Money9: જીવનમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો હોય તો જરૂર ફાયદો થાય છે. કંઇક આવું જ અદાણી ગ્રુપમાં રોકાણ કરનારા રાજીવ જૈને કરી બતાવ્યું છે. અમેરિકી શોર્ટ સેલર કંપની હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ એક તરફ જ્યાં સામાન્ય રોકાણકારોમાં શેર વેચવાની સ્પર્ધા જામી હતી તે જ સમયે 7 વર્ષ જુની ઇન્વેસ્ટિંગ ફર્મ GQG Partnersના કો-ફાઉન્ડર રાજીવ જૈને અદાણી ગ્રુપની કંપનીઓ પર મોટો દાવ લગાવ્યો હતો. તે સમયે ઘણાં લોકો તેમના નિર્ણય પર સવાલ ઉભા કરતા હતા. પરંતુ આજે તેમનો નિર્ણય સાચો સાબિત થયો છે. અને તેમણે મોટી કમાણી કરી છે. અદાણી ગ્રુપમાં તેમના રોકાણ પર ફક્ત 101 દિવસમાં અંદાજે 8500 કરોડ રૂપિયાનું રિટર્ન મળી ગયું છે.
15446 કરોડ રૂપિયાનું કર્યું હતં રોકાણ
રાજીવ જૈને અદાણી ગ્રુપની 4 કંપનીઓમાં 15446 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. રાજીવે 4 અદાણી શેરોમાં રોકાણ કર્યું હતું – અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશન. હવે આ શેરોમાં જબરદસ્ત તેજીના કારણે તેમના રોકાણની બજાર કિંમત લગભગ 24 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. તેમનો લાભ લગભગ 8500 કરોડ રૂપિયા છે. હિંડનબર્ગ રિસર્ચના અહેવાલ બાદ અદાણીના શેરમાં આ અઠવાડિયે આક્રમક તેજી જોવા મળી છે. જેના કારણે અદાણી ગ્રુપમાં રોકાણ કરનારા રોકાણકારોને ઘણો ફાયદો થયો છે.
આજે પણ ગ્રુપ કંપનીઓમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે
સુપ્રીમ કોર્ટની એક્સપર્ટ કમિટીના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેરમાં વધારો સોમવાર પછી મંગળવારના દિવસે પણ ચાલુ રહ્યો છે. આમાં અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં લગભગ 13 ટકાની મહત્તમ વૃદ્ધિ જોવા મળી રહી છે. ગઈકાલે પણ શેરમાં 19 ટકાનો ઉછાળો આવ્યો હતો. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટની કમિટીએ કહ્યું છે કે અદાણી ગ્રુપના શેરની કિંમતમાં હેરાફેરીના કોઈ પુરાવા મળ્યા નથી. આ સાથે, અદાણી જૂથની કંપનીઓમાં વિદેશી કંપનીઓ દ્વારા રોકાણમાં કથિત ઉલ્લંઘન અંગે સેબીની અલગ તપાસમાં ‘કંઈ મળ્યું નથી’. આ સિવાય અદાણી વિલ્મર, અંબુજા સિમેન્ટ, અદાણી પાવર પાંચ ટકા, અદાણી ટ્રાન્સમિશન પાંચ ટકા, અદાણી ગ્રીન એનર્જી પાંચ ટકા અને અદાણી ટોટલ ગેસમાં પાંચ ટકાની તેજી જોવા મળી રહી છે. ગઈકાલે પણ આ શેરોમાં અપર સર્કિટ લાગી હતી. તો NDTV અને ACCમાં પણ તેજી જોવા મળી રહી છે. આ તેજી સાથે અદાણી ગ્રૂપની 10 લિસ્ટેડ કંપનીઓનું સંયુક્ત માર્કેટ વેલ્યુએશન રૂ. 10,16,212.15 કરોડે પહોંચી ગયું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો