Money9 Gujarati:
GDP Growth: ભારતે અંદાજ કરતાં વધુ ઝડપે વૃદ્ધિ હાંસલ કરી છે અને એનાલિસ્ટ્સની અપેક્ષા કરતાં ચઢિયાતું પ્રદર્શન કર્યું છે. ઓક્ટોબર-ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં ભારતે 8.4 ટકા GDP વૃદ્ધિદર નોંધાવ્યો છે, જે અગાઉના સપ્ટેમ્બર ક્વાર્ટરના 8.1 ટકા ગ્રોથ કરતાં પણ વધારે છે. 2022ના ડિસેમ્બર ક્વાર્ટરમાં GDP ગ્રોથ રેટ 4.3 ટકા નોંધાયો હતો.
SBIએ ડિસેમ્બર ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 6.7થી 6.9 ટકા રહેવાનો અંદાજ આપ્યો હતો. પરંતુ GDP ગ્રોથ રેટ 8.4 ટકા રહ્યો છે. ઈકોનોમિક ટાઈમ્સે કરેલા 15 ઈકોનોમીસ્ટ્સના સરવેમાં 6.6 ટકા ગ્રોથ રેટનો અંદાજ આપવામાં આવ્યો હતો. RBIએ પણ 6.5 ટકા ગ્રોથ રેટનો અંદાજ આપ્યો હતો. વિવિધ એનાલિસ્ટ્સે ડિસેમ્બર ક્વાર્ટરમાં GDP ગ્રોથ રેટ 6 ટકાથી 7.2 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ આપ્યો હતો, પરંતુ સરકારે 8.4 ટકા ગ્રોથ રેટ જાહેર કર્યો છે.
ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર ઊંચો રહેવાથી સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 માટેનો વૃદ્ધિદરનો અંદાજ પણ ઉપર ગયો છે. 2023-24માં GDP ગ્રોથ રેટ હવે 7.6 ટકા રહેવાનો અંદાજ છે. અગાઉ ફેબ્રુઆરીના પ્રારંભે જે અંદાજ જાહેર થયો હતો તેમાં 2023-24 માટે 7.3 ટકા ગ્રોથ રેટનો અંદાજ આપવામાં આવ્યો હતો.
ડિસેમ્બર ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરે 11.6 ટકા વૃદ્ધિદર હાંસલ કર્યો છે, જે અગાઉના ક્વાર્ટરમાં 14.4 ટકા હતો. કૃષિ સેક્ટરનું પ્રદર્શન નબળું રહ્યું છે અને ગ્રોથ રેટ 0.8 ટકા ઘટ્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કૃષિ સેક્ટરનો ગ્રોથ રેટ 1.6 ટકા હતો. માઈનિંગનો ગ્રોથ રેટ 7.5 ટકા રહ્યો છે. બાંધકામ સેક્ટરનો ગ્રોથ રેટ 9.5 ટકા રહ્યો છે, જે અગાઉના ક્વાર્ટરમાં 13.5 ટકા હતો. ટ્રેડ, હોટેલ્સ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરનો ગ્રોથ રેટ 6.7 ટકા રહ્યો છે, જે અગાઉના ક્વાર્ટરમાં 4.5 ટકા હતો. ફાયનાન્સિયલ, રિયલ એસ્ટેટ સર્વિસિસનો ગ્રોથ રેટ 7 ટકા રહ્યો છે, જે અગાઉ 6.2 ટકા હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો