નાના રોકાણકારો દ્વારા વિવિધ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં થઈ રહેલાં જંગી રોકાણને કારણે આ સ્કીમ્સનું સંચાલન કરતાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસને પણ અઢળક કમાણી થવા લાગી છે. તેમના નફામાં અનેકગણો વધારો થઈ રહ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં જેમ રોકાણ વધે છે તેમ કંપનીઓને થતી ફીની આવક પણ વધે છે.
મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસ તમારી સ્કીમને મેનેજ કરવા માટે એક ચોક્કસ ચાર્જ તમારી પાસેથી વસૂલ કરે છે. તેમના સંચાલન ખર્ચમાં સેલ્સ અને માર્કેટિંગ, જાહેરાત અને એડમિનિસ્ટ્રેશન, ટ્રાન્ઝેક્શન કોસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફી, રજિસ્ટ્રાર ફી, કસ્ટોડિયન ફી, ઑડિટ ફી વગેરે સામેલ હોય છે. બજારની ભાષામાં આને ટોટલ એક્સપેન્સ રેશિયો કહેવામાં આવે છે. સેબી દ્ધારા 1 એપ્રિલ 2020થી આ ફી નક્કી કરવામાં આવી છે. ડેટ અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ પર આ ફી અલગ અલગ હોય છે.
મ્યુચ્યુઅલ ફંડ કંપની કોઇ સ્કીમમાં જે રકમનું સંચાલન કરે છે તેને એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) કહે છે. જેમ કે કોઇ મ્યુચ્યુઅલ ફંડમાં તમે રોકાણ કરી રહ્યાં છો અને તમારા જેવા હજારો લોકો પણ આ ફંડમાં રોકાણ કરી રહ્યાં છે. બધા રોકાણકારોનું કુલ રોકાણ અને તેની પર પ્રાપ્ત રિટર્ન બન્ને ભેગા કરીએ તો AUM મળી જાય છે. AUMને મેનેજ કરનારી કંપની AMC કહેવાય છે. AMC એટલે કે એસેટ મેનેજમેન્ટ કંપની.
મ્યુચ્યુઅલ ફંડમાં AUMનું મહત્વ હોય છે. AUM જેટલું મોટું હશે તેની પર રોકાણકારો પાસેથી લેવામાં આવતો ખર્ચ એટલો જ ઓછો હશે. આ જ કારણ છે કે બજાર વિશ્લેષક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તેની AUM જોવાની સલાહ આપે છે. જો કે મોટુ ફંડ સારુ રિટર્ન આપશે તેની કોઇ ગેરંટી નથી. ઘણીવાર નાના AUMવાળા ફંડ પર સારુ રિટર્ન આપે છે.
ફી કેટલી હશે તેનો આધાર તમારા ફંડની સાઈઝ પર રહેલો છે. ફંડનું ASSET UNDER MANAGEMENT એટલે કે AUM જેટલું વધારે હશે ફી તેટલી ઓછી હશે. AUM એટલે મ્યુચ્યુઅલ ફંડ તે સ્કીમમાં કુલ કેટલું રોકાણ મેનેજ કરી રહી છે. આ ફી તમારુ ફંડ મ્યુચ્યુઅલ ફંડ પુલમાં નાંખતા પહેલા જ કાપી લેવામાં છે. જો તમે 1 લાખ રુપિયા કોઇ મ્યુચ્યુઅલ ફંડમાં રોકો છો અને તેની પર 1.5 ટકા એક્સપેન્સ રેશિયો છે. તો હકીકતમાં તમારા 99,995.89 રુપિયા જ રોકાણ માટે જશે. એક્સપેન્સ રેશિયોથી દરરોજના લગભગ 4 રુપિયાથી વધુ કપાઇ જશે.
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારે એક્સપેન્સ રેશિયો અંગે તપાસ જરુર કરી લેવી જોઇએ. ફંડ પસંદ કરવાના અન્ય માપદંડોમાં આ બાબતને પણ ધ્યાનમાં લો, કારણ કે, તમારા રોકાણ પર મળતાં વળતરનો આધાર એક્સપેન્સ રેશિયો પર રહેલો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો