FD પર ક્યાં સુધી મળતું રહેશે વધારે વ્યાજ...?

વિશ્લેષકો જણાવે છે કે, ક્રેડિટની માંગ ઊંચી છે, બેન્કો વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે તેમજ લિક્વિડિટી ટાઈટ છે, આથી બેન્કો ડિપોઝિટ પર ઊંચા વ્યાજ દર આપવાનું લાંબા સમય સુધી જાળવી રાખશે.

  • Team Money9
  • Last Updated : January 5, 2024, 17:29 IST
BANK FD

Money9 Gujarati:

છેલ્લાં કેટલાક સમયથી FDના વ્યાજદરમાં વધારો થઈ રહ્યો છે. FD પર ઊંચા રેટ મળવાથી લોકોમાં તેનું આકર્ષણ વધ્યું છે. આવનારા દિવસોમાં પણ FD પર વધારે ઈન્ટરેસ્ટ રેટનો લાભ મળતો રહે તેવી શક્યતા છે, કારણ કે લાંબા સમય સુધી વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા દેખાતી નથી. ક્રેડિટની માંગ મજબૂત છે, લિક્વિડિટી ટાઈટ છે અને ફંડ મેળવવા માટે બેન્કો વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે, જેના લીધે બેન્કો ડિપોઝિટ પર વધારે વ્યાજ દર ઑફર કરવાનું તાત્કાલિક બંધ કરે તેવી શક્યતા નથી. આગામી છ મહિના કે ત્યારબાદ વ્યાજ દરમાં ઘટાડાની અસર જોવા મળશે, પરંતુ તેની પહેલાં વ્યાજ દર ઘટવાની કોઈ શક્યતા નથી.

મુખ્ય બેન્કોની FDના વ્યાજ દર 

SBI: 400 Days FD – 7.10%

DCB Bank: 12 months 1 day to 12 months 10 days – 7.85%

Federal Bank: 500 days – 7.50%

Kotak Mahindra Bank: 390 days – 7.15%

Bank of Baroda: 1 year – 6.85%

 

તાજેતરમાં કેટલીક મુખ્ય અને નાની બેંકોએ પસંદગીની મુદતની FDના ઈન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો છે. મોટાભાગની બેંકો તેમની ક્રેડિટ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ભંડોળ એકત્ર કરી રહી છે. ગયા અઠવાડિયે, સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)એ તેના ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરોમાં પસંદગીના સમયગાળા પર 0.25 ટકાથી 0.50 ટકાનો વધારો કર્યો હતો. SBI 400 દિવસની મુદત પર 7.10 ટકા વ્યાજ ઓફર કરી રહી છે, આ સ્કીમ 31 માર્ચ, 2024 સુધી માન્ય છે.

કોટક મહિન્દ્રા બેંકે પણ ત્રણ વર્ષથી વધુની કેટલીક મુદતની FDના વ્યાજ દરોમાં 0.50 ટકાથી 0.75 ટકાનો વધારો કર્યો છે. ડીસીબી બેંક જેવા નાના ધિરાણકર્તાઓએ 1 દિવસથી 12 મહિના અને 10 દિવસના સમયગાળાની FDના દર 0.10 ટકા વધારીને 7.85 ટકા કર્યા છે.

ક્યાં સુધી વ્યાજ દર ઊંચા રહેશે?

વિશ્લેષકો કહે છે કે, લોનની માંગ મજબૂત હોવાથી બેન્કો ડિપોઝિટ મેળવવા માટે સક્રિય પ્રયાસ કરશે. અપેક્ષા છે કે વર્તમાન નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં (જાન્યુઆરી-માર્ચ 2024) ડિપોઝિટના દર ઊંચા રહેશે કારણ કે આ ક્વાર્ટરમાં લોનની સૌથી વધુ માંગ જોવા મળે છે.
મોતીલાલ ઓસ્વાલના એનાલિસ્ટ નીતિન અગ્રવાલ કહે છે કે ઊંચા ડિપોઝિટ રેટને કારણે બેન્કોના માર્જિન પર દબાણ રહેશે. જાહેર ક્ષેત્રની બેંકોના માર્જિનમાં વાર્ષિક ધોરણે 5 થી 10 bpsનો ઘટાડો થશે, જ્યારે FD થાપણો પર તેમની વધુ નિર્ભરતાને કારણે ખાનગી ક્ષેત્રની બેંકોના માર્જિનમાં 10 થી 20 bpsનો ઘટાડો થશે.

વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે આગામી નાણાકીય વર્ષમાં પણ બેન્કિંગ સિસ્ટમ માટે ધિરાણ વૃદ્ધિ 15% ની આસપાસ રહેશે, જેના કારણે ધિરાણકર્તાઓ કાં તો થાપણો એકત્ર કરવા અથવા લોન વિતરણને સંપૂર્ણપણે ધીમી કરવા માટે ઊંચા દર ઓફર કરવાનું ચાલુ રાખે છે.

Published: January 5, 2024, 17:29 IST