શું બદલાતા માહોલમાં પેઇન્ટ સેક્ટરમાં રોકાણ કરવું જોઇએ?

ભારતમાં Asian Paints અને બર્જર પેઇન્ટ્સની બાદશાહતને મોટો પડકાર મળી શકે છે. કારણ છે આ સેક્ટરમાં થયેલી Aditya Birla Groupની ફ્લેગશીપ કંપની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીની એન્ટ્રી

શું બદલાતા માહોલમાં પેઇન્ટ સેક્ટરમાં રોકાણ કરવું જોઇએ?

Money9: ભારતમાં પેઇન્ટ સેક્ટરની આગેવાની કરનારી કંપની Asian Paints અને બર્જર પેઇન્ટ્સની બાદશાહતને મોટો પડકાર મળી શકે છે. કારણ છે આ સેક્ટરમાં થયેલી Aditya Birla Groupની ફ્લેગશીપ કંપની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીની એન્ટ્રી..ગ્રાસિમે આવતા 3 વર્ષમાં પેઇન્ટ બિઝનેસમાંથી નફો કમાવવાની શરૂઆત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. પેઇન્ટ સેક્ટરમાં Grasimની એન્ટ્રીથી બાકીની કંપનીઓ પર શું અસર પડશે? શું આ સેક્ટરમાં સ્પર્ધા વધી જશે? શું બદલાતા સમયમાં પેઇન્ટ સેક્ટરમાં રોકાણ કરવું જોઇએ? જો હાં, તો કયા શેરોમાં..આવો સમજીએ…

ગઇ 22 ફેબ્રુઆરીએ Aditya Birla ગ્રુપની કંપની Grasim Industries એ બિરલા ઓપસ બ્રાન્ડ હેઠળ ડેકોરેટિવ પેઇન્ટ બિઝનેસમાં એન્ટ્રી લઇ લીધી છે. આ કંપનીએ પાણીપત, લુધિયાણા અને તમિલનાડુના ચેય્યારમાં 3 પેઇન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સની શરુઆત કરી છે અને આ રીતે કંપનીએ 80 હજાર કરોડ રૂપિયાના ડેકોરેટિવ પેઇન્ટ માર્કેટમાં ડગ માંડ્યા છે. માર્ચના મધ્યથી બિરલા ઓપસની પ્રોડકટ્સ પંજાબ, હરિયાણા અને તમિલનાડુમાં મળતી થઇ જશે. તો જુલાઇ 2024 સુધી 1 લાખ સુધીની વસતી ધરાવતા દેશના બધા શહેરોમાં આ પ્રોડક્ટ ઉપલબ્ધ થશે. જાન્યુઆરી 2021માં કંપનીએ આ બિઝનેસમાં 10,000 કરોડ રૂપિયાના રોકાણની સાથે એન્ટ્રી કરવાની જાહેરાત કરી હતી. આવતા 3 વર્ષની અંદર કંપનીએ 10,000 કરોડ રૂપિયાની ગ્રોસ રેવન્યૂની સાથે-સાથે ઇન્ડસ્ટ્રીને પોતાની હાજરીનું ભાન કરાવવાનું પણ લક્ષ્ય રાખ્યું છે. અને શું કામ ન રાખે….કારણ કે કંપની એક ઝટકામાં આખા સેક્ટરની 40 ટકા ક્ષમતા જેટલું ઉત્પાદન શરૂ કરવા જઇ રહી છે.

FY23ના અંત સુધી પેઇન્ટ સેક્ટરની સાઇઝ 62,000 કરોડ રૂપિયા હતી જેમાં ટોપ 5 કંપનીઓનો સંગઠિત ક્ષેત્રમાં અંદાજે 90 ટકા માર્કેટ શેર હતો.. ટોપ 5 કંપનીઓની FY23ના અંત સુધી અંદાજે 42.2 લાખ કિલોલીટરની વાર્ષિક ક્ષમતા હતી. આવતા 3-4 વર્ષમાં ઇન્ડસ્ટ્રીમાં 20 થી 22 હજાર કરોડ રૂપિયા ક્ષમતા વિસ્તાર પર ખર્ચ થશે જેમાં 10,000 કરોડ રૂપિયા Grasim Industries અને 8,750 કરોડ રૂપિયા Asian Paints તરફથી રોકાણ કરવામાં આવશે. ક્ષમતા વિસ્તાર પૂર્ણ થયા બાદ આખા સેક્ટરની ક્ષમતામાં 20 ટકાની વૃદ્ધિનું અનુમાન છે.

હવે સવાલ એ છે કે Grasimની એન્ટ્રીથી પેઇન્ટ સેક્ટરની કંપનીઓ પર કેટલી અસર થશે? Aditya Birla groupના ચેરમેન KM Birlaએ બિઝનેસ સંપૂર્ણ રીતે શરૂ થવાના 3 વર્ષની અંદર નફામાં આવવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. એનાલિસ્ટનું માનવું છે કે કંપનીની આખા દેશમાં પહોંચ, મોટા ક્ષમતા વિસ્તાર ખર્ચ અને બધા પ્રકારની પ્રોડક્ટ્સમાં હાજરીથી નફાને પ્રોત્સાહન મળશે અને આખા સેક્ટરમાં હલચલ વધશે. પરંતુ બ્રોકર્સે કંપનીના આ પગલા બાદ પણ પોતાનો તેજીનો દ્રષ્ટિકોણ જાળવી રાખ્યો છે. FY25 માં કંપનીની કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળમાં વધુ 3 પ્લાન્ટ્સ શરૂ કરવાની યોજના છે જેનાથી કુલ 13.32 લાખ કિલોલીટરની વાર્ષિક ક્ષમતા થશે. બ્રોકિંગ હાઉસ પ્રભુદાસ લીલાધરના જણાવ્યા અનુસાર કંપનીએ જે ક્ષમતા ઉત્પાદનનું લક્ષ્ય નક્કી કર્યું છે તે ઇન્ડસ્ટ્રીની બીજી, ત્રીજી અને ચોથી સૌથી મોટી કંપનીની કુલ ક્ષમતાથી પણ વધુ છે. હાલ 17.30 લાખ કિલોલીટરની ક્ષમતા સાથે એશિયન પેઇન્ટ્સ આ સેક્ટરમાં લીડર છે. તો બીજી તરફ બર્જર પેઇન્ટ્સ 12.72 લાખ કિલોલીટર ક્ષમતાની સાથે બીજી સૌથી મોટી કંપની છે.

Grasim એ હાલ પોતાના ક્ષમતા વિસ્તાર ખર્ચમાંથી 6000 કરોડ રૂપિયા જ ખર્ચ કર્યા છે એટલે કે 60 ટકા ઓછી રકમ અને પ્રભુદાસ લીલાધરનું માનવું છે કે ક્ષમતા વિસ્તારમાં અંદાજે 40 ટકાનો વધારો થઇ શકે છે.

શેર બજાર એક્સપર્ટ અંબરિશ બાલિગાના જણાવ્યા અનુસાર પેઇન્ટ મેન્યુફેક્ચરિંગ કોઇ રોકેટ સાયન્સ નથી. પરંતુ ઓછી ઇન્વેન્ટ્રી અને મહત્તમ પહોંચવાળુ ડિસ્ટ્રીબ્યૂશન ઉભુ કરવામાં સફળતા છુપાયેલી છે. જેમાં એશિયન પેઇન્ટ્સને મહારથ પ્રાપ્ત છે. અને આનાથી શેર બજારને વેલ્યૂએશન પ્રીમિયમ મળે છે. નવી કંપનીઓ ડેકોરેટિવ પેઇન્ટ્સમાં આવી રહી છે એટલે કન્સાઇ નેરોલેક પર તો નહીં પરંતુ બર્જર, એક્ઝો નોબલ, ઇન્ડિગો અને JSW Paints નાની નેશનલ અને રીજનલ કંપનીઓ પર અસર થશે કારણ કે માર્કેટ શેર પ્રાપ્ત કરવા માટે ગ્રાસિમના માર્કેટિંગ ખર્ચની કદાચ આ કંપનીઓ બરાબરી નહીં કરી શકે.

પરંતુ શું ગ્રાસિમની એન્ટ્રીથી સેક્ટરની હાલની કંપનીઓના માર્જિન અને માર્કેટ શેર પર પણ કોઇ અસર થશે? બિરલા ઓપસે ઇનેમલ્સ ફિનિશિસ પર એક વર્ષની વોરંટી, કોન્ટ્રાક્ટર્સ માટે છૂટછાટ, ફ્રી ટિન્ટિંગ મશીનો અને વોટર બેઝ્ડ પેઇન્ટ્સમાં 10 ટકા વધુ વોલ્યુમની ઓફરથી પોતાના ઇરાદા જાહેર કરી દીધા છે. પ્રભુદાસ લીલીધરના જણાવ્યા અનુસાર આનાથી પ્રોડક્ટનું વેચાણ વધશે અને બ્રાન્ડ પણ સ્થાપિત થશે. જો કે બ્રોકરેજ હાઉસનું એમ પણ માનવું છે કે ગ્રાસિમની એન્ટ્રીથી એશિયન પેઇન્ટ્સ, બર્જર પેઇન્ટ્સ અને કન્સાઇ નેરોલેક જેવી મોટી કંપનીઓ આક્રમક વલણ અપનાવી શકે છે જેમાં ઉંચા ટ્રેડ ડિસ્કાઉન્ટ અને ગ્રાહકોને આપવામાં આવતી ઓફરથી ટૂંકાગાળામાં ગ્રોથ પર અસર પડી શકે છે. જ્યાં સુધી ગ્રાસિમની એન્ટ્રીને લઇને સ્થિતિ સ્પષ્ટ નથી થઇ જતી ત્યાં સુધી પેઇન્ટ શેરોથી અંતર જાળવી રાખવું જોઇએ.

જ્યાં સુધી માર્જિનની વાત છે તો એશિયન પેઇન્ટ્સ વધુ મુશ્કેલીમાં છે કારણ કે માર્જિન રેકોર્ડ સ્તરની નજીક છે. જ્યારે કન્સાઇ નેરોલેકની સ્થિતિ સારી છે. આવું એટલા માટે કારણ કે પીકથી માર્જિન અંદાજે 4 ટકા નીચે છે.

આ જ રીતે માર્કેટ શેરને જોઇએ તો પ્રભુદાસ લીલાધરના જણાવ્યા અનુસાર 52-54 ટકાના માર્કેટ શેરની સાથે એશિયન પેઇન્ટ્સની બાદશાહતને કોઇ જોખમ નથી. કારણ કે ડિસ્ટ્રીબ્યૂશન, બ્રાન્ડની મજબૂતી અને અલગ અલગ પ્રાઇસ પોઇન્ટ પર હાજરીથી પ્રતિસ્પર્ધી કંપનીઓની સરખામણીમાં આ કંપની સ્થિતિ ઘણી મજબૂત છે. જો કે બિરલા પ્લસની રણનીતિના આધારે વોલ્યુમ પર દબાણની આશંકાને નકારી ના શકાય. જો ડેકોરેટિવ પેઇન્ટ્સ સેગમેન્ટમાં કંપનીના માર્કેટ શેરમાં 1 ટકાનો પણ ઘટાડો થયો તો ગ્રોથ પર તગડી અસર પડી શકે છે. બીજી તરફ ઇન્ડસ્ટ્રીયલ પેઇન્ટ્સ સેગમેન્ટમાં મંજબૂત અને આઉટલુક અને જમીન વેચાણથી મળેલા 1 હજાર કરોડ રૂપિયાથી કન્સાઇ નેરોલેક સ્થિતિનો મુકાબલો કરવા માટે વધુ તૈયાર દેખાઇ રહી છે.

થર્ડ ક્વાર્ટરના પરિણામો અને Grasimની એન્ટ્રીને જોતા સેક્ટર લીડર એશિયન પેઇન્ટ્સ પર મોટાભાગના બ્રોકર્સનો ભરોસો હાલકડોલક છે. મેક્વાયરી અને HSBCને સિવાયના બ્રોકર્સ શેરને લઇને બુલિશ નથી.

હવે સૌથી મહત્વનો સવાલ. શું બદલાતી પરિસ્થિતિના સમયમાં પેઇન્ટ સેક્ટરમાં રોકાણ કરવું જોઇએ? જો હાં તો કયા શેરોમાં..અંબરિશ બાલિગાનું માનવું છે કે એશિયન પેઇન્ટ્સ નજીકના ભવિષ્યમાં મજબૂત નેટવર્કના કારણે માર્કેટ લીડર રહેશે. 2 વર્ષના દ્રષ્ટિકોણથી આ શેરને 3900 અને 4,200 રૂપિયાના લક્ષ્ય સાથે દરેક ઘટાડે ખરીદવાનો યોગ્ય સમય છે. તો પૂરા સેક્ટરની સાથે સાથે કન્સાઇ નેરોલેકમાં પણ ઘટાડો થયો છે. મધ્યમગાળાના દ્રષ્ટિકોણથી આ શેરને 350 રૂપિયાના લક્ષ્ય સાથે ખરીદો કારણ કે ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટમાં ગ્રાસિમની એન્ટ્રીની અસર ઓછી રહેશે અને આ શેર બાઉન્સ બેક કરવામાં સૌથી આગળ રહી શકે છે.

એકંદરે Grasimની એન્ટ્રીથી પેઇન્ટ સેક્ટરમાં ઉથલ-પાથલ શરૂ થઇ ગઇ છે. ભલે કંપનીઓ પર આની અસર થવામાં થોડો સમય લાગે પરંતુ બ્રોકર્સ તેનાથી જરૂર પ્રભાવિત છે જે તેમના રિપોર્ટ્સમાં નજરે પડી રહ્યું છે. આવા સંજોગોમાં જ્યાં સુધી નવા ડેવલપમેન્ટને લઇને સ્થિતિ સ્પષ્ટ નથી થઇ જતી કે સ્થિરતા નથી આવી જતી..ત્યાં સુધી આ સેક્ટરમાં રોકાણને લઇને સતર્ક રહેવામાં જ સમજદારી છે.

Published: March 20, 2024, 17:56 IST