ક્રેડિટ રિસ્ક મ્યુચ્યુઅલ ફંડ કેવા પ્રકારના રોકાણકારો માટે યોગ્ય છે?

ક્રેડિટ રિસ્ક મ્યુચ્યુઅલ ફંડ ડેટ ફંડ હોય છે જે નીચા રેટિંગવાળા કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરે છે. આ કોર્પોરેટ બોન્ડ્સમાં સામાન્ય રીતે ઊંચું રિટર્ન આપવાની ક્ષમતા હોય છે. તેથી રોકાણમાં હાઇ રિસ્ક જોડાયેલું હોય છે.

ક્રેડિટ રિસ્ક મ્યુચ્યુઅલ ફંડ કેવા પ્રકારના રોકાણકારો માટે યોગ્ય છે?

Money9: તમે પણ મુકેશ જેવી સ્થિતિમાં ન ફસાઓ એટલા માટે, હંમેશા એવું કહેવામાં આવે છે કે રોકાણ કરતા પહેલા તમારે સ્કીમ અંગે સારી રીતે સમજી લેવું જોઈએ… અને કોઈની પણ સલાહ પર આંખ બંધ કરીને નિર્ણય ન લો. તો, ચાલો આજે અમે તમને એ મ્યુચ્યુઅલ ફંડ વિશે સમજાવીએ જેમાં મુકેશે રોકાણ કર્યું હતું એટલે કે ક્રેડિટ રિસ્ક મ્યુચ્યુઅલ ફંડ..શું હોય છે ક્રેડિટ રિસ્ક મ્યુચ્યુઅલ ફંડ્સ અને તે કેવા પ્રકારના રોકાણકારો માટે યોગ્ય છે..આવો જાણીએ..

ક્રેડિટ રિસ્ક મ્યુચ્યુઅલ ફંડ ડેટ ફંડ હોય છે જે નીચા રેટિંગવાળા કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરે છે. આ કોર્પોરેટ બોન્ડ્સમાં સામાન્ય રીતે ઊંચું રિટર્ન આપવાની ક્ષમતા હોય છે… કારણ કે તેઓ સ્કીમના ફંડને નબળા એટલે કે નીચા રેટિંગવાળી કંપનીઓને ઊંચા વ્યાજ દરે ધિરાણ આપે છે… તેથી રોકાણમાં હાઇ રિસ્ક જોડાયેલું હોય છે. આમાં સૌથી મોટું જોખમ ડિફોલ્ટનું છે. જ્યારે બોન્ડ જાહેર કરનારી કંપની વ્યાજ અથવા મુદ્દલ રકમ નહીં ચૂકવી શકે તો આનાથી પેમેન્ટનું સંકટ ઉભું થઇ શકે છે.

ક્રેડિટ રિસ્ક ફંડ્સનો પોર્ટફોલિયો નીચા રેટિંગવાળી સિક્યોરિટીઝ પર કેન્દ્રિત હોય છે. ઊંચા જોખમને કારણે, આ ફંડ્સમાં લિક્વિડિટી ઓછી હોય છે…તેથી, રોકાણને રિડીમ કરવામાં સમસ્યા આવી શકે છે. આવી સ્થિતિમાં રોકાણકાર મુશ્કેલીમાં મુકાઈ શકે છે. બોન્ડ ઇશ્યુ કરનાર કંપનીના ડિફોલ્ટ થવા, કંપનીના ડાઉનગ્રેડ થવા અથવા બંધ થવાના કિસ્સામાં, ફંડની નેટ એસેટ વેલ્યુ એટલે કે NAV પણ ઘટી જશે. આનાથી રોકાણકારોના રિટર્ન પર નેગેટિવ અસર પડી શકે છે.

ક્રેડિટ રિસ્ક ફંડ્સમાંથી થયેલી કમાણી પર ટેક્સ ડેટ મ્યુચ્યુઅલ ફંડની જેમ જ લાગે છે. 1 એપ્રિલ, 2023 થી ડેટ ફંડ પર ટેક્સ મોરચે ફેરફારો કરવામાં આવ્યા છે. ડેટ ફંડ પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન એટલે કે LTCG ઇન્ડેક્સેશનનો લાભ નાબૂદ કરી દેવામાં આવ્યો છે. અગાઉ, ડેટ ફંડને 3 વર્ષ એટલે કે 36 મહિના સુધી હોલ્ડ કર્યા બાદ રીડિમ કરવા પર ઇન્ડેક્સેશનનો લાભ મળતો હતો… પરંતુ 1 એપ્રિલ, 2023થી, ડેટ ફંડમાંથી થતી આવક શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન એટલે કે STCGની કેટેગરીમાં આવશે. પછી ભલે રોકાણનો સમયગાળો ગમે તેટલો કેમ ન હોય. આ રોકાણમાંથી થતી આવક રોકાણકારની વાર્ષિક આવકમાં ઉમેરવામાં આવશે, જેના પર ટેક્સ સ્લેબના આધારે ટેક્સ લાગશે. આ ફેરફાર બાદ છેલ્લા એક વર્ષથી ક્રેડિટ રિસ્ક મ્યુચ્યુઅલ ફંડમાંથી સતત આઉટફ્લો એટલે કે ઉપાડ થઈ રહ્યો છે. ફેબ્રુઆરી 2024માં આ કેટેગરીમાંથી 365.9 કરોડ રૂપિયાનો આઉટફ્લો થયો.

ડેટ મ્યુચ્યુઅલ ફંડનું રિટર્ન આરબીઆઈના પોલિસી રેટથી પ્રભાવિત થાય છે. સેન્ટ્રલ બેંક તરફથી વ્યાજ દરોમાં ફેરફાર ક્રેડિટ રિસ્ક ફંડ્સ જેવા ડેટ ફંડના રિટર્નને અસર કરે છે… કારણ કે તમારા પૈસા લોન આપવા માટે જ્યાં રોકાણ થશે, તે કંપનીઓને તે જ પ્રમાણમાં રિટર્ન આપવું પડે છે. જો વ્યાજ દર વધારે હોય તો રિટર્નની સાથે જોખમ પણ વધી જાય છે.

હવે વાત કરીએ રિટર્નની…Ace મ્યુચ્યુઅલ ફંડના 3 એપ્રિલ 2024ના આંકડા અનુસાર, DSP ક્રેડિટ રિસ્ક ફંડે છેલ્લા એક વર્ષમાં 15.5 ટકા, ત્રણ વર્ષમાં 9.45 ટકા અને પાંચ વર્ષમાં 7.14 ટકાનું રિટર્ન આપ્યું છે. આ સમયગાળા દરમિયાન, SBI ક્રેડિટ રિસ્ક ફંડનું રિટર્ન અનુક્રમે 8.68, 6.31 અને 6.59 ટકા રહ્યું છે. ઇન્વેસ્કો ઇન્ડિયા ક્રેડિટ રિસ્ક ફંડે 1, 3 અને 5 વર્ષમાં 8.12, 6.1 અને 5.37 ટકાનું રિટર્ન આપ્યું છે. આ સમયગાળા દરમિયાન, નિપ્પોન ઇન્ડિયા ક્રેડિટ રિસ્ક ફંડનું રિટર્ન અનુક્રમે 8.02, 8.45 અને 4.03 ટકા રહ્યું છે.

હવે આવી સ્થિતિમાં સવાલ એ થાય કે રોકાણકારોએ શું કરવું જોઈએ? ધ્યાનમાં રાખો કે ક્રેડિટ રિસ્ક ફંડ્સ અન્ય ડેટ ફંડ્સ કરતાં વધુ જોખમી હોય છે…કારણ કે આ ફંડ્સ તેમના પોર્ટફોલિયોનો મોટો હિસ્સો નીચા રેટિંગ ધરાવતી કંપનીઓમાં રોકાણ કરે છે. જો તમે હાઇ રિટર્નની સાથે થોડું જોખમ લેવા માંગતા હોવ તો ક્રેડિટ રિસ્ક ફંડમાં રોકાણ કરી શકો છો. મુકેશની જેમ, ડેટ ફંડ કરતાં 2 થી 3 ટકા વધુ રિટર્ન મેળવવા માટે ક્રેડિટ રિસ્ક ફંડમાં રોકાણ ન કરવું જોઈએ.

માર્કેટ એક્સપર્ટના મતે ક્રેડિટ રિસ્ક ફંડની તુલનામાં ડાયનેમિક બોન્ડ ફંડ વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. ડાયનેમિક બોન્ડ ફંડનું પ્રથમ લક્ષ્ય વધતા અને ઘટતા વ્યાજ દરો એટલે કે બન્ને પરિસ્થિતિમાં મહત્તમ રિટર્ન મેળવવાનું છે. ફંડ મેનેજરના પોર્ટફોલિયો સાથે સંબંધિત નિર્ણયો અને સંચાલન, વ્યાજ દરોમાં થતા ફેરફારો પર આધાર રાખે છે. ફંડ મેનેજર વ્યાજ દરોમાં થતી વધઘટના આધારે પોર્ટફોલિયોમાં ફેરફાર કરે છે.

ક્વોન્ટમ AMCના ફિક્સ્ડ ઈન્કમના સિનિયર ફંડ મેનેજર પંકજ પાઠક કહે છે કે જો ચીજો અપેક્ષા મુજબ ન થઈ રહી હોય, તો પરિવર્તનની ફ્લેક્સિબિલિટીની સાથે તકનો લાભ લેવા માટે ડાયનેમિક બોન્ડ ફંડ્સ સારો વિકલ્પ છે. જો કે, બજારના ઉતાર-ચડાવના જોખમને ટાળવા માટે, તેમાં 2-3 વર્ષના સમયગાળાના દ્રષ્ટિકોણથી રોકાણ કરવું જોઈએ. ટૂંકા ગાળા અને ઓછા જોખમ માટે લિક્વિડ ફંડમાં રોકાણ કરી શકો છો.

ક્રેડિટ રિસ્ક ફંડમાં લિક્વિડિટી સૌથી મોટો મુદ્દો છે કારણ કે દેશમાં હજુ સુધી નીચા રેટિંગવાળી ડેટ સિક્યોરિટીઝ માટે કોઈ સેકન્ડરી માર્કેટ નથી. આનાથી પોર્ટફોલિયોમાં ફેરફારો કરવા અને કેટલીકવાર તો રોકાણને રિડીમ કરવાનું પણ મુશ્કેલ બની જાય છે. બજારની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મુકેશે ડાયનેમિક બોન્ડ ફંડમાં શિફ્ટ થઇ જવું જોઈએ. આ વિશે વધુ માહિતી માટે, તમે કોઇ ફાઇનાન્સિયલ પ્લાનરની મદદ શકો છો.

Published: April 25, 2024, 18:20 IST