અમદાવાદમાં સોનું વિક્રમ Rs 71,000એ પહોંચ્યુંઃ જાણો સોનું વધવા પાછળ કોણ છે જવાબદાર?

2024ના પ્રથમ 3 મહિનામાં સોનાની કિંમત લગભગ 10 ટકા વધી છે. અમેરિકન ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા તેમજ સલામત એસેટ તરીકે સોનામાં રોકાણ વધવાથી ભાવમાં સતત તેજીની ચાલ જોવા મળી છે.

અમદાવાદમાં સોનું વિક્રમ Rs 71,000એ પહોંચ્યુંઃ જાણો સોનું વધવા પાછળ કોણ છે જવાબદાર?

Money9 Gujarati:

Gold Price: સોનાની કિંમત અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ઔંશ 2,289.36 ડૉલરની ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યો છે. ભારતમાં પણ સોનું 70,000 રૂપિયાએ પહોંચી ગયું છે. મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં 1,800 રૂપિયાનો વધારો થયો છે અને એપ્રિલ વાયદો 69,487 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ લેવલે બોલાયો છે.

શા માટે વધી રહ્યાં છે ભાવ?

અમેરિકામાં વ્યાજ દર ઘટવાની અપેક્ષા તેમજ સલામત જગ્યાએ રોકાણની માંગ વધવાની ધારણાને લીધે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. દુનિયાનીભરની સેન્ટ્રલ બેન્કો પણ સોનાની ધૂમ ખરીદી કરી રહી છે. ચીનમાં તો સોનાની માંગ પણ વધી છે, કારણ કે ત્યાંના રિયલ એસ્ટેટ માર્કેટમાં કડાકા બોલાયા હોવાથી સોનામાં રોકાણનું આકર્ષણ વધ્યું છે. ચીનમાં કન્ઝ્યુમર ડિમાન્ડ પણ જબરજસ્ત વધી છે, આ કારણસર સોનાના ભાવ સતત તેજીતરફી છે.

જોકે, ભારતમાં સોનું રેકોર્ડ લેવલે પહોંચ્યું હોવાથી સોનાના ઘરેણાંની માંગ પર અસર પડી છે. માર્ચ મહિનામાં સોનાની આયાત 80થી 90 ટકા ઘટવાનો અંદાજ છે.

અમદાવાદમાં વિક્રમ ભાવ

શેરબજાર ઓલટાઈમ હાઈ થવાની સાથે આજે સોના-ચાંદી બજારમાં ધૂમ તેજી જોવા મળી છે. અમદાવાદ ખાતે સોનાની કિંમત રેકોર્ડ 71,000 રૂપિયાની સર્વોચ્ચ ટોચે પહોંચી છે. 2024ની જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનું 8.97 ટકા વધ્યું છે. 1 જાન્યુઆરીએ સોનાનો ભાવ 63,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. ચાંદી 75,500 પ્રતિ કિલો થઈ છે, જે ગઈકાલ કરતાં 500 રૂપિયાનો ઘટાડો દર્શાવે છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે શું કહ્યું?

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ જોસેફ કેવાટોનીએ જણાવ્યું હતું કે, “મને લાગે છે કે સોનામાં ખરેખર રોમાંચક ક્ષણ છે. મને લાગે છે કે, ઘણા બજાર સટોડિયાઓને ફેડ દ્વારા રેટ કટનો વિશ્વાસ હોવાથી ભાવમાં ઉછાળો આવ્યો છે.” માર્કેટ એક્સપર્ટને લાગે છે કે, અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા જૂન મહિનામાં વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા છે.

અમેરિકી ફુગાવાના આંકડાઓએ રાહત આપતાં અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષા પ્રબળ થઈ છે. જેના પગલે કિંમતી ધાતુમાં ખરીદી વધી છે. બીજી બાજુ ચીનના રોકાણકારો પણ સ્ટોકમાર્કેટ, રિયલ્ટી સેક્ટર તેમજ ઈકોનોમીમાં મંદીના કારણે સોના-ચાંદી તરફ ડાયવર્ટ થયા છે. પરિણામે સોના-ચાંદીની કિંમત આગામી સમયમાં વધવાનો આશાવાદ છે.

“સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાની ખરીદીમાં વધારો, વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષાએ સોનાના ભાવમાં તેજી આવી છે. કોમેક્સ સોનું 2250$ ઉપર અને MCXમાં રૂ. 1100ના ગેપ-અપ સાથે રૂ. 68600થી વધ્યું છે. જો કે, આગળ જોતાં, કોમેક્સમાં 2200-2220$ અને એમસીએક્સમાં આશરે 67500ની આસપાસ નજીવો પ્રોફિટ બુકિંગ થઈ શકે છે, કારણ કે ટેકનિકલ દૃષ્ટિકોણથી કિંમતો થોડી વધુ પડતી ખરીદી હોવાનું જણાય છે. અઠવાડિયાના અંતમાં અમેરિકામાં ફોકસ નોનફાર્મ પેરોલ અને બેરોજગારીના ડેટા પર રહેશે.”

Published: April 1, 2024, 21:52 IST