Money9: કોવિડનો સમય 2 વર્ષ ચાલ્યો તો આ મુશ્કેલીમાં IT કંપનીઓ માટે જાણે કે નવી તકો પેદા થઇ ગઇ. વર્ક ફ્રોમ હોમ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, ઇન્ટરનેટની જરૂરિયાતો, વર્ચ્યુઅલ મીટિંગ્સ જેવા સોલ્યુશન્સની માંગ પેદા થઇ. IT કંપનીઓના શેર પણ કૂદકેને ભૂસકે વધ્યા. વર્ષ-દોઢ વર્ષમાં જ લોકોના પૈસા બે થી ત્રણ ગણાં થઇ ગયા. પરંતુ આ તબક્કો પસાર થયો તો જાણે કે દુનિયાભરની મુશ્કેલીઓ IT સેક્ટરના માથે આવી પડી.
અમેરીકામાં મોંઘવારી વધવા, વ્યાજ દરોમાં વધારો થવાથી માહોલ બગડવાનો શરૂ થયો. ભારતમાં IT સ્ટાર્ટઅપ્સ લથડિયા ખાવા લાગ્યું. પછી રશિયા-યૂક્રેનનું યુદ્ધ થયું, યુએસ અને યુરોપમાં મંદીનો ભય સતાવવા લાગ્યો. તાજા હાલત એવી છે કે ભારતીય IT કંપનીઓ એક અનિશ્ચિતતાના માહોલમાં ઘેરાયેલી નજરે પડી રહી છે. હકીકતમાં, અમેરિકા અને યૂરોપ આ કંપનીઓનું મોટુ બજાર છે. એકલા અમેરિકામાંથી 80 ટકા બિઝનેસ તેમને મળે છે. બસ આ જ ચક્કર છે કે છેલ્લા 8 થી 9 મહિનામાં IT શેરોમાં વેચવાલી યથાવત છે.
IT શેરનું આકર્ષણ ઘટ્યું
વિદેશી રોકાણકારોની પસંદગીનું આ સેક્ટર હવે આકર્ષણ ગુમાવી રહ્યું છે. બ્રોકરેજ હાઉસ પણ IT ના ખરાબ દિવસોની વાતો કરી રહ્યાં છે. જેપી મોર્ગને IT સેક્ટરનું રેટિંગ ઘટાડીને અંડરવેઇટ કરી દીધું છે. બ્રોકરેજ હાઉસે તાજેતરમાં માર્જિન અને મીડિયમ ટર્મમાં રેવન્યૂ પર પ્રેશર રહેવાની આશંકા વ્યક્ત કરી છે. જેફરીઝે 6 IT શેરને ડાઉનગ્રેડ કરી દીધા છે. Tech Mahindra, HCL Technologies, Wipro, Coforge, L&T Infotech અને Mindtreeનો તેમાં સમાવેશ થાય છે.
શું હવે ITના દિવસો પૂરા?
અમેરિકામાં મંદી ઘેરી બનવાની આશંકાથી હવે એનાલિસ્ટ પોતે IT સેક્ટરને લઇને સચેત રહેવાની સલાહ આપી રહ્યાં છે. ઇન્વેસ્ટર્સે અહીં કેટલીક વાતો સમજવી પડશે. જેમ કે સ્કિલ્ડ વર્કફોર્સની કમીના કારણે આ સેક્ટરમાં એમ્પ્લોયી ઝડપથી નોકરીઓ બદલી રહ્યાં છે. માંગ અને ઓર્ડર ભલે હોય પરંતુ ટેલેન્ટની કમી છે. આને આ રીતે સમજો કે ઇન્ફોસિસ, માઇન્ડટ્રી જેવી કંપનીઓમાં ચોથા ક્વાર્ટરમાં ચોથા ભાગથી વધુ કર્મચારીઓએ નોકરી છોડી દીધી છે. હવે લોકો નોકરીઓ બદલી રહ્યાં છે તો પેકેજ પણ વધારે આપવા પડી રહ્યાં છે. જેનાથી IT કંપનીઓને કર્મચારીઓ પરનો ખર્ચ વધી રહ્યો છે. કોવિડનો સમય ગયો તો ઑફિસ સ્પેસ ફરીથી લેવી પડી રહી છે, ટ્રાવેલનો ખર્ચ પણ વધી રહ્યો છે.
ઉંચા વેલ્યૂએશન
આ બધા કારણોથી IT કંપનીઓના ઑપરેટિંગ માર્જિન પર પ્રેશર વધી રહ્યું છે. હાલત એવી છે કે કંપનીઓના આખા વર્ષના કારોબારી અને રેવન્યૂના ગાઇડન્સ બગડી શકે છે. હવે વાત કરીએ વેલ્યૂએશનની. માનવામાં એ પણ આવી રહ્યું છે કે IT સેક્ટરની કંપનીઓનું વેલ્યૂએશન વધારે છે. જેનાથી પ્રોફિટને લઇને સવાલ ઉભા થઇ શકે છે અને આ આખો માહોલ શેરમાં વધારે ઘટાડો લાવી શકે છે. HDFC સિક્યોરિટીઝે તો એમ કહી દીધું છે કે IT શેર હજુ 8 થી 10 ટકા વધુ નીચે જઇ શકે છે. એટલે કે IT શેર પર દાવ લગાવવાનું વિચારી રહેલા ઇન્વેસ્ટર્સના રસ્તામાં હજુ ઘણી અડચણો ઉભી છે. જ્યાં સુધી IT ઇન્ડસ્ટ્રી પોતાના કોડિંગમાં આવેલી આ ગરબડને દૂર નથી કરતી, ત્યાં સુધી રિટર્ન માટે ઇન્વેસ્ટર્સે પણ રાહ જોવી પડી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો