ADBને ભારતીય અર્થતંત્ર પર ભરોસોઃ FY25 માટે વૃદ્ધિનો અંદાજ 6.7%થી વધારીને 7% કર્યો

વર્લ્ડ બેન્ક અને IMF બાદ હવે ADB (Asian Development Bank)એ ભારતીય અર્થતંત્ર માટે મજબૂત આશાવાદ વ્યક્ત કર્યો છે અને ભારત વૃદ્ધિનું એન્જિન બની રહેશે, તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.

ADB, Asian Development Bank

Money9 Gujarati:

એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 7 ટકા કર્યો છે. અગાઉ તેણે વિકાસ દર 6.7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. ADB અનુસાર, જાહેર અને ખાનગી ક્ષેત્રમાં મૂડીખર્ચ વધવાથી તેમજ ગ્રાહક માંગ મજબૂત હોવાથી અર્થતંત્રની વૃદ્ધિનો માર્ગ મોકળો થશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્લ્ડ બેન્ક અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ પણ ભારતીય અર્થતંત્ર માટે મજબૂત વૃદ્ધિનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ભારત છે વૃદ્ધિનું એન્જિન

ADBએ ‘એશિયન ડેવલપમેન્ટ આઉટલુક’ની એપ્રિલ એડિશનમાં કહ્યું છે કે, એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભારત એક મહત્વપૂર્ણ વૃદ્ધિનું એન્જિન બની રહેશે.
ADBએ નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતનો વિકાસ દર 7.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. નાણાકીય વર્ષ 2023-24 અને નાણાકીય વર્ષ 2024-25માં મંદી હોવા છતાં, ભારતનું પ્રદર્શન મજબૂત રહેશે. જોકે, નાણાકીય વર્ષ 2024-25 માટે વૃદ્ધિનો અંદાજ નાણાકીય વર્ષ 2022-23ના અંદાજિત 7.6 ટકા કરતાં ઓછો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ADBએ નાણાકીય વર્ષ 2024-25માં ભારતીય અર્થવ્યવસ્થામાં 6.7 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો.

અર્થતંત્રમાં મજબૂત વૃદ્ધિ

એશિયન ડેવલપમેન્ટ આઉટલુક જણાવે છે કે નાણાકીય વર્ષ 2022-23માં ઉત્પાદન અને સેવાઓમાં મજબૂત ગતિ સાથે અર્થતંત્રમાં મજબૂત વૃદ્ધિ થશે. આ ગતિ આગળ પણ ચાલુ રહેશે. વૃદ્ધિ મુખ્યત્વે મજબૂત રોકાણ અને ઉપભોક્તા માંગમાં સુધાર દ્વારા સંચાલિત થશે. વૈશ્વિક પ્રવાહોને અનુરૂપ, ફુગાવામાં ઘટાડો ચાલુ રહેશે.

RBIની અપેક્ષાને ADBનો ટેકો

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગયા અઠવાડિયે કહ્યું હતું કે સામાન્ય ચોમાસા, ફુગાવાના દબાણમાં ઘટાડો અને મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં સતત વૃદ્ધિને કારણે ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો GDP વૃદ્ધિ દર 7 ટકા હોવાનો અંદાજ છે.

ભારત માટે ADBના કન્ટ્રી ડાયરેક્ટર મિઓ ઓકાએ જણાવ્યું હતું કે વૈશ્વિક પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોવા છતાં, ભારત તેની મજબૂત સ્થાનિક માંગ અને સહાયક નીતિઓના બળ પર સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે. ADBની સ્થાપના 1966માં થઈ હતી. ADBના 68 સભ્ય દેશો છે, જેમાંથી 49 એશિયા અને પેસિફિક ક્ષેત્રના છે.

 

 

Published: April 11, 2024, 20:50 IST