Cottonની કિંમતો ઘટવા છતાં કેમ નથી ઘટી રહી કાપડની કિંમતો

માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ ભલે ઘટવાનો શરૂ થઇ ગયો હોય...પરંતુ કાપડના ભાવ ઘટવાના બદલે વધી રહ્યા છે.

  • Team Money9
  • Last Updated : August 13, 2022, 11:06 IST
Cottonની કિંમતો ઘટવા છતાં કેમ નથી ઘટી રહી કાપડની કિંમતો

Money9: માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ ભલે ઘટવાનો શરૂ થઇ ગયો હોય…પરંતુ કાપડના ભાવ ઘટવાના બદલે વધી રહ્યા છે. મે મહિનામાં કાપડની રિટેલ મોંઘવારી 8.53 ટકા હતી. જે જૂનમાં વધીને 9.19 ટકા થઇ. કપાસના ઓછા ઉત્પાદનના કારણે પુરવઠાની અછત છે..અને આ જ અછત કાપડની મોંઘવારી બનીને બહાર આવી છે.

ઉત્પાદન ઘટવાનું અનુમાન

આ વર્ષે દેશમાં 315 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થવાનું અનુમાન છે. જે ગત વર્ષ કરતાં 38 લાખ ગાંસડી ઓછું છે. બીજી તરફ વપરાશ પર નજર કરીએ તો ઇન્ડસ્ટ્રીએ 315 લાખ ગાંસડીનું અનુમાન લગાવ્યું છે. એટલે જેટલું ઉત્પાદન, એટલો વપરાશ…ઉપરથી ચાલુ વર્ષે જેટલું કપાસનું ઉત્પાદન થયું છે તેમાંથી 38 લાખ ગાંસડીની નિકાસ પણ થઇ ગઇ છે. એટલે ઉત્પાદનમાં જેટલો ઘટાડો થયો એટલો કપાસ તો દેશની બહાર જઇ ચૂક્યો છે. આ જ કારણ છે કે દેશમાં કપાસની અછત થઇ ગઇ છે.

નવા પાકથી આશા

કાપડ ઉદ્યોગને હવે નવા પાકથી આશાઓ છે. પરંતુ નવો પાક પણ સપ્ટેમ્બર પછી જ માર્કેટ યાર્ડમાં આવશે. અને ત્યાં સુધી કપાસનો વધેલો જુનો સ્ટોક પણ ઘટી જશે. ગત વર્ષે ઑક્ટોબરમાં જ્યારે કપાસનો નવો પાક એપીએમસીમાં આવવાનો શરૂ થયો ત્યાં સુધી કપાસનો જુનો સ્ટોક અંદાજે 72 લાખ ગાંસડી હતો. અને ચાલુ વર્ષે જુનો સ્ટૉક ઘટીને 47 લાખ ગાંસડી રહેવાનું અનુમાન છે.

જો કે આ વર્ષે કપાસની ખેતી ગત વર્ષ કરતાં આગળ ચાલી રહી છે. 29 જુલાઇ સુધી દેશભરમાં 117 લાખ હેક્ટરથી વધુ જમીનમાં કપાસનું વાવેતર થયું છે. જ્યારે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 111 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું. કપાસનું વાવેતર વધવાથી આ વર્ષે ઉત્પાદન વધવાની આશા છે. પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે હવામાન સાથ આપશે. આશંકા એવી પણ છે કે ઘણાં રાજ્યોમાં ખરાબ હવામાનના કારણે પાક પર અસર પડી છે.

ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા અને રાજસ્થાન જેવા કપાસના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં આ વર્ષે સામાન્યથી વધુ વરસાદ થયો છે. તેલંગાણામાં તો બમણો વરસાદ થઇ ચૂક્યો છે. જો હવામાનની પરિસ્થિતિમાં સમયસર સુધારો નહીં થાય તો કપાસના પાકને નુકસાન થઈ શકે છે અને સ્થાનિક જરૂરિયાતને પહોંચી વળવા કપાસની આયાત વધારવી પડશે.

Published: August 13, 2022, 10:51 IST