Unemployment crisis: ભણેલા-ગણેલા યુવાન બેકારોની સંખ્યા વધી, ILOના રિપોર્ટમાં થયો ખુલાસો

ILO ના અહેવાલ મુજબ, ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય તેવા શિક્ષિત યુવાઓમાં બેકારીનું પ્રમાણ વર્ષ 2000માં 35.2% હતું, જે 2022માં લગભગ બમણું વધીને 65.7% થયું છે.

Unemployment-Rate-increased-as-labour-participation-rate-hike

Money9 Gujarati:

Unemployment crisis: ભારતમાં રોજગારીની સ્થિતિ અંગે એક મહત્ત્વનો રિપોર્ટ બહાર આવ્યો છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO) અને ઈન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન ડેવલપમેન્ટ (IHD) દ્વારા સંયુક્ત રીતે પ્રકાશિત કરવામાં આવેલો ઈન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024 (India Employment Report 2024) દર્શાવે છે કે, ભારતના યુવાનો બેરોજગારીના વધતા દર સાથે ઝઝૂમી રહ્યા છે કારણ કે, લગભગ 83 ટકા બેરોજગાર લોકો યુવા વયના છે. એટલે કે, ભારતમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા સતત વધી રહી છે.

નોકરી શોધી રહેલાં 75%ને ઈમેઈલ મોકલતા પણ આવડતું નથી

ટેકનોલોજીના વિકાસ અને આધુનિકતાના યુગમાં આપણે વિકાસ તરફ આગળ વધી રહ્યો હોવા છતાં બેરોજગારીની સ્થિતિમાં હજુ પણ સુધારો થયો નથી. સરકાર સતત દાવો કરતી આવી છે કે, ઔપચારિક સેક્ટર (Formal Sector)માં રોજગારી વધી છે, પરંતુ આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 90 ટકા લોકો અનૌપચારિક સેક્ટરમાં કામ કરી રહ્યાં છે.
75 ટકાથી વધુ યુવા પાસે કોઈ કુશળતા નથી, તેઓ ઈમેઈલ પણ નથી કરી શકતા અને તેમને એક્સેલ શીટ પર કામ કરતાં પણ નથી આવડતું.

શિક્ષણ અને કુશળતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર

ભારતનાં આર્થિક વિકાસ દરમાં 7 ટકાથી પણ વધારે પ્રગતિ થવા છતાં રોજગારીનું ચિત્ર ઊજળું નથી. ઈન્ટરનેશનલ એજન્સીઓને ભારતના રોજગાર ક્ષેત્રમાં હજુ પણ અનેક ખામીઓ દેખાઈ રહી છે. જો ભારતે ઊંચો વૃદ્ધિદર જાળવી રાખવો હશે તો શિક્ષણ અને સ્કિલ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં શ્રમ આધારિત રોજગારીની તક વધશે પરંતુ શિક્ષણ આધારિત રોજગારીની તકમાં જોઈએ એટલો વધારો નહીં થાય.

ઉચ્ચ શિક્ષણ ધરાવતા બેકારો વધ્યા

કુલ બેરોજગાર યુવાનોમાં માધ્યમિક કે ઉચ્ચ શિક્ષણ ધરાવતા યુવાનોની સંખ્યા વધી છે. વર્ષ 2000માં આ આંકડો 35.2 ટકા હતો, તે 2022માં લગભગ બમણો વધીને 65.7 ટકા થઈ ગયો છે.

દસમા પછી ભણતર છોડનારા વધ્યા

ILOના અહેવાલ મુજબ, ભારતમાં માધ્યમિક (10મું ધોરણ) પછી શાળા છોડી દેવાનું પ્રમાણ હજુ પણ ઉચ્ચ સ્તરે છે. ખાસ કરીને ગરીબ રાજ્યોમાં અથવા સમાજમાં નીચલા સ્તરે રહેતા લોકોમાં આ ટ્રેન્ડ વધુ જોવા મળ્યો છે. ઉચ્ચ શિક્ષણની બાબતમાં દેશ ઘણો પાછળ છે, શહેરો સિવાય નાના અને પછાત વિસ્તારોમાં શિક્ષણનું સ્તર ચિંતાજનક છે. ભારતમાં બાળકોની શીખવાની ક્ષમતા શાળાથી ઉચ્ચ શિક્ષણ સ્તર સુધી ઓછી છે.

મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં મજૂરો વધ્યા

અહેવાલ મુજબ, દેશમાં ઉચ્ચ તકનીકનો ફેલાવો હોવા છતાં, લાખો યુવાનો પાસે શ્રમ-આધારિત ઉત્પાદનમાં કામ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ જ કારણ છે કે દર વર્ષે શ્રમબળમાં વધારો થઈ રહ્યો છે.

સેન્ટર ફોર હ્યુમન ડેવલપમેન્ટ (IHD) કહે છે કે, દર વર્ષે 70-80 લાખ યુવાનો દેશના શ્રમબળ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં જોડાશે. તેને ચલાવવા માટે ઘણા લોકોની જરૂર હોવાથી આગામી 10 વર્ષમાં આ ક્ષેત્રમાં રોજગારીનું સર્જન થઈ શકે છે.

Published: March 27, 2024, 22:20 IST