Money9: પોતાનું ઘર બનાવવાનું સપનું જોઇ રહેલા લોકો માટે રાહતના સમાચાર છે. કેટલાક મહિના પહેલાં આકાશને આંબી રહેલા સીમેન્ટ અને સળિયા જેવા બિલ્ડિંગ મટિરિયલના ભાવ હવે નરમ પડ્યા છે. ઘરની મજબૂતી માટે સીમેન્ટ અને સળિયા ઘણાં જરૂરી છે અને હવે તેના ભાવ ઘટવાથી મકાન બનાવવામાં આવનારો ખર્ચ ઘટી ગયો છે. આવા સંજોગોમાં ડ્રીમ હોમ બનાવવાનું વિચારી રહેલા લોકો માટે શું આ યોગ્ય તક હોઇ શકે છે?
સ્ટીલના ભાવમાં ઘટાડો
હકીકતમાં સરકારે સ્ટીલ પર એક્સપોર્ટ ડ્યૂટી વધારી દીધી હતી. જેના કારણે સ્થાનિક બજારમાં સ્ટીલના ભાવ ઝડપથી ઘટ્યા છે. સળિયાની કિંમતમાં આવેલા ઘટાડાનું મુખ્ય કારણ આ પણ છે. માર્ચ-એપ્રિલ દરમિયાન સળિયાના ભાવ રેકોર્ડ ઉંચાઇએ પહોંચી ગયા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં તેમાં ફરી તેજી જોવા મળી રહી છે. પરંતુ તે હજુ પણ માર્ચ-એપ્રિલની તુલનામાં ઠીકઠાક સસ્તા મળી રહ્યાં છે. સીમેન્ટની વાત કરીએ તો અહીં પણ 40 થી 50 રૂપિયા સુધીનો ઘટાડો છે.
સ્ટીલ મંત્રાલયના આંકડા અનુસાર, TMT સળિયાની છુટક કિંમત એપ્રિલની શરૂઆતમાં 75,000 રૂપિયા પ્રતિ ટનની આસપાસ હતી, જે 15 જૂને ઘટીને અંદાજે 65 હજાર રૂપિયા પ્રતિ ટન પર આવી ગઇ. રિયલ એસ્ટેટ ડેવલપર રમેશ શર્મા જણાવે છે કે ઘટાડાનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે એપ્રિલમાં એક સમયે સળિયાનો છુટક ભાવ 82,000 રૂપિયા પ્રતિ ટન પહોંચી ગયો હતો, જે હાલ ઘટીને 66 થી 68 હજાર રૂપિયા પ્રતિ ટન રહી ગયો છે. આ હિસાબે સળિયો 15,000 રૂપિયા ટન સસ્તો થયો છે.
સીમેન્ટની થેલી થઇ સસ્તી
ભૂ-રાજકીય તણાવ સહિત અન્ય કારણોસર કાચા માલની કિંમતોમાં ઘણી તેજી જોવા મળી હતી, જેની સીધી અસર સ્થાનિક સ્તરે સીમેન્ટની કિંમતો પર જોવા મળી. રમેશ શર્મા જણાવે છે કે એપ્રિલમાં એક સમયે સીમેન્ટની 50 કિલોની થેલીની કિંમત 450 રૂપિયા સુધી પહોંચી ગઇ હતી. જો કે હવે થોડીક રાહત છે. હવે તેનો ભાવ 400 રૂપિયાની આસપાસ છે. દિલ્હીના એક અધિકૃત સીમેન્ટ ટ્રેડરે જણાવ્યું કે અંબુજા સીમેન્ટ અને અલ્ટ્રાટ્રેક સીમેન્ટની કિંમત 385 રૂપિયા જ્યારે ACC સીમેન્ટ 370 રૂપિયા થેલી છે.
રિયલ એસ્ટેટ ડેવલપર અને ભારદ્વાજ સ્માર્ટ સિટીના ડાયરેક્ટર રમેશ જણાવે છે કે સળિયા અને સિમેન્ટના ભાવ એપ્રિલની તુલનાએ નીચે આવ્યા છે. સીમેન્ટની કિંમતો હજુ થોડીક નીચે આવી શકે છે. જો કે, ચોમાસું અને વરસાદના કારણે ઇંટ અને રેતીના સપ્લાયમાં કેટલીક મુશ્કેલી આવી રહી છે. જેનાથી તેની કિંમતો ઉપર ગઇ છે. આવામાં એક મહિના બાદ સપ્લાય વધતા ભાવ ઘટી શકે છે. તે સમયે ઘર બનાવવાનું યોગ્ય રહશે.
સીમેન્ટ અને સળિયા ઉપરાંત ઇંટ અને રેતીનું પણ ઘર બનાવવામાં મહત્વનો રોલ છે. શર્માનું કહેવું છે કે વરસાદના કારણે રેતી અને ઇંટ પણ મોંઘી છે. રેતી જે એપ્રિલ-મેમાં 26 થી 28 રૂપિયા ફૂટ હતી હવે 30 રૂપિયા પ્રતિ ફૂટની ઉપર વેચાઇ રહી છે. આ જ રીતે, લાલ પેટી ઇંટ જૂનમાં 4,200 થી 4,500 રૂપિયા ઉપર હતી જે હવે 5,500 રૂપિયા પ્રતિ હજાર પર પહોંચી ગઇ છે. લાલ પેટી ઇંટ મીડિયમ ક્વોલિટીની ઇંટ માનવામાં આવે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો