અદાણી ગ્રૂપના શેર્સમાં હેરાફેરી કરનારા ગ્લોબલ ફંડ્સને સેબીએ પૂછ્યા સવાલ

છેલ્લાં કેટલાક વર્ષોથી અદાણી ગ્રૂપની કંપનીઓના શેર્સમાં ભારે ચઢાવઉતાર જોવા મળ્યો છે અને શેરમાં અનેક ગણો વધારો થયો છે. આ ઉથલપાથલ પાછળ કોનો હાથ છે તેને લઈને આરોપો થઈ રહ્યાં છે.

અદાણી ગ્રૂપના શેર્સમાં હેરાફેરી કરનારા ગ્લોબલ ફંડ્સને સેબીએ પૂછ્યા સવાલ

Money9 Gujarati:

અદાણી ગ્રૂપની કંપનીઓમાં રોકાણ સંબંધિત એક મોટી ગેરરીતિ બહાર આવી છે. અદાણી ગ્રૂપની અલગ-અલગ કંપનીઓમાં રોકાણ કરનારા વિદેશી રોકાણકારોએ ઑફશોર ફંડ ડિસ્ક્લોઝર રૂલ્સ (violation of disclosure rules) અને ઈન્વેસ્ટમેન્ટ લિમિટ (breach of investment limits)નો ભંગ કર્યો હતો. આ ગડબડ ભારતનાં સિક્યોરિટીઝ માર્કેટ્સના નિયમનકાર સેબીએ પકડી છે. SEBIએ અદાણી ગ્રૂપના શેરોમાં રોકાણ કરનારા વૈશ્વિક ફંડ્સને અયોગ્ય જાહેરાતો અને બજારની હેરફેરના આરોપો સામે પોતાનો બચાવ કરવા જણાવ્યું છે.

વિદેશી રોકાણકારો પર આરોપ

આ બાબતથી પરિચિત લોકોએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરત સાથે જણાવ્યું છે કે, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના બે જૂથો સામે આ કાર્યવાહી કરી છે. પ્રથમ જૂથ પર આરોપ છે કે, શોર્ટ સેલર દ્વારા ટૂંક સમયમાં રિપોર્ટ પ્રકાશિત થવાના સમાચાર જાહેર થવાની જાણકારી મળ્યા બાદ, પ્રથમ જૂથે અબજોપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળની કંપનીઓમાં શોર્ટ પોઝિશન લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2023માં અમેરિકા સ્થિત શોર્ટ સેલર હિન્ડનબર્ગ રિસર્ચે અદાણી સામે ઉઠાવેલા આરોપો બાદ અદાણી ગ્રૂપનું બજારમૂલ્ય 100 અબજ ડૉલર ઘટી ગયું હતું.

અદાણી ગ્રૂપના સ્થાપકો સાથે જોડાણ

સેબીની કહેવાતી શો-કોઝ નોટિસ મેળવનાર બીજા જૂથમાં જે વિદેશી ફંડ્સ છે, તેમની સામે અદાણી ગ્રૂપના સ્થાપકો સાથે જોડાણ હોવાનો આરોપ છે. આ જૂથે જૂન 2021માં પણ અદાણીના શેરોમાં લગભગ તમામ ફંડનું રોકાણ કરવા બદલ સઘન તપાસનો સામનો કરવો પડ્યો હતો.

સેબી આ ફંડ્સ પાસેથી સમજૂતી માંગી રહી છે કારણ કે તે રોકાણની આસપાસના નિયમોના સંભવિત ઉલ્લંઘનની તપાસ કરે છે, એમ લોકોએ જણાવ્યું હતું. જૂથે વારંવાર આ ભંડોળની કોઈપણ લિંકને નકારી કાઢી છે.

સેબીની તપાસ

ઉલ્લેખનીય છે કે, 2023ના ઓગસ્ટમાં સેબીએ કહ્યું હતું કે લિસ્ટેડ એન્ટિટીઝ ડિસ્ક્લોઝર નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે અને ઓફશોર ફંડની હોલ્ડિંગ લિમિટનું ઉલ્લંઘન કરી રહી છે. જો કે, સેબી અને અદાણી જૂથે આ સંદર્ભે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. સેબી આ અનિયમિતતા સાથે અદાણીના સંબંધોની પણ તપાસ કરી રહ્યું છે. જોકે, અદાણીએ આ આરોપને પહેલા જ ફગાવી દીધો હતો.

એક ડઝન કંપનીઓને નોટિસ

સૂત્રોનું કહેવું છે કે, આ વર્ષની શરૂઆતમાં નિયમનકારે અદાણી ગ્રૂપમાં રોકાણ કરનારા એક ડઝન ઓફશોર રોકાણકારોને નિયમોના ઉલ્લંઘનના આરોપમાં નોટિસ મોકલી હતી. તેમને ડિસ્ક્લોઝર નિયમો અને રોકાણ મર્યાદાના ઉલ્લંઘન અંગે તેમની સ્થિતિ સ્પષ્ટ કરવા પણ કહેવામાં આવ્યું હતું. સૂત્રોનું કહેવું છે કે આ ઓફશોર ફંડ વ્યક્તિગત સ્તરે અદાણી જૂથની કંપનીઓમાં તેમના રોકાણની જાણ કરી રહ્યા હતા જ્યારે સેબી ઇચ્છે છે કે આને ઓફશોર ફંડ ગ્રૂપ લેવલ પર જાહેર કરવામાં આવે.

દંડ ભરીને છૂટકારો મેળવવા અપીલ

સૂત્રોએ જણાવ્યું હતું કે 12માંથી 8 ઓફશોર ફંડ્સે સેબીને લેખિતમાં વિનંતી કરી છે કે જે પણ ચાર્જિસ લગાવવામાં આવ્યા છે તે દંડ લઈને ઉકેલવા જોઈએ અને આમાં ગુનાનો કોઈ પ્રશ્ન જ ન હોવો જોઈએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ 8 FPIsમાં અલ્બુલા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસ્ટા ફંડ, MGC ફંડ, એશિયા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન (મોરિશિયસ), APMS ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ઇલારા ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ, વેસ્પેરા ફંડ અને LTS ઇન્વેસ્ટમેન્ટ ફંડનો સમાવેશ થાય છે. તેમના કાનૂની પ્રતિનિધિઓએ સેબીમાં કુલ 16 સેટલમેન્ટ અરજીઓ દાખલ કરી છે.

 

Published: April 23, 2024, 18:13 IST