MONEY9: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.
એરટેલે લૉન્ચ કર્યાં નવા ફેમિલી પ્લાન ભારતી એરટેલે નવા પ્લાન લૉન્ચ કરીને ટેલિકોમ માર્કેટમાં સ્પર્ધા તીવ્ર બનાવી છે. એરટેલે નવા ફેમિલી પ્લાન લૉન્ચ કર્યા છે, જેમાં ગ્રાહકોને Disney +Hotstarથી લઈને Netflixનું સબ્સક્રિપ્શન પણ મળી જશે. એરટેલની વેબસાઈટ અનુસાર, નવા ફેમિલી પ્લાન માસિક 599 રૂપિયાથી 1,499 રૂપિયાની રેન્જમાં લૉન્ચ થયા છે જ્યારે બ્લેક ફેમિલી પ્લાન માસિક 799થી 2,299 રૂપિયાની રેન્જમાં લૉન્ચ થયા છે. બ્લેક ફેમિલી પ્લાનમાં તમને ફિક્સ્ડ બ્રોડબેન્ડ સર્વિસ તેમજ ડીટીએચ અને વિવિધ ઓટીટી પ્લેટફોર્મની મેમ્બરશીપ મળશે. એરટેલ બ્લેક ફેમિલી પ્લાન હેઠળ એમેઝોન પ્રાઈમનું છ મહિનાનું સબ્સક્રિપ્શન અને ડિઝની પ્લસ હોટસ્ટારનું 1 વર્ષનું સબ્સક્રિપ્શન આપે છે. જો તમે વધુ કિંમતના પ્લાન ખરીદશો તો, નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન પણ મળશે. મોંઘી કિંમતના પ્લાનમાં તમે બેથી પાંચ મોબાઈલ ફોન કનેક્શન પણ બન્ડલ કરાવી શકો છો. એરટેલ આ પ્લાન દ્વારા પ્રિપેઈડ ગ્રાહકોને પોસ્ટપેઈડ તરફ વાળવા માંગે છે.
સ્માર્ટ મીટર લગાવો અને વીજળીનું બિલ ઘટાડો કેન્દ્રીય વીજ મંત્રી આર. કે. સિંઘે જણાવ્યું છે કે, જો ગ્રાહકો સ્માર્ટ પ્રિપેઈડ મીટરનો ઉપયોગ કરે તો, વીજળીનું બિલ અઢી ટકા સુધી ઘટી શકે છે. ગ્રાહકો સ્માર્ટ પ્રિપેઇડ મીટર વાપરે છે, ત્યારે વીજળીનું બિલ એડવાન્સમાં ભરી દે છે, આથી વીજળીનો સપ્લાય કરતી કંપનીનો ખર્ચ ઘટી જાય છે અને પરિણામે તમારા બિલની રકમનો આંકડો પણ નીચે જાય છે. જે ગ્રાહકો હજુ પણ જૂના પરંપરાગત પોસ્ટ-પેઈડ મીટરનો ઉપયોગ કરે છે, તેમની તુલનાએ પ્રિપેઈડ મીટર ઈન્સ્ટોલ કરાવનારા ગ્રાહકો ફાયદાનો અનુભવ કરી રહ્યાં છે. નવી દિલ્હીની એક સંસ્થા દ્વારા થયેલા સરવેને ટાંકીને સિંઘે જણાવ્યું હતું કે, સરવેમાં ભાગ લેનારા 92 ટકા લોકોએ પ્રિપેઈડ મીટર ઈન્સ્ટોલેશનની પ્રોસેસ સરળ હોવાનું સ્વીકાર્યું છે જ્યારે 50 ટકાએ સ્વીકાર્યું છે કે, તેમનું બિલ ઘટ્યું છે. જોકે, 37 ટકા લોકોએ અન્ય લોકોને આ નવા સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ નહીં કરવાની સલાહ આપી છે.
સરકારે વિન્ડફૉલ ટૅક્સમાં કર્યો ઘટાડો સરકારે પેટ્રોલિયમ કંપનીઓને રાહત આપી છે. સરકારે ક્રૂડ પેટ્રોલિયમ તેલના સ્થાનિક ઉત્પાદન પર લાગતો વિન્ડફોલ ટેક્સ 900રૂપિયા ઘટાડીને 3,500 રૂપિયા પ્રતિ ટન કર્યો છે. જોકે, સરકારે ડીઝલ પર લાગતી નિકાસ ડ્યૂટી 0.50 રૂપિયાથી વધારીને 1 રૂપિયો પ્રતિ લિટર કરી છે. આથી, ડીઝલના ભાવમાં વધારો થશે અને નવા દર 21 માર્ચથી લાગુ થઈ ગયા છે. સ્થાનિક ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ ઘટવાથી પેટ્રોલના ભાવ ઘટવાની સંભાવના વધી ગઈ છે. સરકારના આ પગલાથી સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળશે.
FMCG કંપનીઓના રેગ્યુલર સાઈઝના પેકેટનું વેચાણ વધ્યું FMCG માર્કેટના ગ્રાહકો ધીમે ધીમે રેગ્યુલર સાઈઝના અથવા તો મધ્યમ કિંમતના પેકેટ ખરીદવા લાગ્યા છે. રેગ્યુલર સાઈઝના પેકેટ 30 રૂપિયાથી લઈને 90 રૂપિયા સુધીની કિંમતમાં મળતા હોય છે. FMCG કંપનીઓનું કહેવું છે કે, નાસ્તા, બિસ્કિટ, ડિટરજન્ટ અને ખાદ્ય તેલ જેવી કેટેગરીમાં રેગ્યુલર પેકેટનો ઉપાડ વધ્યો છે. મોંઘવારીમાં ઘટાડો થવાથી આ ટ્રેન્ડ જોવા મળ્યો છે. મોંઘવારીએ માજા મૂકી ત્યારથી ગ્રાહકો નાની સાઈઝના અને ઓછી કિંમતના પેકેટ ખરીદતા હતા, પરંતુ છેલ્લાં કેટલાક સમયથી આ ટ્રેન્ડ બદલાયો છે. ખાવાનું તેલ સસ્તું થવાથી તેમજ અન્ય કોમોડિટીના ભાવ ઘટવાથી ગ્રાહકો ફરી રેગ્યુલર પેકેટ તરફ વળ્યાં છે એમ અદાણી વિલ્મરના મેનેજિંગ ડિરેક્ટર આંગ્શુ મલિક સ્વીકારે છે. પારલે પ્રોડક્ટ્સના સીનિયર કેટેગરી હેડ મયંક શાહ કહે છે કે, છેલ્લાં 1 મહિનાથી રેગ્યુલર સાઈઝની ડિમાન્ડ જોવા મળી છે.
GAIL અને Hudcoના શેર એક્સ-ડિવિડન્ડ થયા ગેઈલ અને હુડકોના શેર 21 માર્ચ, મંગળવારે એક્સ-ડિવિડન્ડ થયા છે. ગેઈલે નાણાકીય વર્ષ 2022-23 માટે શેર દીઠ 4 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરેલું છે. કંપની 12 એપ્રિલ, 2023ના રોજ આ ડિવિડન્ડ ચૂકવશે. હુડકોએ શેર દીઠ 75 પૈસાનું ડિવિડન્ડ મંજૂર કરેલું છે. આ બંને કંપનીના ડિવિડન્ડ માટે 21 માર્ચ રેકોર્ડ ડેટ હતી. GAILનો શેર 3.92 ટકા ઘટીને રૂ.105.50એ જ્યારે હુડકોનો શેર 1.01 ટકા ઘટીને રૂ.44એ બંધ રહ્યો હતો.
હ્યુન્ડેઈ મોટર્સે લૉન્ચ કરી નવી વર્ના અગ્રણી ઓટો કંપની હ્યુન્ડેઈ મોટર્સે તેની મિડ-સાઈઝ્ડ સેડાન વર્નાનું નવું વર્ઝન લૉન્ચ કર્યું છે. નવી વર્નાની કિંમત 10.89 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ સિક્સ્થ જનરેશન વર્નામાં દોઢ લિટરનું પેટ્રોલ એન્જિન મળશે. કંપનીએ આ મોડલનું ડીઝલ વેરિયન્ટ લૉન્ચ કર્યું નથી, કારણ કે તેની માંગ નથી. હ્યુન્ડેઈ મોટર્સે જણાવ્યું છે કે, નવી વર્નામાં એક લિટરે 20.6 કિલોમીટરનું માઈલેજ મળશે. નવી વર્નામાં 6 એરબેગ સાથે 30 સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સ પણ સામેલ છે. કંપનીને નવી વર્ના માટે 8,000 બૂકિંગ્સ પણ મળી ગયા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો