શું FY25માં શેર બજારનું પ્રદર્શન FY24 જેવું જ રહેશે?

જો તમે બજારની નાણાકીય વર્ષ 2023-24ની રેલીને ચૂકી ગયા છો અને હવે તમે નાણાકીય વર્ષ 25 ના આઉટલૂક અને આ નાણાકીય વર્ષ માટે બજારમાં રોકાણની સ્ટ્રેટેજી વિશે જાણવા માગો છો, તો અમે તમારી આ મૂંઝવણને આ વીડિઓના માધ્યમથી દૂર કરીશું

શું FY25માં શેર બજારનું પ્રદર્શન FY24 જેવું જ રહેશે?

Money9: સંજયની જેમ, જો તમે પણ બજારની નાણાકીય વર્ષ 2023-24ની રેલીને ચૂકી ગયા છો અને હવે તમે નાણાકીય વર્ષ 25 ના આઉટલૂક અને રોકાણની સ્ટ્રેટેજી વિશે જાણવા માગો છો, તો અમે તમારી આ મૂંઝવણને દૂર કરીશું..પરંતુ સૌપ્રથમ વાત કરીએ FY24 માં બજારના પ્રદર્શનની..જેથી તમને માર્કેટની સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી મળી શકે.

ગત નાણાકીય વર્ષ એટલે કે FY24 ભારતીય બજારો માટે ખૂબ જ સારું રહ્યું… FY24 માં, નિફ્ટી-50 ઇન્ડેક્સે 28 ટકાથી વધુનું રિટર્ન આપ્યું અને આ રીતે તે દુનિયાના ટોપ પર્ફોર્મિંગ બજારોમાંનું એક રહ્યું… રિટર્નની દ્રષ્ટિએ, જાપાનના બજાર નિક્કેઇને બાદ કરીએ તો નિફ્ટીએ દુનિયાના તમામ મુખ્ય સૂચકાંકોને પાછળ છોડી દીધા છે.

રિટર્નની દ્રષ્ટિએ વિશ્વના શ્રેષ્ઠ બજારોમાંના એક હોવા ઉપરાંત, FY24માં નિફ્ટીએ છેલ્લા 10 વર્ષમાં બીજા ક્રમનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે… FY21માં લગભગ 71 ટકાના રિટર્ન બાદ નિફ્ટીનું એક દાયકામાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે.

જો કે, એ મહત્વની વાત એ છે કે નિફ્ટીની તુલનામાં, મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સનું રિટર્ન વધુ જબરદસ્ત રહ્યું છે…એટલે કે, દિગ્ગજોની સરખામણીએ નાના-મધ્યમ શેરોના ઇન્ડેક્સનું પ્રદર્શન વધારે સારું રહ્યું છે.. .FY24 દરમિયાન પાવર, રેલવે, સરકારી અને કેપિટલ ગુડ્સ જેવી થીમ્સ ઘણી એક્ટિવ હતી જેમાં લોકોએ ઘણા પૈસા બનાવ્યા..આ થીમ્સ ઘણા વર્ષોથી ફ્લેવરમાં ન્હોતી.

નાણાકીય વર્ષ 24 માં સારું પ્રદર્શન કરનારા સેક્ટર્સની યાદીમાં રિયલ્ટી ઇન્ડેક્સનું નામ સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે… જો કે ગયા નાણાકીય વર્ષમાં દરેક ઇન્ડેક્સે પોઝિટિવ રિટર્ન આપ્યું પરંતુ બીએસઇના રિયલ એસ્ટેટ ઇન્ડેક્સમાં 2 ગણાથી વધુનો ઉછાળો જોવા મળ્યો.

હવે આ સારા પ્રદર્શન પાછળનું કારણ પણ સમજી લઇએ… બજારના સારા દેખાવ પાછળનું કારણ છે ત્રણેય કેટેગરીઝમાંથી એકસાથે આવતું રોકાણ… આ ત્રણેય કેટેગરીઝમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અને સૌથી અગત્યનું રિટેલ રોકાણકારો સામેલ છે. FY24માં, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય બજારોમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું જે છેલ્લા બે વર્ષમાં એટલે કે FY22 અને FY23માં થયેલી પોણા બે લાખ કરોડની વેચવાલી કરતા પણ વધુ છે.

ઊંચા વેલ્યૂએશન અને વધતા વ્યાજદરોને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા દેશમાંથી તેમનું રોકાણ પાછું ખેંચી લેવું પડ્યું હતું…પરંતુ હવે સમગ્ર વિશ્વમાં ફુગાવામાં ઘટાડા પછી સ્થિરતા પાછી આવી રહી છે, જેનાથી ફરી વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા વધી રહી છે. તો સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો છેલ્લાં 3 નાણાકીય વર્ષથી સતત 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરી રહ્યાં છે… મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે વધતી જાગૃતિ અને બજારના સારા પ્રદર્શનથી સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP દ્વારા આવી રહેલા રોકાણમાં સતત વધારો થઇ રહ્યો છે.

દેશમાં મ્યુચ્યુઅલ ફંડના સંગઠન AMFIના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2024 સુધી, લગભગ 8 કરોડ SIP એકાઉન્ટ્સ એક્ટિવ હતા… ફેબ્રુઆરી મહિનામાં, SIP દ્વારા રોકાણનો આંકડો પ્રથમ વખત 19,000 કરોડ રૂપિયાને પાર નીકળી ગયો… આનાથી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓની રોકડ વધી રહી છે અને તેમની પાસે આ પૈસાનું બજારમાં રોકાણ કરવા સિવાયના ખૂબ જ મર્યાદિત વિકલ્પો છે… કોવિડ પછી બજારમાં સતત સારા પ્રદર્શનથી રિટેલ રોકાણકારોનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ બંને વધ્યા છે…NSEના ડેટા દર્શાવે છે કે 2019 થી 2023 દરમિયાન 5 વર્ષમાં 12 કરોડથી વધુ નવા રોકાણકારોનું રજિસ્ટ્રેશન થયું છે અને આ સમયગાળા દરમિયાન નિફ્ટીએ 104 ટકાનું રિટર્ન આપ્યું છે… જાન્યુઆરી 2024માં જ 54 લાખથી વધુ નવા રોકાણકારો નોંધાયા છે… ડેટા અનુસાર, રિટેલ રોકાણકારો પાસે કુલ 30 લાખ કરોડ રૂપિયાના શેર છે, જે બજારમાં લિસ્ટેડ કંપનીઓની કુલ વેલ્યૂના 7.7 ટકા હિસ્સો છે.

હવે પ્રશ્ન એ છે કે FY25 માટે આઉટલૂક કેવો છે? અને શું FY25માં બજારનું પ્રદર્શન FY24 જેવું જ રહેશે? FY25 ના આઉટલૂક વિશે જાણતા પહેલા,આવો સૌથી પહેલા એ જાણીએ કે વર્તમાન નાણાકીય વર્ષ માટે સૌથી મોટા ટ્રિગર્સ કયા-કયા છે… ટૂંકા ગાળામાં ભારતીય બજારો માટે સૌથી મહત્વપૂર્ણ ટ્રિગર 4 જૂને આવનારા સામાન્ય ચૂંટણીના પરિણામો છે. જેમાં બજાર બીજેપીના ફરી સત્તામાં આવવાની આશા લઇને બેઠું છે. આનાથી એનડીએ સરકારના નીતિગત નિર્ણયો અને જીડીપી ગ્રોથ બંને ચાલુ રહેવાની અપેક્ષા છે.

આ ઉપરાંત, યુએસ ફેડ સહિત વિશ્વની અન્ય કેન્દ્રીય બેંકો દ્વારા દરમાં ઘટાડો એ સ્થાનિકની સાથે સાથે વૈશ્વિક બજારો માટે એક મોટું ટ્રિગર છે…આનાથી વિદેશી સંસ્થાગત રોકાણકારોનો ભારત જેવા વિકસતા દેશો તરફ વિશ્વાસ અને રોકાણ એમ બન્ને વધવાનો અંદાજ છે…જો કે, આમાં કંપનીઓના ત્રિમાસિક પરિણામોમાં સુધારો એટલે કે કોર્પોરેટ જગતનો ગ્રોથ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે…કારણ કે છેવટે તો કંપનીઓના ત્રિમાસિક પરિણામોમાં સુધારા પર જ શેરોની તેજી અને વેલ્યૂએશન આધાર રાખે છે. …આ બધાની વચ્ચે માત્ર એક પડકાર છે અને તે છે રાજકીય અનિશ્ચિતતા…હાલમાં વિશ્વમાં બે મોટા યુદ્ધો ચાલી રહ્યા છે…એક રશિયા-યુક્રેન વચ્ચે અને બીજું હમાસ-ઈઝરાયેલ વચ્ચે.. જો આ બેમાંથી કોઈ એક યુદ્ધ લંબાશે તો તેની આગળની જ્વાળાઓ વિશ્વના ઘણા અનેક દેશોને આર્થિક અને માનસિક રીતે દઝાડી શકે છે.

મોટાભાગના બ્રોકર્સ હજુ પણ ભારતીય બજારોને લઇને બુલિશ છે અને 2024 ના અંત સુધીમાં નિફ્ટી માટે 23,000 થી લઇને 30,000 સુધીના લક્ષ્યાંકો આપી રહ્યા છે, જે 22,400 ના હાલના સ્તરથી લગભગ 3 થી 33 ટકા વધારે છે.

તો સંજયની જેમ, તમે પણ સમજી ગયા હશો કે FY25 એટલે કે વર્તમાન નાણાકીય વર્ષ માટેનું આઉટલુક કેવું છે અને ક્યાં રોકાણ કરીને પૈસા કમાઈ શકાય છે.. તેથી, રોકાણ સલાહકારની સલાહ લઇને ચાલુ નાણાકીય વર્ષ અને લાંબાગાળા માટે બજારમાં સ્ટ્રેટેજી તૈયાર કરો. જો સીધા શેરમાં રોકાણ કરવામાં જોખમ લાગે તો રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડનો માર્ગ પણ પસંદ કરી શકાય છે… ઉપરાંત, પોર્ટફોલિયોને ડાયવર્સિફાઇ કરવા માટે એટલે કે જોખમ ઘટાડવા માટે,અલગ-અલગ એસેટમાં રોકાણ કરવું જોઈએ.

Published: April 16, 2024, 19:09 IST