MONEY9: શેરબજારના રોકાણકારોએ 25 જુલાઈએ એક ટ્રેલર જોયું. આ ટ્રેલર હતું ફૂડ ડિલિવર કરતી કંપની ઝોમેટોનું. 25 જુલાઈના રોજ સોમવારે ખુલતાં બજારે જ ઝોમેટોના શેરમાં 11 ટકાનું ગાબડું પડ્યું કંપનીના પ્રિ-IPO ઈન્વેસ્ટર્સનો લૉક-ઈન પીરિયડ સમાપ્ત થતાંની સાથે જ તેના 613 કરોડ શેર વેચવાનો મસમોટો ઑર્ડર બજારને મળ્યો, એટલે શેર કડકભૂસ થઈને પડ્યો.
પ્રિ-IPO લૉક-ઈન પીરિયડ ઝોમેટોનું આ ટ્રેલર જોઈને રોકાણકારો ડરી ગયા છે, કારણ કે આગામી એકાદ મહિનામાં ડઝનેક કંપનીઓના પ્રિ-IPO ઈન્વેસ્ટર્સનો લૉક-ઈન પીરિયડ પૂરો થઈ રહ્યો છે અને બીક એ વાતની છે કે, 25 જુલાઈના ટ્રેલર બાદ હવે રોજેરોજ આવી પિક્ચર તો નહીં જોવી પડે ને?
આ શેર્સમાં શું થશે? આવતા મહિને જેટલી કંપનીઓનો લૉક-ઈન પીરિયડ પૂરો થવાનો છે, તેમાંથી માત્ર 3 કંપનીના શેરનો ભાવ તેમના ઈશ્યૂ પ્રાઈસથી ઉપર છે. આ ત્રણ કંપની છે તત્વ ચિંતન ફાર્મા, રોલેક્સ રિંગ્સ અને દેવયાની ઈન્ટરનેશનલ. આ ત્રણેયના IPOમાં પૈસા રોકનારા લોકો હજુ ખોટમાં ગયા નથી. જોકે, અન્ય 8 કંપનીના શેરના બૂરા હાલ છે. ઝોમેટોની જેમ આ કંપનીઓના શેરના ભાવ તેમના ઈશ્યૂ પ્રાઈસથી નીચે છે. આથી, આ કંપનીઓના રોકાણકારો ભયભીત થઈને ફરી રહ્યાં છે. કાર ટ્રેડ જેવી સ્ટાર્ટઅપ આવી જ કંપનીઓ પૈકીની એક છે.
ભરોસો ડગમગ્યો લૉક-ઈન પીરિયડ ખતમ થતાંની સાથે જ પ્રિ-IPO ઈન્વેસ્ટર્સ પોતાના શેર ધડાધડ વેચવા લાગે તો રિટેલ રોકાણકારોનો ભરોસો ડગમગી જાય છે. પ્રિ-IPO ઈન્વેસ્ટર્સની વેચવાલી જોઈને રિટેલ રોકાણકારોને એવો સંદેશ મળે છે કે, જો કંપનીના પ્રમોટર્સ અને કર્મચારીઓને જ કંપનીના ગ્રોથ પર ભરોસો ના હોય તો, પછી તેમાં રોકાણ કરવાનો શું મતલબ?
સ્ટાર્ટઅપ્સના વેલ્યુએશનના દાવા ખોટા 2021માં તો શેરબજારમાં સ્ટાર્ટ-અપ કંપનીઓના IPOનું ધસમસતું પૂર આવ્યું હતું. ઘણા સ્ટાર્ટઅપ્સ અકલ્પનીય ગ્રોથ કરશે તેવા બણગાં ફૂંકાઈ રહ્યાં હતા. કેટલાક સ્ટાર્ટઅપ્સને તો ભવિષ્યની રિલાયન્સ અને ટીસીએસ કહેવામાં આવતી હતી. આવી વાતો સાંભળીને રિટેલ રોકાણકારોએ કમાવાની તક ચૂકી જઈશું એવી બીકમાં ને બીકમાં મન મૂકીને પૈસા રોકી દીધા હતા. પરંતુ હવે તેમના પૈસા ફસાઈ ગયા છે.
PAYTM, ZOMATOએ રડાવ્યાં પેટીએમ અને ઝોમેટોના શેરધારકોની હાલત જોઈને અન્ય સ્ટાર્ટઅપ્સના રોકાણકારો ડરનાં માર્યાં થરથર કાંપી રહ્યાં છે, કારણ કે પેટીએમનો શેર તેની બાવન સપ્તાહની ટોચથી 64 ટકા નીચે પહોંચી ગયો છે જ્યારે ઝોમેટોનો શેર 150 રૂપિયાથી ઘટીને 40 રૂપિયા થઈ ગયો છે. ઓછામાં પૂરું સ્ટાર્ટઅપ્સનું ફંડિંગ ઘટી રહ્યું હોવાના સમાચાર પણ ડરાવી રહ્યાં છે. હવે જોવાનું રહ્યું કે, લોક-ઈન પીરિયડ સમાપ્ત થયા પછી આ સ્ટાર્ટઅપ્સના રોકાણકારોનું શું થાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો