Money9: અમદાવાદ સ્થિતિ ગિફ્ટ સિટી ગ્લોબલ ફાઈનાન્સિયલ હબ તરીકે ઊભરી રહી છે, રિઅલ એસ્ટેટ સેક્ટરના મોટા માથાઓ હવે ગિફ્ટ સિટીમાં રોકાણ કરવા લાગ્યાં છે, ગિફ્ટ સિટીમાં સમગ્ર દેશના રોકાણકારોનું ધ્યાન ખેંચાયું છે ત્યારે અમદાવાદ સ્થિત શિલ્પ ગ્રૂપે હરાજીમાં સૌથી મોંઘા ડેવલપર રાઈટ્સ ખરીદ્યાં છે.
શિલ્પ ગ્રુપે ગિફ્ટ સિટીમાં રેકોર્ડ કર્યો
શિલ્પ ગ્રુપે ગિફ્ટ સિટીમાં સૌથી મોંઘા ડેવલપર રાઈટ્સ ખરીદીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. ગિફ્ટ સિટીમાં ત્રણ પ્રોજેક્ટની જાહેરાત કરી ચૂકેલા શિલ્પ ગ્રૂપે સેઝ વિસ્તારમાં 5 લાખ ચોરસ ફૂટ ડેવલપમેન્ટ રાઈટ્સ ખરીદ્યાં છે. કંપનીએ એક ચોરસ ફૂટ માટે 1821 રુપિયા ચૂકવ્યાં છે જે સૌથી મોંઘો સોદો છે. અત્યાર સુધી તો વિનસ ગ્રુપે 1,800 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટના હિસાબે ડેવલપમેન્ટ રાઈટ્સ મેળવ્યા હતા.
ગિફ્ટ સિટીએ 1 કરોડ ચોરસ ફૂટથી પણ વધારે જમીન ડેવલપર રાઈટ્સ વેચ્યાં
ગિફ્ટ સિટીએ રહેણાંક પ્રોજેક્ટ્સ માટે 1,000 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ અને વાણિજ્યિક પ્રોજેક્ટ્સ માટે 1,350 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટના દરે જમીન વેચી છે. જોકે ગત વર્ષમાં રહેણાંક અને વાણિજ્યિક બંને પ્રોજેક્ટની બેઝ પ્રાઇસ 1,600 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ નક્કી કરવામાં આવી હતી જે પછી હરાજી યોજાશે. કોરોના મહામારીની વચ્ચે પણ ગિફ્ટ સિટીએ 1 કરોડ ચોરસ ફૂટથી પણ વધારે જમીન ડેવલપર રાઈટ્સ વેચ્યાં હતા.
ગિફ્ટ સિટી કેટલા વિસ્તારમાં ઘેરાયેલી છે
886 એકર જમીન પર 62 મિલિયન ચોરસ ફૂટના બિલ્ટ અપ એરિયામાં ફેલાયેલી ગિફ્ટ સિટી વિવિધ પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે, જેમાં ઓફિસની જગ્યાઓ, રહેણાંક એપાર્ટમેન્ટ્સ, શાળાઓ, હોસ્પિટલો, હોટેલ્સ, ક્લબ અને રિટેલ અને મનોરંજક સુવિધાઓ સામેલ છે. આ વિકાસમાં મલ્ટિ-સર્વિસ સેઝ અને સ્થાનિક વિસ્તારનો સમાવેશ થાય છે.
શિલ્પ ગ્રુપના સ્થાપક યશ બ્રહ્મભટ્ટ શું બોલ્યાં
આ સોદાની પુષ્ટિ કરતાં શિલ્પ ગ્રુપના સ્થાપક યશ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે ગિફ્ટ વિશ્વમાં એક ફાઇનાન્સિયલ હબ તરીકે વિકસી રહ્યું હોવાથી અમે ગિફ્ટ સેઝમાં વધુ એક પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. અમારો નવો પ્રોજેક્ટ 400 કરોડના રોકાણ સાથે 5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો હશે જેમાં સેઝ વિસ્તારમાં 7.10 લાખ ચોરસ ફૂટનો રહેણાંક પ્રોજેક્ટ સામેલ છે, જેનું હાલ નિર્માણ ચાલી રહ્યું છે. આ ઉપરાંત 7.10 લાખ ચોરસ ફૂટનો કોમર્શિયલ પ્રોજેક્ટ મંજૂરીની રાહ જોઈ રહ્યો છે. અમે સેઝ વિસ્તારમાં અન્ય એક પ્રોજેક્ટ માટે 5 લાખ ચોરસ ફૂટના વિકાસ અધિકારો પણ હસ્તગત કર્યા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો