MONEY9: અહીં રજૂ કરેલાં કમાણી, બચત અને ખર્ચ અંગેના સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે.
ભારતે નાછૂટકે કરવી પડે છે મોંઘા ગેસની આયાત દેશમાં સીએનજી અને પીએનજીના ભાવ ફરી ઉપર જવાની શક્યતા વધી ગઈ છે…. કારણ કે, ભારતે નાછૂટકે મોંઘાદાટ ગેસની આયાત કરવાનો વારો આવ્યો છે. રશિયન કંપની ગેઝપ્રોમે ભારતને 20 વર્ષ સુધી ગેસ આપવાનો કરાર કર્યો હતો. આ કરાર હેઠળ ગેઝપ્રોમે 2018થી ભારતની સરકારી કંપની ગેઈલને સપ્લાય આપવાનું શરૂ કર્યું હતું, પરંતુ યુક્રેન સાથે યુદ્ધને કારણે ચાલુ વર્ષના મે મહિનાથી રશિયન કંપનીએ સપ્લાય બંધ કરી દીધો છે, એટલે ભારતે અન્ય દેશો પાસેથી મોંઘા ભાવે ગેસની આયાત કરવાનો વારો આવ્યો છે. ગેસ માર્કેટના નિષ્ણાતો જણાવે છે કે, ભારત અત્યારે બમણી કિંમત ચૂકવીને ગેસ મેળવે છે. ગેસ મોંઘા ભાવે મળતો હોવાથી દેશમાં ગેસની કિંમત વધવાની આશંકા છે અને તેની સીધી અસર સીએનજી અને પીએનજીના ભાવ પર પડી શકે છે.
શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ, નિફ્ટી 1% વધ્યા ચોમાસુ વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે, પરંતુ શેરબજારમાં તો, તેજીનો વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. ભરપૂર પ્રોફિટ બૂકિંગ અને તીવ્ર વોલેટાલિટીની વચ્ચે પણ મંગળવારે શેરબજારોમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો. એક પણ સેક્ટોરલ ઈન્ડેક્સ વધ્યા વગર ના રહ્યો જ્યારે નિફ્ટી ફાર્માએ તો સૌથી વધુ 3 ટકા પ્લસ ઉછાળો નોંધાવ્યો. નિફ્ટી 1 ટકા વધીને 17,800 પોઈન્ટ્સની ઉપર બંધ રહ્યો અને હવે 18 હજાર તરફ આગેકૂચ કરી રહ્યો છે. મંગળવારે સેન્સેક્સ 900 પોઈન્ટ્સથી પણ વધુ ઉપર ગયો અને દિવસના અંતે 578 પોઈન્ટ્સના વધારા સાથે 59,720ના લેવલે બંધ રહ્યો. સ્ટૉક-સ્પેસિફિક વાત કરીએ તો, ડિફેન્સ બજેટ વધવાની અપેક્ષાએ કોચીન શિપયાર્ડનો શેર આજે 423.95ના ઓલ-ટાઈમ હાઈ લેવલે પહોંચી ગયો જ્યારે રેલવેનો ઓર્ડર મળવાથી ઈરકોન ઈન્ટરનેશનલનો શેર 6 ટકા વધી ગયો. બંગાળમાં પોર્ટ પ્રોજેક્ટ મળવાથી અદાણી પોર્ટ્સના શેર 3 ટકા પ્લસ ગયા જ્યારે કોર્ટ કેસમાં જીત મળતાં નાટકો ફાર્માએ 660 રૂપિયાની હાઈ બનાવી.
છેલ્લાં 1 વર્ષમાં 1 કિલો ઘઉંનો ભાવ Rs 5 વધ્યો મોંઘવારીના સમાચાર વગર તો એક પણ દિવસ જતો નથી. ખાસ કરીને ખાણીપીણીના વધતા ભાવથી લોકો પરેશાન છે. સરકારના આંકડા દર્શાવે છે કે, છેલ્લાં 1 વર્ષમાં એક કિલો ઘઉંની સરેરાશ કિંમત પાંચ રૂપિયા વધીને 31 રૂપિયા થઈ ગઈ છે જ્યારે એક કિલો ચોખાનો ભાવ 4 રૂપિયા વધી ગયો છે. બજારમાં એક કિલો ચોખાની સરેરાશ વેચાણ કિંમત 38 રૂપિયાએ પહોંચી ગઈ છે. સરકારી અધિકારીઓ ઘઉંના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા માટે સંગ્રહખોરોને જવાબદાર ગણાવે છે જ્યારે ચોખાના ભાવમાં થયેલા વધારા માટે વરસાદની ઘટ અને ઓછા વાવેતરને જવાબદાર ઠેરવે છે.
દૂધના ભાવ વધવાની શક્યતાઃ મધર ડેરી માત્ર ચોખા અને ઘઉં નહીં, પરંતુ દૂધ પણ મોંઘું થવાની શક્યતા છે. દિલ્હી-એનસીઆરમાં દૂધનું વેચાણ કરતી કંપની મધર ડેરીએ જણાવ્યું છે કે, કાચા માલના ખર્ચમાં સતત વધારો થયો હોવાથી દૂધના ભાવ વધી શકે છે. મધર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર મનીષ બંદીશે જણાવ્યું છે કે, પશુદાણનો ખર્ચ તીવ્રપણે વધ્યો છે, એટલે ખેડૂતોએ દૂધની વેચાણ કિંમત વધારી છે. આથી, ડેરીઓ માટે દૂધ મેળવવાનો ખર્ચ વધ્યો છે. મધર ડેરીએ છેલ્લાં 6 મહિનામાં એક લિટર દૂધના ભાવમાં 4 રૂપિયાનો વધારો તો કર્યો જ છે, અને હવે દૂધ વધુ મોંઘું થઈ શકે છે.
EPFO દ્વારા કલ્યાણકારી યોજનાઓ લૉન્ચ થવાની શક્યતા સરકારના એમ્પ્લોયીઝ પ્રૉવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે, EPFO દ્વારા પીએફ અને પેન્શન સ્કીમ્સનું સંચાલન કરવામાં આવે છે અને હવે તે હેલ્થકેર, મેટરનીટિ તેમજ ડિસએબિલિટી બેનિફિટ જેવી સ્કીમ્સ પણ શરૂ કરવાની વિચારણા કરી રહ્યું છે. સરકારના અધિકારીનું કહેવું છે કે, EPFO પાસે સોશિયલ સિક્યૉરિટી બેનિફિટ યોજનાઓનું સંચાલન કરવાનો બહોળો અનુભવ છે, કારણ કે, તે દાયકાઓથી પ્રૉવિડન્ટ ફંડ અને પેશન્સ સ્કીમ્સનું સંચાલન કરે છે. આથી, સમાજ કલ્યાણની અન્ય યોજનાઓ શરૂ કરવા અને તેનું સંચાલન કરવા માટે EPFO પર પસંદગીનો કળશ ઢોળવામાં આવે તેવી શક્યતા છે. જો આવું થશે તો, ટૂંક સમયમાં ભારતીય નાગરિકોને EPFOના દાયરામાં આવતી કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી શકે છે.
કોસ્મેટિક આયુર્વેદિક ઉત્પાદનો 18%ના સ્લેબમાં છેઃ તેલંગાણા AAR GST-ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ્સની તેલંગાણા બેન્ચે સ્પષ્ટતા કરી છે કે, કોસ્મેટિક આયુર્વેદિક પ્રોડક્ટ્સ 18 ટકા GSTના સ્લેબમાં આવે છે. બેન્ચે સ્પષ્ટતા કરી છે કે, હેર ઓઈલ, કન્ડીશનર, ફેસ સીરમ વગેરે આયુર્વેદિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન માત્ર આયુષ-લાયસન્સ હેઠળ થતું હોવાથી તેને મેડિસિન તરીકે ક્લાસિફાય કરી શકાય નહીં. ભારતમાં મેડિસિન 12 ટકા GSTના સ્લેબમાં છે જ્યારે કોસ્મેટિક પ્રોડક્ટ્સ 18 ટકાના સ્લેબમાં છે. આમ, તેલંગાણા AARના ચુકાદાથી કોસ્મેટિક આયુર્વેદિક પ્રોડક્ટ્સ પર GSTને લઈને જે મૂંઝવણ હતી તે દૂર થઈ છે અને કોસ્મેટિક આયુર્વેદિક ઉત્પાદનો સસ્તા થવાની વાતનો છેદ ઉડી ગયો છે.
એક્સિસ બેન્કે વધાર્યા FDના વ્યાજ દર ખાનગી સેક્ટરની ધિરાણકર્તા એક્સિસ બેન્કે ફિક્સ્ડ ડિપૉઝિટના ઈન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો છે. બેન્ક હવે વિવિધ મુદતની FD પર 2.75 ટકાથી 5.75 ટકાની રેન્જમાં વ્યાજ આપી રહી છે. 5.75 ટકાનો સૌથી ઊંચો રેટ જોઈતો હોય તો, તમારે એક્સિસ બેન્કમાં 1 વર્ષ 11 દિવસથી 1 વર્ષ 25 દિવસની FD કરાવવી પડશે. એક્સિસ બેન્ક રેગ્યુલર સીટિઝન કરતાં સીનિયર સીટિઝનને 0.85 ટકા સુધી વધારે ઈન્ટરેસ્ટ રેટ પણ આપે છે.
એર એશિયાએ જાહેર કર્યો 50 લાખ ફ્રી ટિકિટનો સેલ ટાટા ગ્રૂપની એરલાઈન એરએશિયાએ 50 લાખ એર-ટિકિટ ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે. એરએશિયાનો આ સેલ 19 સપ્ટેમ્બરથી શરૂ થયો છે અને 25 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે. તમારે કંપનીની વેબસાઈટ અથવા સુપર એપ મારફતે ટિકિટ ખરીદવાની રહેશે. એરએશિયાએ માત્ર ડોમેસ્ટિક નહીં, પરંતુ ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન માટે પણ ફ્રી ટિકિટ ઉપલબ્ધ કરાવી છે. તમે આ સેલ હેઠળ 1 જાન્યુઆરી 2023થી 28 ઓક્ટોબર 2023 વચ્ચેની કોઈ પણ તારીખની ટિકિટ મેળવી શકશો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો