RIL Dividend, Q4 Results: રિલાયન્સનો નફો 1.8% ઘટીને Rs 18,951 કરોડ થયો, Rs 10 ડિવિડન્ડ આપશે

RIL Q4 earnings: એનાલિસ્ટ્સને અપેક્ષા હતી કે, મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માર્ચ-2024 ક્વાર્ટરમાં 5-10% ઘટાડો નોંધાવશે અને આવકમાં 2 અંકમાં વૃદ્ધિ કરશે, પરંતુ કંપનીએ નફામાં માત્ર 2% ઘટાડો નોંધ્યો છે.

RIL Q4 Results, Ambani, Reliance, RIL, Reliance Industries, Mukesh Ambani, Jio , Reliance Retail, Isha Ambani, Jio Platforms, Reliance Refinery, Money9 Gujarati

Money9 Gujarati:

RIL Q4 Results: દેશનાં નં.1 ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. (RIL)એ 22 એપ્રિલે માર્ચ-2024 ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા હતા. કંપનીએ જાન્યુઆરી-માર્ચ 2024 ત્રિમાસિક ગાળામાં 18,951 કરોડ રૂપિયાનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ જાહેર કર્યો છે, જે 2023ના સમાન ત્રિમાસિક ગાળાના 19,299 કરોડ રૂપિયાની તુલનાએ 1.8 ટકાનો ઘટાડો દર્શાવે છે. એનાલિસ્ટ્સને અપેક્ષા હતી કે, RILના નફામાં 5-10 ટકાનો ઘટાડો થશે, પરંતુ કંપનીએ 2 ટકાથી પણ ઓછો ઘટાડો નોંધાવ્યો છે.

અપેક્ષાથી સારા પરિણામ

RIL ભારતના શેરબજારની સૌથી મૂલ્યવાન કંપની છે. કંપનીએ જણાવ્યું છે કે, માર્ચ ક્વાર્ટરમાં તેની કોન્સોલિડેટેડ આવક 11.3 ટકા વધીને 2,40,715 કરોડ રૂપિયા થઈ હતી, જે માર્ચ-2023 ક્વાર્ટરમાં 2,16,265 કરોડ રૂપિયા હતી. એનાલિસ્ટ્સને આવકમાં બે અંકમાં વૃદ્ધિની અપેક્ષા હતી અને કંપની અપેક્ષામાં ખરી ઊતરી છે. માર્ચ-2023 ક્વાર્ટરની તુલનાએ માર્ચ-2024 ક્વાર્ટરમાં કંપનીની કોન્સોલિડેટેડ EBITDA 14.3 ટકા વધીને 47,150 કરોડ રૂપિયા થઈ છે.

વાર્ષિક આવક Rs 10 લાખ કરોડને પાર

નાણાકીય વર્ષ 2023-24માં RILની આવક 10,00,122 કરોડ રૂપિયા (9,74,864 કરોડ રૂપિયા) અને ચોખ્ખો નફો 79,020 કરોડ રૂપિયા (73,670 કરોડ રૂપિયા) થયો છે. નાણાકીય વર્ષમાં કંપનીની EBITDA 16.1 ટકા વધીને 1.79 લાખ કરોડ રૂપિયા થઈ છે.

Rs 10/Share Dividend

કંપનીએ નાણાકીય વર્ષ 2023-24 માટે શેરદીઠ 10 રૂપિયાનું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. પરિણામની જાહેરાત કરી તે અગાઉ શેરબજારમાં RILનો શેર 22 એપ્રિલે 0.65 ટકા વધીને 2,960.60 રૂપિયાના ભાવે બંધ રહ્યો હતો. 2024માં અત્યાર સુધીમાં તેનો શેર 14.32 ટકા વધ્યો છે.

ડિવિડન્ડ અંગે RILએ નિવેદનમાં જણાવ્યું છે કે, “31 માર્ચ, 2024ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે કંપની તેની વાર્ષિક સાધારણ બેઠક (AGM) કઈ તારીખે યોજશે તેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે અને તેની સાથે સાથે ડિવિડન્ડની રેકોર્ડ ડેટ પણ જાહેર થશે. જો શેરધારકોની મંજૂરી મળશે તો કંપની ડિવિડન્ડ ચૂકવશે.”

Rs 1 લાખ કરોડનો pre-tax profit કરનારી પ્રથમ ભારતીય કંપની

RILના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD), મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “RILના વ્યાપારમાં નવતર પહેલોએ ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોની વૃદ્ધિને વેગવાન બનાવવામાં અદ્દભુત યોગદાન આપ્યું છે. તમામ સેગમેન્ટે સર્વોત્તમ નાણાકીય તેમજ ઓપરેટિંગ પ્રદર્શન કર્યું છે. આનાથી કંપનીને અનેકવિધ સીમાચિહ્નો સર કરવામાં મદદ મળી છે. મને એ વાત જણાવતા ખૂબ આનંદ થાય છે કે, આ વર્ષે રિલાયન્સ કરવેરા-પૂર્વેના નફામાં (pre-tax profit) 1,00,000 કરોડ રૂપિયાના સ્તરને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની બની છે.”

રિટેલ બિઝનેસ

RILના રિટેલ બિઝનેસની EBITDA માર્ચ 2024 ક્વાર્ટરમાં 18.1 ટકા વધીને 5,632 કરોડ રૂપિયા થઈ હતી. રિટેલ બિઝનેસથી થતી આવક 10.6 ટકા વધીને 76,627 કરોડ રૂપિયા થઈ હતી કારણ કે, કંપનીએ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને ફેશન & લાઈફસ્ટાઈલ સેગમેન્ટમાં સારી વૃદ્ધિ કરી હતી. કંપનીનો રિટેલ કારોબાર સતત વિસ્તરી રહ્યો છે. કંપનીએ 1,840 નવા સ્ટોર શરૂ કર્યા હોવાથી તેની રિટેલ હાજરી વધીને 1.56 કરોડ ચોરસ ફૂટ થઈ છે. કંપનીના કુલ સ્ટોર્સની સંખ્યા 18,836 થઈ છે, જેના દ્વારા તે 7.91 કરોડ ચો.ફૂટ વિસ્તારમાં રિટેલ કારોબાર કરે છે.

Jio Platforms બિઝનેસ

સબ્સક્રાઈબર્સમાં મજબૂત વૃદ્ધિના જોરે માર્ચ 2024 ક્વાર્ટરમાં Jio પ્લેટફોર્મ્સનો નફો 5,583 કરોડ રૂપિયા હતો, જે 12 ટકાનો વધારો છે.
Average Revenue Per User (ARPU)ને ટેલિકોમ કંપનીઓના પ્રદર્શનને માપવા માટે એક મહત્વપૂર્ણ મેટ્રિક ગણવામાં આવે છે અને કંપનીની ARPU પણ એક વર્ષ અગાઉ કરતાં 1.6 ટકા વધીને પ્રતિ મહિને 181.7 રૂપિયા થઈ ગઈ છે. Jioએ Q4 FY24 દરમિયાન 1.09 કરોડ નેટ સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા હતા.

ડિજિટલ બિઝનેસ

અંબાણીએ જણાવ્યું છે કે, મોબિલિટી તેમજ ફિક્સ્ડ વાયરલેસ સર્વિસીઝ એમ બંનેના સહયોગથી સબસ્ક્રાઈબર બેઝના તેજ ગતિએ વિસ્તરણને પગલે ડિજિટલ સર્વિસીઝ સેગમેન્ટનું પ્રદર્શન વેગવાન બન્યું છે. 10.8 કરોડ ટ્રુ 5G ગ્રાહકો સાથે, જિયો ખરા અર્થમાં ભારતમાં 5G પરિવર્તનનું સુકાની બન્યું છે. તમામ 2G યુઝર્સને સ્માર્ટફોનમાં અપગ્રેડ કરવાથી માંડીને AI-ચલિત સોલ્યુશન્સ પેદા કરવાના પ્રયાસોમાં અગ્રેસર રહેવા સુધીના દરેક તબક્કે જિયોએ દેશના ડિજિટલ માળખાને મજબૂત બનાવવામાં પોતાની ક્ષમતા પૂરવાર કરી છે.

રિટેલ બિઝનેસ

મુકેશ અંબાણીએ નિવેદનમાં જણાવ્યું છે કે, રિલાયન્સ રિટેલે સ્ટોર્સના રિ-મોડલિંગ તેમજ લેઆઉટ્સને નવું સ્વરૂપ પ્રદાન કરીને પ્રોડક્ટ નવીનીકરણ તેમજ સર્વોત્તમ ઓફલાઈન અનુભૂતિ પ્રદાન કરવાનું અમે ચાલુ રાખ્યું છે. અમારા ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મ પણ વિશાળ બ્રાન્ડ કેટલોગ દ્વારા ઉપભોક્તાઓને નવા સોલ્યુશન્સ પૂરા પાડી રહ્યા છે. રિલાયન્સ રિટેલ પણ નવા કોમર્સ ક્ષેત્રમાં પોતાની અનોખી પહેલો દ્વારા કરોડો વેપારીઓને સશક્ત બનાવવા માટે કાર્યરત છે.

ઓઈલ-ટુ-કેમિકલ બિઝનેસ

માર્ચ ક્વાર્ટરમાં કંપનીના ઓઈલ-ટુ-કેમિકલવ બિઝનેસની EBITDA 3 ટકા વધીને 16,777 કરોડ રૂપિયા થઈ છે, જે અગાઉના વર્ષના માર્ચ ક્વાર્ટરમાં 16,293 કરોડ રૂપિયા હતી.

ઓઈલ & ગેસ બિઝનેસ

ઓઇલ અને ગેસ બિઝનેસે 5,606 કરોડ રૂપિયાની વિક્રમી ત્રિમાસિક EBITDA નોંધાવી છે, જે એક વર્ષ અગાઉ કરતાં 47.5 ટકાનો વધારો દર્શાવે છે. રિલાયન્સની ઓઈલ અને ગેસ કારોબારની આવક 42 ટકા વધીને 6,468 કરોડ રૂપિયા થઈ હતી જે મુખ્યત્વે ઊંચા જથ્થાને લીધે, આંશિક રીતે KG D6 ફિલ્ડમાંથી નીચા ભાવ વસૂલાત દ્વારા સરભર થઈ હતી.

KG D6 ગેસની સરેરાશ કિંમત 4Q FY24 માં $9.53/MMBTU હતી તેની સામે 4Q FY23 માં $11.39/MMBTU હતી. CBM ગેસની સરેરાશ કિંમત 4Q FY24 માં $14.34/MMBTU હતી અને 4Q FY23 માં $19.57/MMBTU હતી.

અંબાણીએ જણાવ્યું હતું કે, વિશ્વભરમાં ઈંધણની મજબૂત માગ, અને વૈશ્વિક રિફાઈનિંગ પ્રણાલિમાં મર્યાદિત લવચીકતાએ O2C સેગમેન્ટના માર્જિન અને નફાકારકતાને સહાયતા પૂરી પાડી છે. સમગ્ર વર્ષ દરમિયાન પાયાગત કેમિકલ ઉદ્યોગે અત્યંત પડકારજનક બજાર પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. આવી સામા વ્હેણની પરિસ્થિતિઓમાં પણ, અગ્રણી પ્રોડક્ટ પોઝિશન અને પડતર નિયંત્રણને પ્રાથમિકતા આપનારાં અમારા ઓપરેટિંગ મોડેલ દ્વારા ફીડબેક લવચીકતાને જાળવી રાખીને અમે સ્પર્ધાત્મક પરિણામો પૂરા પાડી શક્યા છીએ. KG-D6 બ્લોકે 30 MMSCMD ઉત્પાદનનો આંક હાંસલ કર્યો છે અને હવે તે ભારતના ઘરેલુ ગેસ ઉત્પાદનમાં 30% જેટલું યોગદાન આપી રહ્યો છે.
ન્યૂ એનર્જી સેગમેન્ટ સહિતના અમારા પ્રોજેક્ટ્સ અને નવતર પહેલો પ્રત્યે અમે કટિબદ્ધ છીએ, જેનાથી કંપનીને વેગ મળશે, તેમજ ભવિષ્ય માટે સાતત્યપૂર્ણ વૃદ્ધિ પૂરી પાડવામાં તેને મદદ પ્રાપ્ત થશે, એમ અંબાણીએ જણાવ્યું હતું.

Published: April 22, 2024, 22:19 IST