રહેવાની સુવિધા સાથે કરવી છે મોટી કમાણી, તો અહીં લગાવો પૈસા

દેશના મોટા શહેરોમાં એપાર્ટમેન્ટ કલ્ચર ઝડપથી વધી રહ્યું છે. તેમ છતાં ઘણાં લોકો પ્લૉટ લઇને ઘર બાંધવા કે પછી તૈયાર મકાન ખરીદવાનું પસંદ કરે છે.

  • Team Money9
  • Last Updated : August 13, 2022, 11:33 IST
રહેવાની સુવિધા સાથે કરવી છે મોટી કમાણી, તો અહીં લગાવો પૈસા

Money9: દેશના મોટા શહેરોમાં એપાર્ટમેન્ટ કલ્ચર ઝડપથી વધી રહ્યું છે. તેમ છતાં ઘણાં લોકો પ્લૉટ લઇને ઘર બાંધવા કે પછી તૈયાર મકાન ખરીદવાનું પસંદ કરે છે. જો તમે પણ આમ કરવાનું વિચારી રહ્યાં છો તો તમારે તમામ ચીજો જેવી કે કિંમત, લોકેશન, સુખ-સુવિધાઓ અને કમાણી પર ધ્યાન આપવું જોઇએ. આજે અમે તમને જણાવીશું કે ફ્લેટ કે તૈયાર બંગલો એટલે કે ટેનામેન્ટમાંથી શું ખરીદવું વધારે ફાયદાકારક રહેશે.

ટેનામેન્ટ કરતાં ફ્લેટ સસ્તો પડે

પ્લૉટ પર મકાન બનાવવાની સરખામણીમાં ફ્લેટ હંમેશા સસ્તો પડે છે. સામાન્ય રીતે શહેરોમાં પ્રોપર્ટીની કિંમતો ઘણી વધારે છે. ત્યારે સારા વિસ્તારમાં ઠીકઠાક કહી શકાય તેવું ઘર એકથી દોઢ કરોડ રૂપિયામાં પડશે. આ જ કારણથી મેટ્રો અને ટિયર-2 શહેરમાં લોકો ફ્લેટ ખરીદવાનું પસંદ કરે છે. કારણ કે આ તેમના બજેટમાં આવે છે.

ફ્લેટ કે ટેનામેન્ટ ખરીદતી વખતે જે સુવિધા તમારે જોઇતી હોય તેની પર ધ્યાન આપો. ફ્લેટમાં સિક્યોરિટી, પાર્કિંગ, પાવર બેકઅપ, ફાયર સેફ્ટી, સ્વીમિંગ પૂલ જેવી ઘણી આધુનિક સુવિધાઓ મળે છે. જ્યારે ટેનામેન્ટમાં તેની વ્યવસ્થા તમારે જાતે કરવી પડે છે. ઘણાં એવા પ્રોજેક્ટ હોય છે જેમાં ફ્લેટ અને પ્લોટ એમ બન્ને મળે છે. અહીં પ્લોટ લઇને તમે આ સુવિધાઓનો ઉપયોગ કરી શકો છો.

ટેનામેન્ટ કે ફ્લેટ ખરીદવો

ટેનામેન્ટ ખરીદવાનો એક ફાયદો એ છે કે તમે તમારી મરજીથી અંદરના કે બહારના ભાગને ડિઝાઇન કરાવી શકો છો. જ્યારે ફ્લેટમાં આ શક્ય નથી. સામાન્ય રીતે ફ્લેટમાં બહારના કંસ્ટ્રક્શનમાં ફેરફારની મંજૂરી નથી હોતી જ્યારે ઇન્ટીરિયરમાં ફેરફાર માટે પરમિશનની જરૂર પડે છે. ટેનામેન્ટની સરખામણીમાં ફ્લેટ ખરીદવા માટે હોમ લોન સરળતાથી મળે છે. ઘણી બેંક હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે પ્રી-એપ્રૂવ્ડ લોન આપે છે. ટેનામેન્ટ માટે લોન લેવાની પ્રક્રિયા થોડીક જટીલ છે. પ્રોપર્ટીના દસ્તાવેજોની બારીકાઇથી તપાસ અને લોન લેનારાની ક્રેડિટ હિસ્ટ્રી ચકાસવામાં આવે છે. બેંક પ્લોટની વેલ્યૂના 70 ટકા જ લોન આપે છે. જ્યારે ફ્લેટના કિસ્સામાં બેંક 90 ટકા સુધી ફાઇનાન્સ કરતી હોય છે.

મેન્ટેનન્સ કોસ્ટના મોરચે ટેનામેન્ટમાં થોડીક રાહત મળે છે. ફ્લેટમાં સિક્યોરિટી, લિફ્ટ અને સાફસફાઇ જેવી ચીજો માટે તમારે દર મહિને મેન્ટેનન્સ ચાર્જ આપવો પડે છે. જ્યારે ટેનામેન્ટનું મેન્ટેનન્સ પોતાની રીતે કરાવી શકાય છે. આ ફ્લેટના મુકાબલે થોડુંક ઓછું જ આવે છે.

રિટર્ન શેમાં વધારે?

રિટર્નના હિસાબે ટેનામેન્ટ ખરીદવું ફાયદાનો સોદો સાબિત થઇ શકે છે. ટેનામેન્ટ જેમ જેમ જુનું થતું જાય તેમ તેમ તેના કન્સ્ટ્રક્શનમાં આવેલી કોસ્ટની વેલ્યૂ તો ઘટતી જાય છે પરંતુ પ્રોપર્ટીની વેલ્યૂ વધે છે. જ્યારે ફ્લેટના મામલે જો લોકેશન સારું હોય તો વેલ્યૂ વધે છે નહીંતર એક ચોક્કસ સમય પછી કિંમત સ્થિર થઇ જાય છે. ટેનામેન્ટનો એક ફાયદો એ પણ છે કે તેની પર ઘણાં ફ્લોર બનાવીને તેને ભાડેથી આપી શકાય છે.

બીજી સંપત્તિઓની સરખામણીમાં પ્રોપર્ટી વેચવામાં વધારે સમય લાગે છે. જ્યાં સુધી વાત ટેનામેન્ટ અને ફ્લેટની છે તો વધારે કિંમત હોવાના કારણે ટેનામેન્ટને વેચવામાં વધારે સમય લાગી શકે છે. સસ્તા હોવાના કારણે શહેરોમા ફ્લેટની ડિમાંડ વધારે છે. ત્યારે ટેનામેન્ટ કરતાં ફ્લેટને વેચવો થોડો સહેલો છે. જો કે, નાના શહેરોમાં જ્યાં લોકો ટેનામેન્ટ વધારે પસંદ કરે છે ત્યાં ફ્લેટ વેચવાનું થોડુંક મુશ્કેલ થઇ જાય છે.

મેપલ ગ્રુપ ઑફ કંપનીના ડાયરેક્ટર ક્રુણાલ દાયમા કહે છે કે ફ્લેટ અને ટેનામેન્ટ બન્નેના પોતાના ફાયદા છે. જો તમે એવી જગ્યાએ રહો છો જ્યાં જમીન સસ્તી છે જેમ કે ટિયર-3 શહેરો કે ગામોની આસપાસ… તો ટેનામેન્ટ ખરીદી શકો છો. જ્યારે મેટ્રો, ટિયર-1 કે ટિયર-2 સિટીમાં ફ્લેટ લેવો જોઇએ કારણ કે તે સસ્તો પડશે.

Published: August 13, 2022, 11:30 IST