અમદાવાદની ફ્લાઈટ ટિકિટ કેમ થઈ ગઈ મોંઘી? RBIએ ગુજરાતની 17 સહકારી બેન્કોને શા માટે દંડ ફટકાર્યો?

અમદાવાદ પહોંચાડતી ફ્લાઈટની ટિકિટ કેમ મોંઘી થઈ? ગુજરાતની કઈ સહકારી બેન્કોને દંડ થયો? અમદાવાદમાં પ્રોપર્ટીના નામ ટ્રાન્સફર ફીમાં કેટલો વધારો થશે?

  • Team Money9
  • Last Updated : December 21, 2022, 21:44 IST
Why Airfare doubles for Ahmedabad flights

Why Airfare doubles for Ahmedabad flights

Why Airfare doubles for Ahmedabad flights

MONEY9: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.

અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડાં ડબલ
ક્રિસમસ અને ન્યૂ યર પહેલાં અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડાંમાં બમણાથી પણ વધુ વધારો થયો છે. સામાન્ય દિવસોમાં મુંબઈથી અમદાવાદનું હવાઈભાડું બાવીસ્સોથી પચ્ચીસો રૂપિયાની આસપાસ રહેતું હોય છે, જે અત્યારે 16 હજાર રૂપિયાને પાર થઈ ગયું છે. આવી જ રીતે, દિલ્હીથી અમદાવાદનું વન-વે ભાડું પાંત્રીસો રૂપિયાથી 4 હજારની આસપાસ હોય છે, જે સાડા અગિયાર હજાર રૂપિયાએ પહોંચી ગયું છે. અમદાવાદમાં અત્યારે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે, એટલે મુસાફરોની સંખ્યા વધી છે. અમદાવાદ એરપોર્ટના અધિકારીઓ જણાવે છે કે, ક્રિસમસ વેકેશન હોવાથી અનેક લોકો પ્રમુખસ્વામી મહોત્સવમાં ભાગ લેવા આવી રહ્યાં છે, જેથી હવાઈભાડાંમાં વધારો થયો છે. એટલું જ નહીં, ફોરેનમાંથી ગુજરાત આવનારા લોકોની સંખ્યા પણ વધવાથી ભાડાં ડબલ થઈ ગયા છે. જેમકે, લંડનથી અમદાવાદનું વન-વે એરફેર 80 હજાર પ્લસ, અબુધાબી-અમદાવાદનું ભાડું 32 હજાર પ્લસ જ્યારે દુબઈથી અમદાવાદનું ભાડું 33 હજાર પ્લસ થઈ ગયું છે.

અમદાવાદમાં પ્રોપર્ટીનાં નામ ટ્રાન્સફર ફી વધારવાનો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેસિડેન્શિયલ અને કમર્શિયલ મિલકતમાં નામ ટ્રાન્સફર કરતી વખતે વસૂલવામાં આવતી ફી 10 વર્ષ બાદ વધારવાનો નિર્ણય લેવાયો છે. જો સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળશે, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં 15 ટકાનો વધારો થશે. વધતા જતા વહીવટી ખર્ચને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ નિર્ણય લીધો છે. અત્યારે 50 લાખ રૂપિયા સુધીનું મૂલ્ય ધરાવતી રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં નામ ટ્રાન્સફર માટે મહત્તમ 1,250 રૂપિયા ચૂકવવા પડે છે, જે નવા વર્ષથી વધીને 3,750 થઈ જશે. આવી જ રીતે, 50 લાખ રૂપિયા સુધીનું મૂલ્ય ધરાવતી કમર્શિયલ પ્રોપર્ટીમાં નામ ટ્રાન્સફર કરવા માટે મહત્તમ પચ્ચીસો રૂપિયા ચાર્જ છે, જે વધીને સાડા સાત હજાર રૂપિયા કરવામાં આવશે. 10 લાખ રૂપિયા સુધીનું મૂલ્ય ધરાવતી પ્રોપર્ટીમાં નામ ટ્રાન્સફર માટે કોર્પોરેશન અઢીસો રૂપિયા વસૂલે છે, જેમાં 300 ટકાનો વધારો કરીને સાડી સાતસો રૂપિયા વસૂલવાની દરખાસ્ત કરવામાં આવી છે. મોંઘી પ્રોપર્ટીની વાત કરીએ તો, અત્યારે દોઢ કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતી પ્રોપર્ટીમાં નામ ટ્રાન્સફર કરાવવા માટે 4,000 રૂપિયા ચૂકવવા પડે છે, પરંતુ નવા વર્ષથી 15 હજાર રૂપિયા ચૂકવવા પડશે. આવી જ રીતે, દોઢ કરોડથી વધુ મૂલ્યની મિલકતમાં નામ ટ્રાન્સફર કરવાની ફી 15 હજાર રૂપિયા છે, અને તેને વધારીને 60 હજાર કરવામાં આવશે.

ગુજરાતની 17 સહકારી બેન્કોને RBIએ દંડ ફટકાર્યો
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ ગુજરાતની 17 સહકારી બેન્કોને દંડ ફટકાર્યો છે. વિવિધ નિયમોનો ભંગ કરવા બદલ સહકારી બેન્કોને 50 હજાર રૂપિયાથી લઈને 7 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. ભૂજ મર્કેન્ટાઈલ બેન્કને સૌથી વધુ 7 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, કારણ કે, તેના ડિરેક્ટર્સે પોતે જ ગેરન્ટર બનીને નજીકના સગાંઓને લોન આપી હતી. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કલમ 47-એ-1-સી અને કલમ-46-4-1 તેમજ કલમ 56ની જોગવાઈઓનો ભંગ કરવા બદલ સહકારી બેન્કોને દંડવામાં આવી છે. મોટા ભાગની બેન્કોએ CRR એટલે કે, કેશ રિઝર્વ રેશિયો તેમજ SLR એટલે કે, સ્ટેચ્યુટરી લેન્ડિંગ રેશિયો જાળવ્યો ના હોવાથી દંડ ભરવાનો વારો આવ્યો છે. આવી સહકારી બેન્કોમાં કચ્છ જિલ્લા સહકારી બેન્ક, આણંદની સરદારજંગ મર્કન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્ક, ગોધરાની જનતા સહકારી બેન્ક, હાલોલ અર્બન કો-ઓપરેટિવ બેન્ક, વીરમગામ મર્કન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્ક, મહેસાણાની લાખાવાડ નાગરિક સહકારી બેન્ક, છોટા ઉદેપુરની બોડેલી અર્બન કોઓપરેટિવ બેન્ક, હારીજ નાગરિક સહકારી બેન્ક, અમદાવાદની સરસપુર નાગરિક સહકારી બેન્ક, ગુજરાત રાજ્ય કર્મચારી સહકારી બેન્ક, ગુજરાત મર્કન્ટાઈલ કોઓપરેટિવ બેન્ક, મહાલક્ષ્મી મર્કન્ટાઈલ કોઓપરેટિવ બેન્ક, અમરેલીના બાબરાની નાગરિક સહકારી બેન્ક, વર્ધમાન સહકારી બેન્ક, મહેસાણાની બેચરાજી નાગરિક સહકારી બેન્ક અને ડભોઈની શ્રીમહાલક્ષ્મી મર્કન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્કનો સમાવેશ થાય છે.

આફ્ટર-સેલ્સ-સર્વિસ માટે વેબસાઈટ આવશે
ગ્રાહકોએ ઈલેક્ટ્રોનિક માલસામાન, મોબાઈલ હેન્ડસેટ, હોમ અપ્લાયન્સ, કાર જેવી પ્રોડક્ટ ખરીદ્યા પછી આફ્ટર-સેલ્સ-સર્વિસ માટે હેરાન નહીં થવું પડે… સરકાર ટૂંક સમયમાં એક વેબસાઈટ લોન્ચ કરશે, જેના કારણે ગ્રાહકોને સરળતાથી આફ્ટર-સેલ્સ-સર્વિસિસની વિગતો મળી જશે. એટલું જ નહીં, કંપનીઓએ હવેથી તેમની વેબસાઈટ પર આફ્ટર-સેલ્સ-સર્વિસની માહિતી ફરજિયાતપણે આપવી પડશે. કંપનીઓએ સર્વિસનો સમયગાળો, સર્વિસ કરાવવા માટેનું સરનામું, સ્પેરપાર્ટ્સની ઉપલબ્ધતા જેવી માહિતી આપવાની રહેશે. કંપનીઓએ તેમની વેબસાઈટ પર સેલ્ફ રિપેર મેન્યુઅલ પણ અપલોડ કરવી પડશે અને તેનું સંચાલન ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા કરવામાં આવશે. કંપનીઓ ગુણવત્તાસભર પ્રોડક્ટ સર્વિસ આપે તે માટે સરકારે આ પગલું ભર્યું છે.

લઘુત્તમ પેન્શનની રકમ વધારવાની માંગ
એમ્પ્લોયી પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનાઈઝેશનની કમિટીએ સરકારને એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ 1995 એટલે કે, EPS-95માં ધરમૂળથી ફેરફાર કરવા જણાવ્યું છે. જો સરકાર આ કમિટીની માંગણીઓ સ્વીકારશે, તો જે વ્યક્તિએ ક્યારેય પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ નહીં કર્યું હોય, તે પણ EPFO ​​પાસેથી પેન્શન મેળવી શકશે. ઉપરાંત, સમિતિએ સરકારને કર્મચારી પેન્શન યોજના હેઠળ લઘુત્તમ પેન્શનની રકમ 1,000 રૂપિયાથી વધારીને 7,500 રૂપિયા કરવા જણાવ્યું છે. તેણે સરકારને ઉચ્ચ પગાર પર પેન્શનની રકમની ગણતરી કરવા પણ કહ્યું છે. અત્યારે EPFO ​​માત્ર 15,000 રૂપિયાના મહત્તમ માસિક પગાર પર પેન્શનની ગણતરી કરી શકે છે. પરંતુ સમિતિએ સરકારને આ મર્યાદા વધારવા જણાવ્યું છે. કમિટીએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે, જો આગામી 15 દિવસમાં તેમની માંગણી નહીં સંતોષાય તો તેઓ દેશવ્યાપી આંદોલન કરશે અને આમરણાંત ઉપવાસ પર બેસી જશે.

FDના ઈન્ટરેસ્ટ રેટ વધતા રહેશે
શું બેન્કોએ ડિપોઝિટ મેળવવા માટે લોભામણી ઓફર આપવાનું શરૂ કર્યું છે? તેવા સવાલના જવાબમાં RBIના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું છે કે, ફિક્સ્ડ ડિપોઝિટના ઈન્ટરેસ્ટ રેટ વધવાનું હજુ જળવાઈ રહેશે. ગવર્નરે જણાવ્યું છે કે, બેંકોની તિજોરીમાં પૂરતી ડિપોઝિટ છે. ભંડોળની આવશ્યકતાઓને પહોંચી વળવા માટે બેંકો પાસે સરપ્લસ સરકારી બોન્ડ હોલ્ડિંગ છે. છેલ્લા એક વર્ષમાં થાપણોમાં 17.5 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. રિઝર્વ બેન્કના ગવર્નરે કરેલી આ ટિપ્પણીથી એક વાત તો નક્કી થઈ છે કે, આગામી સમયમાં બેન્કો FDના ઈન્ટરેસ્ટ રેટમાં હજુ પણ વધારો કરશે. બુધવારે એક કાર્યક્રમમાં ગવર્નરે ખાનગી ક્રિપ્ટોકરન્સી અંગે પણ ટિપ્પણી કરી અને કહ્યું છે કે, જો બિટકોઇન જેવા સટ્ટાકીય સાધનો પર અંકુશ રાખવામાં નહીં આવે તો, આગામી નાણાકીય કટોકટી ક્રિપ્ટોજગતમાંથી જ આવશે.

મ્યુ. ફંડ કંપનીઓની પ્રાઈસિંગ સર્વિસિસ પર સેબીની નજર
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે તમે જે એક્ઝિટ લોડ ચૂકવો છો કે ફી અને ચાર્જ ચૂકવો છો તેના નિયમોમાં ટૂંક સમયમાં ફેરફાર થશે. બની શકે કે, તમારે વધારે ફી ચૂકવવી પડે અથવા તમે જે ચાર્જ ચૂકવો છો તે ઘટી પણ શકે છે. મૂડીબજારના નિયમનકાર સેબીએ કહ્યું છે કે, એસેટ મેનેજમેન્ટ કંપનીઓની સર્વિસસની કિંમતો પર દેખરેખ રાખવા માટે એક નિયમનકારી માળખું લાવશે. આ નિયમનકારી માળખું મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સના ડાયરેક્ટ પ્લાન્સ સાથે સંબંધિત હશે. નિયમનકારી માળખું એ પણ સુનિશ્ચિત કરશે કે AMC સાયબર સુરક્ષા નિયમોનું પાલન કરે છે કે નહીં. આનાથી સાયબર હુમલાના વધતા કિસ્સાઓ સામે રોકાણકારોના નાણાંની સલામતી સુનિશ્ચિત થશે. જોકે, એ સ્પષ્ટ નથી કે સેબી માત્ર ડાયરેક્ટ પ્લાન માટે જ આ માળખું લાગુ કરશે કે પછી અન્ય સ્કીમ્સ માટે પણ નિયમનકારી માળખું લાવશે.

Published: December 21, 2022, 21:42 IST