને હાશકારો થયો છે.

શેરબજારમાં તેજીનો મૂડ, નિફ્ટી 17,700ની નજીક
શુક્રવારે સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી જળવાઈ રહી. નિફ્ટી 17 હજાર 700ની નજીક પહોંચ્યો જ્યારે સેન્સેક્સ 130 પોઈન્ટ વધીને 59 હજાર 500ની નજીક બંધ રહ્યો. એનર્જી શેર અને ખાસ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના જોરે ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ અઢી ટકા જ્યારે મેટલ અને પાવર ઈન્ડેક્સ દોઢ-દોઢ ટકો વધ્યા. જોકે, આઈટી અને ફાર્મા શેર્સમાં ઘટાડો નોંધાયો. માર્કેટે તેજીનો મૂડ બનાવી લીધો છે કારણ કે, એફઆઈઆઈએ ઓગસ્ટમાં કેશ માર્કેટમાં 11 હજાર 800 કરોડ રૂપિયાની ખરીદી કરી છે જ્યારે આ સમયગાળામાં ડોમેસ્ટિક ફંડ્સે 3 હજાર 400 કરોડ રૂપિયાનો માલ વેચ્યો છે. એફઆઈઆઈની આ મહત્ત્વપૂર્ણ ખરીદીએ તેજીવાળાને ટેકો આપ્યો છે. સ્ટોક-સ્પેસિફિક વાત કરીએ તો, શુક્રવારે ઓએનજીસી, ટાટા સ્ટીલ, રિલાયન્સ જેવા શેરમાં સારી તેજી રહી. ઝોમેટોનો શેર 7 ટકા વધ્યો જ્યારે ડિવિઝ લેબ 6 ટકા તૂટ્યો. મેટલ સ્ટોક્સમાં પણ સારી ખરીદી થઈ અને કેમિકલ સ્ટોક્સ ખીલ્યા. મિડકેપ્સની વાત કરીએ તો, ટાટા એલેક્સિનો શેર 8 ટકા વધીને 10 હજારની ઉપર પહોંચી ગયો જ્યારે ઈપ્કા લેબ્સ 8 ટકા તૂટ્યો. બાવન સપ્તાહની હાઈ બનાવનારા સ્ટોક્સમાં ટાટા ગ્રૂપની ટાટા એલેક્સિ, ટાટા કેમિકલ અને ટ્રેન્ટનો સમાવેશ થાય છે. આ સિવાય, ફિનિક્સ મિલ્સ, ફ્લોરો કેમિકલ્સ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી એન્ટરપ્રાઈઝિસ, ICICI બેન્ક, દેવયાની, સિમેન્સ, કરુર વૈશ્ય બેન્ક પણ ફિફ્ટી-ટુ વીકની હાઈ પર પહોંચ્યા છે.

એવલોન ટેકનોલોજિસ લાવશે Rs.1,025 કરોડનો IPO
ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસિસ કંપની એવલોન ટેકનોલોજિસે 1,025 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવવા માટે સેબીમાં ડ્રાફ્ટ પેપર્સ જમા કરાવ્યા છે. 1999માં સ્થપાયેલી આ કંપની 400 કરોડ રૂપિયાના ઈક્વિટી શેર ઈશ્યૂ કરશે તેમજ ઑફર-ફોર-સેલ એટલે કે OFS દ્વારા પ્રમોટર્સ અને વર્તમાન શેરહોલ્ડર્સના 625 કરોડ રૂપિયાના શેર વેચવાની યોજના ધરાવે છે. IPO દ્વારા જે ફંડ મળશે તેનો ઉપયોગ દેવું ચૂકવવા, વર્કિંગ કેપિટલની જરૂરિયાતને પહોંચી વળવા અને અન્ય કૉર્પોરેટ હેતુઓ સિદ્ધ કરવા માટે થશે. કંપની ભારત અને અમેરિકામાં 12 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ધરાવે છે.

Fincare SFBએ IPO માટે ફરી પેપર્સ જમા કરાવ્યા
વધુ એક કંપનીએ IPO લાવવાની તજવીજ હાથ ધરી છે. આ કંપની છે ફિનકેર સ્મોલ ફાયનાન્સ બેન્ક. બેન્કે ફરીવાર IPOના પેપર્સ જમા કરાવ્યા છે અને આ વખતે ઑફર ફોર સેલ દ્વારા 625 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે. બેન્કના પ્રમોટર્સ ઈનિશિયલ શેર સેલમાં પોતાનો હિસ્સો પણ વેચવાના છે. ફિનકેર સ્મોલ ફાયનાન્સ બેન્કે અગાઉ તેના કદ કરતાં બમણા કદનો IPO લાવવા માટે અરજી કરી હતી અને સેબીની મંજૂરી પણ મેળવી લીધી હતી, પરંતુ નાણાકીય સંસ્થાઓ તેમની શેર સેલ ઑફર લૉન્ચ કરવામાં નિષ્ફળ નીવડતાં આખી યોજના પડતી મૂકાઈ હતી. આ ઘટનાને એક વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોવાથી ફિનકેરે ફરી પેપર્સ જમા કરાવ્યા છે.

યસ બેન્ક, કોટક બેન્કે વધાર્યાં FDના વ્યાજ દર
યસ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્કે FDના વ્યાજ દર વધાર્યાં છે. નવા રેટ 10 ઓગસ્ટથી લાગુ થઈ ગયા છે. કોટક મહિન્દ્રા બેન્કે તમામ મુદતની FDનો ઈન્ટરેસ્ટ રેટ 0.25 ટકા વધાર્યો છે. આ બેન્કમાં 180 દિવસથી 363 દિવસની FDનો રેટ વધીને 5 ટકા કરવામાં આવ્યો છે જ્યારે 365 દિવસથી 389 દિવસની FDનો રેટ વધીને 5.75 ટકા થયો છે. આ સિવાય 390 દિવસથી 3 વર્ષની FD પર હવે 5.85 ટકા વ્યાજ મળશે. યસ બેન્કની વાત કરીએ તો, 9 મહિનાથી 12 મહિનાની FD પર 5.75 ટકા, 12 મહિનાથી 18 મહિનાની FD પર 6.25 ટકા અને 18 મહિનાથી 3 વર્ષની FD પર 6.75 ટકા વ્યાજ મળશે.

મહિન્દ્રાએ સ્કોર્પિયોનું નવું વર્ઝન સ્કોર્પિયો ક્લાસિક લૉન્ચ કર્યું
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની મસ્ક્યુલર એસયુવી સ્કોર્પિયનું નવું વર્ઝન સ્કોર્પિયો ક્લાસિક લોન્ચ કર્યું છે. બે દાયકાથી ભારતીય રસ્તાઓ પર દોડી રહેલી સ્કોર્પિયોના નવા વર્ઝનની કિંમત 20 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે. પરંતુ ઓટો એનાલિસ્ટ્સના કહેવા પ્રમાણે, આ એસયુવી 10 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમતે મળવાની શક્યતા છે. મહિન્દ્રાએ સ્કોર્પિયો ક્લાસિકને બે વેરિયન્ટમાં લૉન્ચ કરી છે – એન્ટ્રી લેવલનું એસ વેરિયન્ટ અને તમામ ફીચર સાથેનું એસ ઈલેવન વેરિયન્ટ. કંપનીએ નવી પેઢીની જરૂરિયાતોને અને માર્કેટના બદલાતા મૂડના આધારે ફેરફાર કરીને સ્કોર્પિયો ક્લાસિક લૉન્ચ કરી છે.

મોટોરોલાએ લૉન્ચ કર્યો Moto G32 સ્માર્ટફોન
ભારતીય ગ્રાહકોને આકર્ષવા માટે મોટોરોલાએ મંગળવારે નવો એફોર્ડેબલ સ્માર્ટફોન ‘મોટો G-32’ લૉન્ચ કર્યો છે. આ ફોનમાં સાડા છ ઈંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે અને સ્ટીરિયો સ્પીકરનું ફીચર ઉમેરવામાં આવ્યું છે. ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્લેટફોર્મ પર 12 હજાર 999 રૂપિયામાં મળતો આ ફોન બે કલરમાં ઉપલબ્ધ છે – મિનરલ ગ્રે અને સેટિન સિલ્વર. આ ફોનમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ મળશે. કેમેરાની વાત કરીએ તો, 50 એમપી રિયર કેમેરા અને 16 એમપી સેલ્ફી કેમેરા ઉપલબ્ધ છે.

Published: August 12, 2022, 21:40 IST