Money9 Gujarati:
TCS Q4 Results: ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)એ જાન્યુઆરી-માર્ચ 2024 ત્રિમાસિક ગાળામાં 12,434 કરોડ રૂપિયાનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. 2023ના માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટ 11,392 કરોડ રૂપિયા હતો. આમ કંપનીએ નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે 9.14 ટકા ગ્રોથ કર્યો છે. આઈટી ઉદ્યોગ પર નજર રાખતા એક્સપર્ટને 6 ટકા સુધીનો ગ્રોથ થવાની અપેક્ષા હતી. 12 એપ્રિલે પરિણામ જાહેર કર્યા બાદ TCSનો શેર અડધો ટકો વધીને 4,003 રૂપિયાના ભાવે બંધ રહ્યો હતો. TCS ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની છે. તે ભારતની બીજા ક્રમની સૌથી મૂલ્યવાન કંપની પણ છે.
TCSએ નાણાકીય વર્ષ 2023-24 માટે શેર દીઠ 28 રૂપિયાનું ફાઈનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે. અગાઉ કંપનીએ 45 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું હોવાથી 2023-24નું કુલ ડિવિડન્ડ 73 રૂપિયા થયું છે. TCSની 29મી વાર્ષિક સાધારણ બેઠકના ચોથા દિવસે ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવશે.
કંપનીના પરીણામો બજારના અંદાજો કરતાં પ્રોત્સાહક રહ્યા છે. કંપનીની આવક 3.5 ટકા વધીને 61,237 કરોડ રૂપિયા થઈ હતી. EBIT માર્જિન અથવા ઓપરેટિંગ માર્જિન Q4 માટે 100 bps (1 ટકા) વધીને 26 ટકા વધ્યું હતું, જે અગાઉના ક્વાર્ટરમાં 25 ટકા હતું.
નાણાકીય વર્ષ 2023-24ના સંપૂર્ણ વર્ષ માટે આવક 6.8 ટકા વધીને 2,40,893 કરોડ રૂપિયા થઈ છે. ચોખ્ખો નફો 46,585 કરોડ રૂપિયા અને ઓપરેટિંગ માર્જિન 24.6% નોંધાવ્યા છે. TCSએ ક્વાર્ટરમાં $13.2 બિલિયનના વિક્રમી ઓર્ડર્સ મેળવ્યા હતા, જેમાં યુકેની વીમા કંપની અવિવા સાથે 15-વર્ષનો મેગા ડીલનો સમાવેશ થાય છે.
“અમે અમારા બિઝનેસ મોડલની મજબૂતાઈ અને અમલીકરણ શ્રેષ્ઠતાને માન્ય રાખતા, અત્યાર સુધીની સર્વોચ્ચ ઑર્ડર બુક અને 26% ઑપરેટિંગ માર્જિન સાથે મજબૂત નોંધ સાથે Q4 અને FY24માં સારી કામગીરી નોંધાવી છે. 12.5% પર ઘટેલો એટ્રિશન, કેમ્પસ હાયરિંગ માટે ઉત્સાહી પ્રતિસાદ, ગ્રાહકોની વધેલી મુલાકાતો અને ઑફિસમાં પાછા ફરતા કર્મચારીઓને કારણે અમારા ડિલિવરી કેન્દ્રોમાં ખૂબ જ ઉત્સાહ અને અમારા સહયોગીઓના મનોબળમાં વધારો થયો છે,” એમ TCSના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર (MD) કે ક્રિથિવાસને જણાવ્યું હતું.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો