Money9: દેશની સૌથી મોટી એરલાઈન્સ કંપની ઈન્ડિગોના નામમાં એક મોટી ઉપલબ્ધિ જોડાઈ ગઈ છે. ઈન્ડિગો એરલાઈન્સની મૂળ કંપની ઈન્ટરગ્લોબ એવિએશન લિમિટેડનું માર્કેટ કેપિટલાઇઝેશન 28 જૂને રૂ. 1 લાખ કરોડને પાર કરી ગયું હતું. આ સિદ્ધિ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ઈન્ડિગો આ આંકડો પાર કરનારી દેશની પ્રથમ એરલાઈન્સ કંપની છે.
ભારતીય શેર બજારના સૂચકાંક બીએસઈના ડેટા અનુસાર ઈન્ડિગોનો શેર બુધવારે રૂ. 2619.85 પર બંધ થયો હતો. બુધવારે કંપનીના શેરમાં 3.55 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ સાથે કંપનીનું માર્કેટ કેપ વધીને રૂ. 1,01,007.56 કરોડ થઈ ગયું છે.
આ મહિને આપ્યો છે 500 એરક્રાફ્ટનો ઓર્ડર
દેશના ઉડ્ડયન બજારમાં લગભગ 61 ટકા હિસ્સો ધરાવતી ઇન્ડિગો એરલાઇન્સ ભવિષ્યમાં મોટા વિસ્તરણની તૈયારી કરી રહી છે. આ માટે કંપનીએ હાલમાં જ 500 એરબસ એ320 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો. આ સાથે ઈન્ડિગો એકસાથે આટલો મોટો ઓર્ડર આપનારી પ્રથમ ભારતીય એરલાઈન બની ગઈ છે. ઈન્ડિગો આ એરક્રાફ્ટ ખરીદવા માટે 50 બિલિયન ડોલર એટલે કે 4.09 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે. ઈન્ડિગો પહેલા એર ઈન્ડિયાએ 470 એરક્રાફ્ટનો ઓર્ડર આપીને માર્કેટમાં ખળભળાટ મચાવ્યો હતો. ઈન્ડિગોને આ એરક્રાફ્ટની ડિલિવરી 2030થી 2035ની વચ્ચે મળે તેવી અપેક્ષા છે.
ઈન્ડિગોની પાસે 61 ટકા હિસ્સેદારી
ભારતીય એવિએશન માર્કેટમાંથી જેટ એરવેઝની વિદાય બાદ આખા માર્કેટ પર ઈન્ડિગોનો કબજો થઇ ગયો છે. વર્તમાન આંકડાઓ મુજબ, સ્થાનિક ઉડ્ડયન બજારમાં ઈન્ડિગોનો હિસ્સો 61 ટકા છે. હાલમાં ઈન્ડિગો 26 આંતરરાષ્ટ્રીય રૂટ પર વિશ્વના 75 દેશોમાં તેની સર્વિસ આપે છે. હાલમાં ઈન્ડિગો પાસે 300થી વધુ એરક્રાફ્ટ છે. ઇન્ડિગો એરલાઇન્સ દરરોજ 1800થી વધુ ઉડ્ડયનો દ્વારા દેશના 78 શહેરોને જોડે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો