લક્ઝરી મકાનો, પ્રીમિયમ ઑફિસની માંગ વધીઃ મુખ્ય શહેરોમાં ઘરની કિંમત 13% અને વેચાણ 9% વધ્યું

Knight Frank Indiaના રિપોર્ટ અનુસાર, લક્ઝરી ઘરોની માંગ દર વર્ષે વધી રહી છે. 2024ના પ્રથમ 3 મહિનામાં 1 કરોડ અને તેનાથી વધુ કિંમતના મકાનોના વેચાણમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.

Property, Real Estate, Luxury Housing, Office Space, Office demand, Office Sell, Makan, Flat, Apartment, residential demand, housing, home loan, Ahmedabad, real estate news, real estate news in Gujarati, Money9 Gujarati

Money9 Gujarati:

ભારતનાં રિયલ એસ્ટેટ સેક્ટરનું ચિત્ર રજૂ કરતા આંકડા જાહેર થયા છે. ગ્લોબલ પ્રોપર્ટી એડવાઈઝર નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના તાજા આંકડા અનુસાર, જાન્યુઆરી-માર્ચ 2024 ક્વાર્ટરમાં લક્ઝરી મકાનોની કિંમતમાં વાર્ષિક ધોરણે 13 ટકા વધારો થવા છતાં તેમનું વેચાણ નોંધપાત્ર વધ્યું છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ તેના ‘ઈન્ડિયન રિયલ એસ્ટેટઃ ઓફિસ એન્ડ રેસિડેન્શિયલ રિપોર્ટ (જાન્યુઆરી-માર્ચ 2024)’માં જણાવ્યું છે કે લક્ઝરી ઘરોની માંગ દર વર્ષે વધી રહી છે. 2024ના પ્રથમ 3 મહિનામાં 1 કરોડ અને તેનાથી વધુ કિંમતના મકાનોના વેચાણમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.

લક્ઝરી મકાનોમાં 1 કરોડ રૂપિયા કે તેનાથી વધુ કિંમતના મકાનોનો સમાવેશ થાય છે. પ્રથમ ક્વાર્ટરમાં આવા મોંઘાદાટ 34,895 મકાન વેચાયા હતા અને કુલ વેચાણમાં તેમનો હિસ્સો ગયા વર્ષના 29 ટકાથી વધીને 40 ટકા થયો હતો.

લક્ઝરી પ્રોપર્ટીના જોરે સમગ્ર ઉદ્યોગનું વેચાણ વધ્યું

લક્ઝરી મકાનો અને કામ કરવા માટેના પ્રીમિયમ સ્થળની માંગ વધવાથી સમગ્ર રિયલ એસ્ટેટ ઉદ્યોગના વેચાણમાં વધારો થયો છે. ભારતનાં 8 મુખ્ય શહેરમાં માર્ચ-2024 ક્વાર્ટરમાં ઘરનું વેચાણ વાર્ષિક ધોરણે 9 ટકા વધ્યું છે જ્યારે ઑફિસની માંગ 43 ટકા વધી છે. 8 મુખ્ય શહેરોમાં માર્ચ ક્વાર્ટરમાં 86,345 ઘર વેચાયા હતા, જેની સંખ્યા માર્ચ-2023 ક્વાર્ટરમાં 79,126 ઘરની હતી. ઑફિસની માંગ પણ 1.13 લાખ ચોરસ ફૂટથી 43 ટકા વધીને 1.62 લાખ ચોરસ ફૂટ થઈ છે.

કેટલા વધ્યા ભાવ અને ભાડાં?

નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના અહેવાલ મુજબ, દિલ્હી-NCR, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ, પુણે અને અમદાવાદમાં રહેણાંક મિલકતના ભાવ જાન્યુઆરીથી માર્ચ વચ્ચે 2 ટકાથી 13 ટકા વધ્યા છે. આ સિવાય ઓફિસ સ્પેસના ભાડામાં પણ 1 ટકાથી 9 ટકાનો વધારો થયો છે.

તેજી જળવાઈ રહેશે

રિયલ એસ્ટેટ સેક્ટરે ઓફિસ અને રેસિડેન્શિયલ બંને ક્ષેત્રોમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને હાઉસિંગ સેગમેન્ટમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી છે. આ વધારો મુખ્યત્વે 1 કરોડ રૂપિયા અને તેનાથી વધુ કિંમતના ઘરોના વેચાણમાં સતત વધારો થવાને કારણે છે. મકાનોના વેચાણની સાથે-સાથે ઓફિસોની માંગમાં પણ આ ક્વાર્ટરનો સમાવેશ અત્યાર સુધીના સૌથી સફળ ક્વાર્ટરમાં થયો હતો, એમ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ રિપોર્ટમાં જણાવ્યું છે.

શા માટે વધી રહી છે માંગ?

લોકો હવે તેમના ઘર અને ભવિષ્યને લઈને પહેલા કરતા વધુ સભાન બન્યા છે. આવી સ્થિતિમાં મકાનોની માંગ ઝડપથી વધી છે. બીજી તરફ, કોરોના રોગચાળા પછી, ઘણી કંપનીઓ હવે જૂની ઓફિસોમાં પરત ફરી રહી છે, જેના કારણે ઓફિસોની માંગ વધી રહી છે. આવાસ અને ઓફિસોની માંગમાં આ વધારો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે, એમ નાઈટ ફ્રેન્કના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટની સ્થિતિઃ

અમદાવાદમાં 1 કરોડ અને તેનાથી વધુ કિંમતના 936 મકાનો વેચાયા હતા. 50 લાખથી 1 કરોડની વચ્ચેની કિંમત ધરાવતા 1,818 મકાન વેચાયા હતા જ્યારે 50 લાખથી ઓછી કિંમતના 1,919 મકાન વેચાયા હતા.

અમદાવાદમાં રહેણાંક મિલકતોનું વેચાણ 4,225 એકમોથી 11 ટકા વધીને 4,673 યુનિટ થયું છે, જ્યારે ઓફિસોની માંગ 40 લાખ ચોરસ ફૂટથી 18 ટકા વધીને 50 લાખ ચોરસ ફૂટ થઈ છે.

અમદાવાદમાં 2023ના માર્ચ ક્વાર્ટરમાં 30 લાક ચોરસ ફૂટ ઓફિસ સ્પેસનું કામકાજ પૂર્ણ થયું હતું, જે 119 ટકા વધીને માર્ચ 2024 ક્વાર્ટરમાં 50 લાખ ચોરસ ફૂટે પહોંચ્યું હતું.

અમદાવાદમાં એક ચોરસ ફૂટ જગ્યાનું એક મહિનાનું ભાડું 41.8 રૂપિયા છે, જે વાર્ષિક ધોરણે 1 ટકા વૃદ્ધિ દર્શાવે છે. અમદાવાદમાં મકાનોના ભાવમાં વાર્ષિક ધોરણે 2 ટકા જ્યારે ત્રિમાસિક ધોરણે 0 ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં એક ચોરસ ફૂટ જગ્યાનો ભાવ 3,030 રૂપિયા ચાલે છે.

મુંબઈની સ્થિતિ

રિપોર્ટ અનુસાર, આ વર્ષે જાન્યુઆરી-માર્ચ દરમિયાન મુંબઈમાં ઘરનું વેચાણ 17 ટકા વધીને 23,743 યુનિટ થયું છે, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 20,300 યુનિટ હતું. તે જ સમયે, ઓફિસોની માંગ 22 લાખ ચોરસ ફૂટથી 29 ટકા વધીને 28 લાખ ચોરસ ફૂટ થઈ છે.

દિલ્હીની સ્થિતિ

દિલ્હી-NCRમાં ઘરનું વેચાણ 15,392 યુનિટથી 1 ટકા વધીને 15,527 યુનિટ થયું છે, જ્યારે ઓફિસોની માંગ 26 લાખ ચોરસ ફૂટથી 19 ટકા વધીને 3.1 લાખ ચોરસ ફૂટ થઈ છે.

બેંગાલુરુને પાણીની કટોકટી નડી

બેંગાલુરુમાં ઘરનું વેચાણ 13,390 એકમોથી 2 ટકા ઘટીને 13,133 યુનિટ થયું હતું, જ્યારે ઓફિસોની માંગ 35 લાખ ચોરસ ફૂટ પર સ્થિર રહી હતી. બેંગાલુરુનું પ્રોપર્ટી માર્કેટ 2023માં જરબજસ્ત તેજીમાં રહ્યું હતું, પરંતુ 2024ના પ્રારંભથી અહીં પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે અને તેની અસર રિયલ એસ્ટેટ માર્કેટ પર પડી છે.

પૂણેની સ્થિતિ

પૂણેમાં ઘરનું વેચાણ 14 ટકા વધીને 10,368 એકમોથી વધીને 11,832 યુનિટ થયું છે, જ્યારે ઓફિસોની માંગ 8 લાખ ચોરસ ફૂટથી બમણાથી વધીને 19 લાખ ચોરસ ફૂટ થઈ છે.

હૈદરાબાદની સ્થિતિ

હૈદરાબાદમાં ઘરનું વેચાણ 15 ટકા વધીને 8,300 યુનિટથી વધીને 9,550 યુનિટ થયું છે. અહીં ઓફિસોની માંગ 8 લાખ ચોરસ ફૂટથી ત્રણ ગણી વધીને 30 લાખ ચોરસ ફૂટ થઈ છે.

ચેન્નાઈની સ્થિતિ

ચેન્નાઈમાં હાઉસિંગનું વેચાણ 3,650 એકમોથી 8 ટકા વધીને 3,950 યુનિટ થયું છે, જ્યારે ઓફિસોની માંગ 8 લાખ ચોરસ ફૂટથી 45 ટકા વધીને 12 લાખ ચોરસ ફૂટ થઈ છે.

કોલકાતાની સ્થિતિ

કોલકાતામાં ઘરનું વેચાણ 12 ટકા વધીને 3,937 યુનિટ થયું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 3,501 યુનિટ હતું. કોલકાતામાં ઓફિસોની માંગ ઘટીને 2 લાખ ચોરસ ફૂટ થઈ ગઈ છે.

Published: April 4, 2024, 19:57 IST