Ambani-Adaniએ પહેલીવાર હાથ મિલાવ્યાઃ RILએ Adani Powerના પ્રોજેક્ટમાં 26% હિસ્સો ખરીદ્યો

બે હરીફ અબજોપતિઓએ પહેલીવાર હાથ મિલાવ્યા છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગૌતમ અદાણીના મધ્યપ્રદેશના પાવર પ્રોજેક્ટમાં 26 ટકા હિસ્સો ખરીદ્યો છે, અને પ્લાન્ટની 500 મેગાવોટ વીજળીના કેપ્ટિવ ઉપયોગ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

Ambani, Adani, Mukesh Ambani, Gautam Adani, Reliance, Adani Power, Power Project, Reliance Industries, RIL, Adani stocks, Money9 Gujarati

Money9 Gujarati:

Ambani-Adani collaboration: મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંને હરીફ બિઝનેસમેન છે અને તેમણે પહેલીવાર હાથ મિલાવ્યા છે. મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી, બંને ગુજરાતી બિઝનેસમેન છે અને ભારતનાં ટોચના અબજોપતિ પણ છે. બંને વચ્ચે પહેલીવાર ભાગીદારી થઈ છે. ઉલ્લેખનીય છે કે, જામનગરમાં તાજેતરમાં અનંત અંબાણીના પૂર્વ-લગ્ન સમારંભમાં ગૌતમ અદાણીએ પણ હાજરી આપી હતી.

રિલાયન્સ અને અદાણી પાવર વચ્ચે સોદો

મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગૌતમ અદાણીના મધ્યપ્રદેશના પાવર પ્રોજેક્ટમાં 26 ટકા હિસ્સો ખરીદ્યો છે અને પ્લાન્ટની 500 મેગાવોટ વીજળીનો કેપ્ટિવ ઉપયોગ કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. રિલાયન્સ દ્વારા અદાણી પાવર લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની Mahan Energen Ltdના 5 કરોડ ઇક્વિટી શેર ખરીદવામાં આવશે, જેની ફેસ વેલ્યુ રૂ. 10 (રૂ. 50 કરોડ) છે અને 500 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતાનો કેપ્ટિવ ઉપયોગ કરશે, એમ બંને કંપનીઓએ જણાવ્યું હતું. આ માહિતી બંને કંપનીએ શેરબજારોને અલગ-અલગ રીતે પાઠવેલા નિવેદનમાં આપી છે.

શાણા ગુજરાતી

બંને પાક્કા બિઝનેસ ખેલાડી છે અને મીડિયામાં તેમજ ટીકારારોમાં ઘણી વખત બંનેને એકબીજાની સામે લડાવવાના પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ આવું શક્ય થયું નથી. બંને શાણા છે અને સંપત્તિ સર્જન કરવામાં બંને એડી-ચોટીનું જોર લગાવી રહ્યાં છે.

અલગ-અલગ કારોબાર

મુકેશ અંબાણી મુખ્યત્વે ઓઈલ અને ગેસથી લઈને રિટેલ અને ટેલિકોમ સેક્ટરમાં બિઝનેસ કરે છે જ્યારે અદાણીનું સામ્રાજ્ય દરિયાઈ બંદરોથી લઈને એરપોર્ટ્સ, કોલસા અને ખાણકામ સુધીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી વિસ્તરેલું છે. એટલે કે, બંનેના કારોબાર તદ્દન અલગ-અલગ છે, પરંતુ ક્લીન એનર્જી બિઝનેસમાં બંનેએ ઝંપલાવ્યું છે અને આ સેક્ટરમાં બંનેએ અબજો રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત પણ કરી છે.

અંબાણી-અદાણીની ઈચ્છા

અદાણીની ઈચ્ચા 2030 સુધીમાં વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની બનવાની છે જ્યારે રિલાયન્સ ગુજરાતના જામનગર ખાતે ચાર ગીગા ફેક્ટરીઓનું નિર્માણ કરી રહી છે, જેમાં સોલાર પેનલ, બેટરી, ગ્રીન હાઈડ્રોજન અને ફ્યુઅલ સેલનો સમાવેશ થાય છે. અદાણી પણ સોલર મોડ્યુઅલ્સના મેન્યુફેક્ચરિંગ માટે 3 ગીગા ફેક્ટરીઓ સ્થાપી રહ્યાં છે.

અદાણી જૂથે જ્યારે 5G ડેટા અને વૉઇસ સેવાઓ માટે સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવા માટે અરજી કરી ત્યારે અંબાણી સામે ટક્કર લેવાની આગાહી કરવામાં આવી હતી. જો કે, અંબાણીથી વિપરીત, અદાણીએ 26 ગીગાહર્ટ્ઝ બેન્ડમાં 400 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ ખરીદ્યું હતું અને આ નેટવર્ક પબ્લિક નેટવર્ક ન હોવાથી બંને વચ્ચે સ્પર્ધાની વાતનો છેદ ઉડી ગયો હતો.

બંને હરીફો એકબીજાના ધંધાથી દૂર જ રહ્યાં છે. 2022માં, અંબાણી સાથે અગાઉની લિંક ધરાવતી એક પેઢીએ ન્યૂઝ બ્રોડકાસ્ટર NDTVમાં તેનો હિસ્સો અદાણીને વેચી દીધો, જેનાથી ટેકઓવરનો માર્ગ મોકળો થયો.

અદાણી પાવરે શું કહ્યું?

અદાણી પાવરે જણાવ્યું છે કે, “મહાન એનર્જન લિમિટેડ (MEL)નો સંપૂર્ણ હિસ્સો અદાણી પાવર લિમિટેડ (APL) પાસે છે. મહાન એનર્જને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) સાથે 500 મેગાવોટ માટે 20-વર્ષના લાંબા ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર ઇલેક્ટ્રિસિટી નિયમો, 2005 હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવેલી નીતિ પ્રમાણે થયા છે. MELના મહાન થર્મલ પાવર પ્લાન્ટના 600 મેગાવોટ ક્ષમતા ધરાવતા એક યુનિટને આ કરારના હેતુ માટે કેપ્ટિવ યુનિટ તરીકે ફાળવવામાં આવશે. મહાન થર્મલ પ્લાન્ટની કુલ ક્ષમતા 2,800 મેગાવોટ છે.”

“APL, MEL અને RILએ 27 માર્ચ 2024ની સાંજે 7 વાગ્યે રોકાણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રાન્ઝેક્શન બંધ કરવું એ જરૂરી મંજૂરીઓની રસીદ સહિત રૂઢિગત બંધ શરતોને આધીન છે,” એમ અદાણી પાવરે જણાવ્યું હતું.

 

 

 

Published: March 28, 2024, 19:57 IST