Money9: રાહુલે નવી કાર લીધી છે. કારની સાથે અલગથી એક્સેસરીઝ લીધી અને થોડોક ખર્ચ અલગથી કર્યો. પરંતુ ઇન્સ્યોરન્સનો જ્યારે વારો આવ્યો તો વિચારમાં પડી ગયો કે એક વર્ષનો કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પ્લાન લેવો કે 3 વર્ષનો..બજારમાં આજકાલ એક વર્ષનો કે તેથી વધુનો એટલે કે મલ્ટી યર કાર ઇન્સ્યોરન્સ પ્લાન ઉપલબ્ધ છે. બન્ને ઇન્સ્યોરન્સ પ્લાનના પોતાના નફા નુકસાન છે. એટલે કાર ઇન્સ્યોરન્સ ખરીદતા પહેલા તે અંગે જાણવું જરૂરી છે. તો રાહુલની જેમ જો તમે પણ આવી કોઇ મુંઝવણમાં છો તો અમારો આ રિપોર્ટ તમારા માટે જ છે.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો
સુપ્રીમ કોર્ટે 2018માં બધી નવી મોટર ઇન્સ્યોરન્સ પોલિસી માટે 3 વર્ષનું થર્ડ પાર્ટી લાયબિલિટી કવર અનિવાર્ય કરી દીધું હતું. એક બાજુ જ્યાં થર્ડ પાર્ટી લાયબિલિટી કવર 3 વર્ષ માટે ઇશ્યૂ કરવું અનિવાર્ય છે તો બીજી બાજુ એક સાથે એક વર્ષનું કોમ્પ્રિહેન્સિવ કવર ખરીદી શકાય છે. થર્ડ પાર્ટી કવરનો અર્થ એ છે કે તેમાં ઇન્સ્યોરન્સ હોલ્ડરની કારથી જો કોઇ બીજી વ્યક્તિ એટલે કે થર્ડ પાર્ટીની પ્રોપર્ટીને ડેમેજ થાય કે તેને શારીરિક ઇજા થાય કે તેનું મૃત્યુ થઇ જાય તો તેને આપવામાં આવતું વળતર આમાં કવર થાય છે.
જ્યારે કોમ્પ્રિહેન્સિવ કવર હેઠળ રિપેર કે રિપ્લેસમેન્ટ પર થનારો ખર્ચ કવર થાય છે. તેમાં સામાન્ય રીતે થર્ડ પાર્ટી લાયબિલિટી, એક્સીડેન્ટ, આગ, કુદરતી આપત્તિ, ચોરી વગેરેથી થતું ડેમેજ કવર થાય છે. એક વર્ષના કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સની વાત કરીએ તો તેમાં ફાયદો એ છે કે અપફ્રન્ટ કોસ્ટ ઓછી હોય છે. એટલે કે એક વર્ષની ઇન્સ્યોરન્સ પોલિસી સીધી ખરીદવી સસ્તી પડે છે કારણ કે તમે માત્ર એક વર્ષ માટે જ પૈસા ચૂકવો છો. આનાથી ઉલટુ મલ્ટી યર પોલિસીમાં તમે બે કે ત્રણ વર્ષ માટે પૈસા ચૂકવો છો.
શું છે તફાવત
એક વર્ષની પોલિસીમાં સૌથી મોટો ફાયદો એ છે કે તે IDV એટલે કે Insured Declared Value (ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ) સાથે જોડાયેલી હોય છે. મલ્ટી-યર પોલિસી ખરીદવા પર ઇન્સ્યોરન્સ કંપની પોતાના સ્ટાન્ડર્ડ IDV કેલ્ક્યુલેશન્સના હિસાબે IDV લોક કરશે. જેનો અર્થ એ છે કે તમે તમારી IDV માત્ર એક જ વાર એટલે કે પોલિસીની શરૂઆતમાં જ સેટ કરી શકો છો. જ્યારે એક વર્ષની પોલિસીમાં દર વર્ષે પોતાની IDV સેટ કરી શકાય છે જેનાથી તમને એકસ્ટ્રા પેમેન્ટની સાથે તમારા વાહનની વેલ્યૂને મેક્સિમાઇઝ કરવાની સુવિધા મળશે.
એક વર્ષના ઇન્સ્યોરન્સમાં સૌથી મોટો ફાયદો એ હોય છે કે તમે દર વર્ષે ઇન્સ્યોરન્સ કંપની બદલી શકો છો. એટલે કોઇ ઇન્સ્યોરન્સ કંપનીની સેવાઓ સારી ના લાગે તો 3 વર્ષ સુધી તેને સહન કરવાના બદલે કોઇ નવી જગ્યાએથી ઇન્સ્યોરન્સ લઇ લો. બીજી તરફ 3 વર્ષના ઇન્સ્યોરન્સ પ્લાનમાં દર વર્ષે પોલિસી રીન્યૂ કરાવવાની ઝંઝટથી બચી શકો છો. એકસાથે ઇન્સ્યોરન્સ ખરીદીને 3 વર્ષ માટે નિરાંતનો શ્વાસ લઇ શકો છો. બીજો એક મોટો ફાયદો ઇન્સ્ટન્ટ નો ક્લેમ બોનસ એટલે કે NCBનો છે. પોલિસીની અવધિ દરમિયાન કોઇપણ સમયે જ્યારે તમે પોતાની કાર વેચો કે નવી કાર ખરીદો ત્યારે તમે તમારુ જમા કરેલું NCB નવી કારમાં ટ્રાન્સફર કરી શકો છો અને તેનાથી નવા પ્રીમિયમમાં છૂટ મેળવી શકો છો.
એડ-ઓન્સનો ફાયદો
એક બીજો ફાયદો સસ્તા એડ-ઓન્સનો હોય છે. જ્યારે તમે મલ્ટી યર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદો છો તો કંપની તમને ઘણાં એડ-ઓન્સ પર મોટી છૂટ આપી શકે છે. જેમ કે એન્જિન એન્ડ ટ્રાન્સમિશન પ્રોટેક્શન કવર, રોડસાઇડ આસિસ્ટન્ટ કવર અને ઝીરો ડેપ્રિસિએશન કવર.
કુલ મળીને જોઇએ તો બન્ને પ્લાન્સના પોતાના પ્લસ અને માઇનસ પોઇન્ટ છે. પોલિસી કઇ લેવી, એ નિર્ણય કરતી વખતે તમારે હંમેશા તમારી નાણાકીય સ્થિતિ અને તમારા માટે મહત્વપૂર્ણ શું છે તેને ધ્યાનમાં લેવું જોઇએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો