Money9 Gujarati:
માર્ચ 2024માં પૂરા થનારા નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રનો GDP વૃદ્ધિદર 8 ટકાની ઘણી નજીક હશે, એમ RBIના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું છે. 2023ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં અર્થતંત્ર 8.4 ટકાના છેલ્લાં 18 મહિનાના સૌથી ઝડપી દરે વિકસ્યું હતું. ત્યારબાદ, સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે અર્થતંત્રના વિકાસ દરનો અંદાજ 7.3 ટકાથી વધારીને 7.6 ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી અને હવે RBIએ પણ 8 ટકાની નજીકનો આશાવાદ વ્યક્ત કર્યો છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું છે કે, “અમને જે માહિતી મળી રહી છે અને આર્થિક ગતિવિધિ અંગે અમારી જે સમજ છે તેના આધારે લાગે છે કે, ચોથા ક્વાર્ટરમાં (જાન્યુઆરી-માર્ચ 2024) 5.9 ટકાના અપેક્ષિત ગ્રોથ રેટ કરતાં વધારે ગ્રોથ રેટ જોવા મળશે, અને તેના લીધે સમગ્ર નાણાકીય વર્ષનો ગ્રોથ રેટ 7.6 ટકાની ઉપર પહોંચશે.”
“અને મને લાગે છે કે, સારો વૃદ્ધિદર હાંસલ થવાની પ્રબળ શક્યતા છે, જેના લીધે ચાલુ નાણાકીય વર્ષમાં GDPનો આંકડો 8 ટકાની ઘણી નજીક પહોંચી જશે” એમ તેમણે ઉમેર્યું હતું.
અગાઉ ફેબ્રુઆરીમાં મળેલી RBIની મૌદ્રિક નીતિની સમીક્ષા બેઠકમાં શક્તિકાંતા દાસે જીડીપી ગ્રોથ માટે 7.6 ટકાનો અંદાજ આપ્યો હતો. પરંતુ નાણાકીય વર્ષ 2024માં વૃદ્ધિદર આ અંદાજ કરતાં વધારે રહેવાની શક્યતા છે. નાણાકીય વર્ષ 2025માં પણ જીડીપી ગ્રોથ 7 ટકાના દરથી વધી શકે છે. RBI ગવર્નર ઉપરાંત SBIએ પણ તેના ‘Ecowrap’ રિસર્ચ રિપોર્ટમાં જીડીપી ગ્રોથ ઊંચો રહેવાનો દાવો કર્યો હતો.
તેમણે પુનરોચ્ચાર કર્યો કે RBIની નાણાકીય નીતિ સમિતિ ફુગાવાને તેના 4%ના લક્ષ્યાંક સુધી નીચે લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને ભાવ સ્પષ્ટ ડાઉનવર્ડ માર્ગ પર હોવા છતાં, ભૌગોલિક રાજકીય અને હવામાન જોખમો જેવી મોટી અનિશ્ચિતતાઓ યથાવત છે, એમ ગવર્નરે જણાવ્યું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો