Money9: શેર બજાર ફરીથી નવી ઉંચાઇઓ પર છે. સેન્સેક્સ અને નિફ્ટી નવા રેકોર્ડ પર પહોંચી ગયા છે. કેટલાકને બાદ કરતા મોટાભાગના લાર્જકેપ શેર સારુ રિટર્ન આપી રહ્યા છે. પરંતુ શેર બજારની આ તેજી શું તમારા પોર્ટફોલિયોમાં જોવા મળી રહી છે. કદાચ નહીં..કારણ કે શેર બજારમાં આ વખતે રેકોર્ડ તેજીમાં ફક્ત પસંદગીના શેરોમાં જ ઉછાળો જોવા મળી રહ્યો છે. બીએસઇ ઓલકેપ ઇન્ડેક્સના ફક્ત 5 ટકા શેર જ શેર બજારની સાથે રેકોર્ડ ઉંચાઇ પર પહોંચ્યા છે. ગત વર્ષે શેર બજાર જ્યારે રેકોર્ડ ઉંચાઇએ પહોંચ્યું હતું તો 18 ટકા શેરોએ પણ તેજીનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ વખતે બીએસઇ ઓલકેપ ઇન્ડેક્સના અંદાજે 41 ટકા શેર એવા છે જે તેની રેકોર્ડ ઉંચાઇએથી 20 ટકાથી લઇને 50 ટકા સુધી દૂર છે અને 23 ટકા શેર પોતાના રેકોર્ડ સ્તરેથી 5 ટકાથી લઇને 20 ટકા સુધી દૂર છે.
સેક્ટર્સનું સારુ પ્રદર્શન
જો કે આ વખતે સેન્સેક્સ અને નિફ્ટીની સાથે સેક્ટર ઇન્ડેક્સ પણ સારુ પર્ફોર્મ કરતા જોવા મળી રહ્યા છે. આઇટી અને ફાર્મા ઇન્ડેક્સને બાદ કરીએ તો મોટાભાગનાએ ક્યાં તો નિફ્ટી કરતાં વધુ કે નિફ્ટીની બરોબર જ રિટર્ન આપ્યું છે. બેંક નિફ્ટી, મેટલ ઇન્ડેક્સ અને પ્રાઇવેટ તથા પીએસયુ બેંક ઇન્ડેક્સના 6 મહિનાનું રિટર્ન શાનદાર રહ્યું છે. પરંતુ સેન્સેક્સ, નિફ્ટી અને સેક્ટર ઇન્ડેક્સથી આગળ વધીને જો આપણે શેરોની સ્થિતિ જોઇએ તો મિડકેપ અને સ્મોલકેપ શેરોને લઇને સ્થિતિ આવી નથી. ત્યાં 6 મહિનામાં રોકાણકારોને માલામાલ કરનારા અને કંગાળ કરનારા શેરો પણ છે. અને કંગાળ કરનારા શેરોમાં બજારમાં નવી એન્ટ્રી લેનારા સ્ટાર્ટઅપની સાથે રોકાણકારોનો ભરોસો ખોઇ ચુકેલી જુની લિસ્ટેડ કંપનીઓ પણ છે.
આ ટ્રેન્ડ દર્શાવી રહ્યો છે કે શેર બજારની તેજી એકતરફી નથી. રોકાણકાર લાર્જકેપ કંપનીઓ પર દાવ લગાવી રહ્યા છે અને એવી કંપનીઓમાં કે સેક્ટર્સમાં રોકાણ વધારી રહ્યા છે જેનું ભવિષ્ય સારુ દેખાઇ રહ્યું છે. મોટાભાગની સ્ટાર્ટઅપ કંપનીઓને તો રોકાણકારોએ સંદતર નકારી કાઢી છે. સ્ટાર્ટઅપ કંપનીઓના ઘણાં વિદેશી રોકાણકાર તો પોતાની હિસ્સેદારી ઘટાડવામાં લાગી ગયા છે. અલીબાબા અને સોફ્ટબેંકે હાલમાં જ ઝોમેટો અને પીબીફિનટેકમાં પોતાની હિસ્સેદારી ઘટાડી છે.
શેર બજારની તેજીમાં શું કરવું
જો કે ભારતીય શેર બજારની રેકોર્ડ તેજીને જોતાં દુનિયાભરની ઘણી દિગ્ગજ એજન્સીઓ તરફથી હજુ પણ વધુ તેજીના અનુમાન લગાવાયા છે. ગોલ્ડમેન સાક્સે કહ્યું છે કે આવતા વર્ષે નિફ્ટી 20,500ની સપાટી દર્શાવી શકે છે. મોર્ગન સ્ટેનલીએ તો ત્યાં સુધી કહ્યું છે કે 2023માં સેન્સેક્સ 80 હજારની સપાટી બતાવી શકે છે. જો કે આના માટે સસ્તા ક્રૂડ ઓઇલ, ગ્લોબલ ઇન્ડેક્સમાં ભારતીય બોન્ડનું લિસ્ટિંગ અને સારા કોર્પોરેટ પરિણામોની શરત પણ જોડવામાં આવી છે. આવા સંજોગોમાં મોટો સવાલ એ ઉભો થાય કે શેર બજારની રેકોર્ડ તેજીમાં શું કરવું જોઇએ.
જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિઝના મુખ્ય રોકાણ રણનીતિકાર વી.કે.વિજયકુમારનું કહેવું છે કે આખા વર્ષનું રિટર્ન જોઇએ તો નિફ્ટી 7.7 ટકા ઉપર છે. જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 10 ટકાની નીચે છે અને આ ટ્રેન્ડ હાઇ ક્વોલિટી સ્ટોકમાં રોકાણ રણનીતિને યોગ્ય માને છે. તેમનું કહેવું છે કે હાલના સંજોગોમાં ભારતીય શેર બજારમાં મોટાભાગની કંપનીઓના વેલ્યૂએશન મોંઘા થઇ ગયા છે. આવા સંજોગોમાં સાવધાની રાખવાની જરૂર છે.
મની9ની સલાહ છે કે શેર બજારની આ રેકોર્ડ તેજીમાં કોઇપણ પ્રકારનો ટ્રેડ લેતા પહેલા પોતાના નાણાકીય સલાહકારની સલાહ જરૂર લો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો