ડિજિટલ રૂપિયાએ પહેલાં જ દિવસે તોડ્યો રેકોર્ડઃ ટૂંક સમયમાં રિટેલ સર્વિસ શરૂ થશે

ડિજિટલ રૂપિયાથી શું ફરક પડશે? IT રિટર્ન ભરવાનું કેવી રીતે સરળ બનશે? કઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ આવી? IPO માર્કેટનાં શું છે હાલ?

  • Team Money9
  • Last Updated : November 2, 2022, 21:54 IST
How Many Indians use UPI

How Many Indians use UPI

How Many Indians use UPI

MONEY9: અહીં રજૂ કરેલાં કમાણી, બચત અને ખર્ચ અંગેના સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે.

ડિજિટલ કરન્સીની રિટેલ સર્વિસ
બિટકોઈન જેવી ખાનગી ક્રિપ્ટોકરન્સી સામે ભારત સરકારની સત્તાવાર ડિજિટલ કરન્સી બજારમાં આવી ગઈ છે. રિઝર્વ બેન્કે 1 નવેમ્બરે ડિજિટલ કરન્સી લોન્ચ કરી છે, જેને સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી એટલે કે, CBDC તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે તેનો ઉપયોગ માત્ર હોલસેલમાં થાય છે, જેના માટે 9 બેન્કોને સામેલ કરવામાં આવી છે. આ કરન્સીનો ઉપયોગ કરીને બેન્કોએ સેકન્ડરી માર્કેટમાં ગવર્મેન્ટ સિક્યોરિટીઝની લેવડદેવડ કરી છે. બેન્કોએ ડિજિટલ રૂપિયાનો ઉપયોગ કરીને મંગળવારે કરેલા 48 સોદાનું મૂલ્ય 275 કરોડ રૂપિયા નોંધાયું હતું. અત્યારે તો, પાયલોટ પ્રોજેક્ટ તરીકે તેનો ઉપયોગ હોલસેલ ટ્રાન્ઝેક્શનમાં થઈ રહ્યો છે, પરંતુ ટૂંક સમયમાં રિટેલ માર્કેટમાં પણ ડિજિટલ રૂપિયાનો ઉપયોગ થવા લાગશે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે બુધવારે જણાવ્યું છે કે, નવેમ્બરના અંત સુધીમાં ડિજિટલ રૂપિયાની રિટેલ સર્વિસ લોન્ચ કરવામાં આવશે. તેમણે આ ઘટનાને ભારતનાં ચલણના ઈતિહાસની એક સિદ્ધિ ગણાવી છે. રિઝર્વ બેન્કના ગવર્નરનું માનવું છે કે, ડિજિટલ રૂપિયાને કારણે લોકો જે રીતે બિઝનેસમાં કરન્સીનો ઉપયોગ કરે છે, તેમાં વ્યાપક પરિવર્તન આવશે.

ITR ફાઈલ કરવાનું સરળ
ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાનું હવે સરળ થઈ જશે. આઈટી રિટર્ન ભરતી વખતે કયું ફૉર્મ ભરવું, તેને લઈને કરદાતા હંમેશા મૂંઝવણનો સામનો કરે છે, પરંતુ હવેથી આ મૂંઝવણ દૂર થઈ જશે, કારણ કે, ઈનકમ ટેક્સ વિભાગ એક કોમન ફૉર્મ લાગુ કરવાની દિશામાં સક્રિય થઈ ગયું છે. એટલે, હવે એક જ ફૉર્મ ભરીને તમે રિટર્ન ફાઈલ કરી શકશો… સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસ એટલે કે, CBDTએ રિટર્ન ભરવા માટેના વિવિધ ફૉર્મની સંખ્યા ઘટાડીને 1 કરવા માટેનો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે અને હિતધારકો પાસેથી સલાહસૂચન મંગાવ્યા છે. અત્યારે આઈટી રિટર્ન ભરવા માટે આવકના આધારે 7 અલગ-અલગ ફૉર્મ ભરવા પડે છે. જો કોમન આઈટીઆર ફૉ઼ર્મ આવી જશે તો આટલા બધા ફૉર્મ ભરવાની જંજટ દૂર થશે. નવું ફૉર્મ આવી જશે એટલે, મોટા ભાગના કરદાતાએ આઈટીઆર ફાઈલ કરતી વખતે માત્ર આ ફૉર્મ ભરવાનું રહેશે અને સમય પણ ઘટી જશે. ઘણી વખત કરદાતા ખોટું ફૉર્મ સિલેક્ટ કરવાની ભૂલ કરતા હતા, પરંતુ હવે એક જ ફૉર્મ હશે, તો આવી ભૂલ થવાનો અવકાશ નહીં રહે.

ઘટતો રૂપિયો મોંઘવારી ભડકાવશે
રૂપિયાનું મૂલ્ય સતત ઘટવાને કારણે મોંઘવારીને મોકળું મેદાન મળશે, એમ ઉદ્યોગજગતનાં નિષ્ણાતો જણાવી રહ્યાં છે. ખાસ તો, FMCGના ભાવ ઘટવાની શક્યતા પર પાણી ફરી વળશે, કારણ કે, છેલ્લાં બે મહિનામાં રૂપિયાના મૂલ્યમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે, જેથી કંપનીઓની રો-મટીરિયલની કૉસ્ટ વધી રહી છે. આ કૉસ્ટ વધવાની ચિંતા દેશની સૌથી મોટી કન્ઝ્યુમર કંપની હિન્દુસ્તાન યુનિલીવરે પણ વ્યક્ત કરી છે. ટાટા કન્ઝ્યુમર, મેરિકો, ડાબર સહિતની FMCG કંપનીઓ પણ કાચા માલના વધતા ખર્ચને કારણે તેમના માર્જિન પર દબાણનો સામનો કરી રહી છે, એટલે કંપનીઓ ભાવ ઘટાડવાની જગ્યાએ ભાવ વધારવા અંગે વિચારવા લાગી છે. નિષ્ણાતો જણાવે છે કે, છેલ્લાં એકાદ મહિનાથી પામઓઈલના ભાવ ઘટ્યા છે, પરંતુ રૂપિયાએ બાજી બગાડી છે, કારણ કે, તેના કારણે કંપનીઓનો આયાત ખર્ચ વધ્યો છે. કંપનીઓ માટે કાચા માલની મોંઘવારીનો દર અગાઉ 20 ટકાની અંદર હતો, જે હવે 22 ટકાની ઉપર પહોંચી ગયો છે. માર્ચ-2021માં રૂપિયાનું સરેરાશ લેવલ 74 હતું, જે માર્ચ 2023માં 79ની ઉપર જવાની શક્યતા છે, એટલે FMCG આઈટમના ભાવ ઘટવાની શક્યતા ઓછી છે.

ફ્યુઝન માઈક્રોના IPOને મોળો પ્રતિસાદ
બુધવારે DCX સિસ્ટમ્સના IPOમાં સબ્સક્રિપ્શનના છેલ્લા દિવસે પણ રોકાણકારોએ પડાપડી કરી હતી. બજાર બંધ થયું ત્યાં સુધીમાં તેનો IPO 68 ગણો સબ્સક્રાઈબ થઈ ગયો હતો. જોકે, બુધવારે ખુલેલા ફ્યુઝન માઈક્રોફાયનાન્સના IPOને રોકાણકારોએ મોળો પ્રતિસાદ આપ્યો હતો. તેમાં સબ્સક્રિપ્શનની છેલ્લી તારીખ 4 નવેમ્બર છે. કંપનીએ 350-368 રૂપિયાનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે, જે મુજબ 40 શેરનો એક લોટ રહેશે. અપર પ્રાઈસ બેન્ડ પ્રમાણે, રિટેલ રોકાણકારે 14,720 રૂપિયાનું રોકાણ કરવું પડશે. પ્રથમ દિવસે ફ્યુઝન માઈક્રોફાયનાન્સના IPOમાં માત્ર 4 ટકા બિડ મળી હતી.કેટેગરી પ્રમાણે વાત કરીએ તો, રિટેલ ક્વોટા માત્ર 6 ટકા જ્યારે નોન-ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ કેટેગરી 4 ટકા ભરાઈ હતી. ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ બાયર્સનો ક્વોટા તો માંડ-માંડ 1 ટકા ભરાયો હતો. રોકાણકારોમાં આ માઈક્રો લેન્ડરનું આકર્ષણ નથી, પરંતુ અનલિસ્ટેડ માર્કેટમાં સારું પ્રીમિયમ બોલાઈ રહ્યું છે. ફ્યુઝન માઈક્રોફાયનાન્સનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 35 રૂપિયા છે.

JM MFએ લૉન્ચ કર્યું મિડકેપ ફંડ
JM ફાયનાન્સિયલ મ્યુચ્યુઅલ ફંડે JM મિડકેપ ફંડ લૉન્ચ કર્યું છે. આ એક ઓપન-એન્ડેડ ઈક્વિટી સ્કીમ છે, જે મિડકેપ સ્ટોક્સમાં રોકાણ કરશે. JM મ્યુચ્યુઅલ ફંડના આ NFOમાં સબ્સક્રિપ્શનની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે. તમે મિનિમમ 5,000 રૂપિયા રોકી શકો છો. આ સ્કીમનું રિસ્કોમીટર વેરી હાઈ છે, એટલે કે,તેમાં જોખમનું સ્તર ઘણું વધારે છે, આથી આ ફંડમાં રોકાણ કરતાં પહેલાં તમારે જોખમ ખેડવાની ક્ષમતા ચકાસી લેવી જોઈએ અને તમારા આર્થિક સલાહકાર સાથે ચર્ચા-વિચારણા કરવી જોઈએ.

એરટેલની 5G સર્વિસ મોંઘી થશે
જો તમે તમારા સ્માર્ટફોન પર એરટેલની 5G સર્વિસનો ઉપયોગ કરતાં હશો તો તમારે આવતા 6થી 9 મહિનામાં વધુ ટેરિફ ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. ભારતી એરટેલ અત્યારે 4G ટેરિફ પ્લાન પર 5G સર્વિસ ઑફર કરી રહી છે અને કંપનીના MD અને CEO ગોપાલ વિટ્ટલે જણાવ્યું છે કે, થોડાક દિવસોમાં 5G ટેરિફ પ્લાન્સ જાહેર કરવામાં આવશે. એટલે 4G ટેરિફ પર તમે અત્યારે એરટેલની 5G સર્વિસનો આનંદ માણતા હશો, તો હવે તમારે આ સુપરફાસ્ટ સર્વિસનો લાભ લેવા માટે નવા ટેરિફ ચૂકવવા પડશે.

ICICI બેન્ક, ઈન્ડિયન બેન્કે રેટ વધાર્યાં
ICICI બેન્ક અને ઈન્ડિયન બેન્ક પાસેથી પર્સનલ લોન, હોમ લોન કે ઓટો લોન લીધી હશે તો તમારા હપ્તા વધી જશે. ICICI બેન્ક અને ઈન્ડિયન બેન્કે માર્જિનલ કૉસ્ટ ઑફ લેન્ડિંગ રેટ એટલે કે, MCLRમાં વધારો કર્યો હોવાથી તેમની લોન મોંઘી થઈ ગઈ છે. ICICI બેન્કે તેનો વન-યર MCLR વધારીને 8.30 ટકા કર્યો છે જ્યારે ઈન્ડિયન બેન્કે તેનો વન-યર MCLR 8.10 ટકા કર્યો છે. બેન્કો વન-યર MCLRના આધારે જ મોટા ભાગની કન્ઝ્યુમર લોનના ઈન્ટરેસ્ટ રેટ નક્કી કરે છે, એટલે આ રેટ વધવાથી બંને બેન્કની રિટેલ લોન મોંઘી થઈ જશે.

મુંબઈમાં સૌથી વધુ નોકરીઓ મળશે
જો તમે અમદાવાદ, પૂણે, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ, દિલ્હી જેવા શહેરોમાં રહેતા હશો, તો ત્યાં રોજગારીની સૌથી વધુ તક ઊભી થવાની છે. ટીમલીઝ સર્વિસિસના અહેવાલ મુજબ, દેશના 14 શહેરોની લગભગ 57 ટકા કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ઉત્પાદન ક્ષેત્રે નવી પ્રતિભાઓને નોકરી પર રાખવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. બીજી અને ત્રીજી શ્રેણીના શહેરોની કંપનીઓની તુલનાએ મેટ્રો અને પ્રથમ શ્રેણીનાં શહેરોની કંપનીઓએ ડિસેમ્બર ક્વાર્ટરમાં કર્મચારીઓની વધુ ભરતી કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. ટીમલીઝના જણાવ્યા અનુસાર, બેંગલુરુમાં ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ ઈન્ડસ્ટ્રીમાં રોજગારીની તક વઘશે જ્યારે મુંબઈમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અને ચેન્નાઈમાં એગ્રીકલ્ચર અને એગ્રોકેમિકલ્સ સેક્ટર્સમાં ડિસેમ્બર ક્વાર્ટરમાં કર્મચારીઓની સંખ્યા વધવાની શક્યતા છે.

કોટક મહિન્દ્રા બેન્કે વધાર્યાં FDના વ્યાજ દર
ખાનગી સેક્ટરની અગ્રણી ધિરાણકર્તા કોટક મહિન્દ્રા બેન્કે 2 કરોડ રૂપિયાથી ઓછી રકમની ફિક્સ્ડ ડિપોઝિટના ઈન્ટરેસ્ટ રેટમાં ફેરફાર કર્યાં છે. નવા રેટ 1 નવેમ્બરથી લાગુ થયા છે, જે મુજબ એક વર્ષની FD પર બેન્ક 6.10 ટકા વ્યાજ આપશે અને જો તમે સીનિયર સીટિઝન હશો તો, 6.60 ટકા વ્યાજ આપશે. જો તમે 23 મહિનાથી 3 વર્ષની મુદતની FD કરાવશો, તો બેન્ક તમને 6.30 ટકા ઈન્ટરેસ્ટ રેટ પ્રમાણે વ્યાજ ચૂકવશે અને સીનિયર સીટિઝનને 6.80 ટકા લેખે વ્યાજ ચૂકવશે.

Published: November 2, 2022, 20:28 IST