Money9: નિયમો અનુસાર વાહનો માટે થર્ડ પાર્ટી વીમા કવર જરૂરી છે. તેમ છતાં દેશમાં અડધાથી વધુ વાહનો વીમા કવર વગર દોડી રહ્યા છે. જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર અંદાજે 60 ટકા વાહનોનું વીમા કવર નથી. તેમાં અડધાથી વધુ ટુ વ્હીલર છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2015-16માં કુલ 19 કરોડ રજિસ્ટર્ડ વાહન હતા. તેમાંથી માત્ર 8.26 કરોડ માટે જ વીમા કવર ખરીદવામાં આવ્યું. વીમા નિયામક ઇરડાએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે આ આંકડો દેશમાં સારા વીમા કવરની કમીનો સ્પષ્ટ સંકેત આપે છે.
દેશમાં વીમાનો વ્યાપ વધશે
આ સમસ્યાને ધ્યાનમાં લેતા હવે ઇરડા દેશમાં વીમાનો વ્યાપ વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે. ગ્રાહકોને આકર્ષિત કરવા માટે વીમા કંપનીઓ માટે યૂઝ એન્ડ ફાઇલનો વિકલ્પ આપવામાં આવ્યો. જેનાથી કંપનીઓને નવી નવી પ્રોડક્ટ ડિઝાઇન કરવા અને ગ્રાહકોને આકર્ષિત કરવામાં મદદ મળી રહી છે. ઇરડાના આ પ્રયાસોનું જ પરિણામ છે કે મોટર ઇન્સ્યોરન્સમાં આજકાલ ઇએમઆઇ પ્રોટેક્ટર વીમો ખુબ લોકપ્રિય થઇ રહ્યો છે. આ વીમા હેઠળ થોડીક રકમ ખર્ચ કરીને મોટી રાહત મેળવી શકાય છે. જેના દ્વારા તમે નિરાંતનો શ્વાસ લઇ શકો છો.
જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ આરોગ્ય વીમાની જેમ જ મોટર ઇન્સ્યોરન્સ પૉલિસીમાં પણ અનેક પ્રકારના એડ ઓન આપી રહી છે. જો કે દરેક એડ ઓન ઉપયોગી નથી હોતા. પરંતુ ખરાબ સંજોગોમાં કેટલાક એડ ઓન ઘણાં જ મદદરુપ સાબિત થાય છે. આમાંથી જ એક રાઇડર છે EMI પ્રોટેક્ટર. એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સ, યૂનાઇટેડ ઇન્ડિયા, એચડીએફસી અર્ગો જેવી વીમા કંપનીઓ મોટર વીમાની મૂળ પોલિસીની સાથે EMI પ્રોટેક્ટર એડ ઓન આપી રહી છે. ગાડીની ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ એટલે કે આઇડીવીના માત્ર 0.25 ટકાના નજીવા પ્રીમિયમે આ કવર પ્રાપ્ત કરી શકાય છે.
EMI પ્રોટેક્ટર એડ ઑન કવર
જો તમે EMI પ્રોટેક્ટર એડ ઑન કવર લઇને રાખ્યું છે અને કોઇ અકસ્માતમાં ગાડી ડેમેજ થઇ જાય છે તો સ્વાભાવિક છે કે તેનું રિપેરિંગ થવામાં મહિનાઓ લાગી શકે છે. જો તમે આ ગાડી લોન લઇને EMIથી ખરીદી છે તો આ સ્થિતિમાં વીમા કંપની બેથી ત્રણ EMIની ચુકવણી કરશે. પરંતુ ધ્યાન રાખો, ગાડીના સંપૂર્ણ રીતે ડેમેજ અથવા ચોરી થવાની સ્થિતિમાં આ વીમાનો ક્લેમ નહીં મળે કારણ કે આવા સંજોગોમાં તમને આઇડીવીના હિસાબે વળતર મળશે. આ જ રીતે જો તમારી ગાડી ખોવાઇ જાય અને બે-ચાર મહિના બાદ મળે તો આ સ્થિતિમાં પણ વીમા કંપની બે કે ત્રણ EMIની ભરપાઇ કરશે.
ઇન્સ્યોરન્સ એક્સપર્ટ વિકાસ સિંઘલ કહે છે કે જે લોકો પોતાની ગાડી ટેક્સીમાં ચલાવે છે તો વાહન રિપેરિંગ માટે ગેરેજમાં મહિનાઓ લાગી જાય છે. આ સમયગાળા દરમિયાન કમાણી ન થવાથી તેમના માટે લોનની EMI ભરવાનું મુશ્કેલ થઇ જાય છે. આવા લોકો માટે EMI પ્રોટેક્ટર એડ ઓન કવર ઘણું મદદરૂપ સાબિત થાય છે. જે પ્રોફેશનલ લોકોને નિયમિત કમાણી નથી થતી તેમના માટે પણ આ વીમા કવર સારો વિકલ્પ છે. કુલ મળીને જોઇએ તો આ એક સારુ એડ ઓન વીમા કવર છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો