Money9 Gujarati:
છેલ્લી તારીખ સુધીમાં આધાર કાર્ડ સાથે PAN લિન્ક નહીં કરાવનારા લોકો પાસેથી સરકારે 600 કરોડ રૂપિયાનો તગડો દંડ વસૂલ્યો છે. અત્યાર સુધીમાં 11.48 કરોડ પાન કાર્ડ આધાર સાથે લિન્ક થયા નથી, એમ સરકારે સંસદમાં જણાવ્યું છે. પાન અને આધાર લિન્ક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 હતી અને આ ડેડલાઈન ચૂકી જનારા લોકો પાસેથી સરકારે દંડ પેટે તગડી રકમ વસૂલી છે.
જે લોકોએ ડેડલાઈન બાદ તેમના પાન કાર્ડને આધાર સાથે લિન્ક નથી કરાવ્યું તેમની પાસેથી દંડ પેટે 1,000 રૂપિયા વસૂલવામાં આવ્યા છે. નાણા મંત્રાલયે 5 ફેબ્રુઆરીએ સંસદમાં જવાબ આપ્યો હતો કે, હજુ સુધી 11.48 કરોડ પાન કાર્ડ નંબરને આધાર સાથે લિન્ક કરવાના બાકી છે. રાજ્યકક્ષાના નાણામંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, જે કેટેગરીને રાહત આપવામાં આવી છે, તેમને બાદ કરતાં 29 જાન્યુઆરી 2024 સુધીમાં આધાર સાથે લિન્ક ના હોય તેવા પાનની સંખ્યા 11.48 કરોડ છે.
આવકવેરા વિભાગના આદેશ અનુસાર, જો કરદાતાઓ સમયમર્યાદામાં તેમના દસ્તાવેજોને આધાર સાથે લિંક કરવામાં નિષ્ફળ જાય તો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. વધુમાં, આવા PAN સામે કોઈ રિફંડ કરવામાં આવશે નહીં. બાયોમેટ્રિક દસ્તાવેજ સાથે PAN લિંક કરવામાં નિષ્ફળતા પર TDS અને TCS પણ કાપવામાં આવશે. તમે 1,000 રૂપિયાની લેટ ફી ચૂકવીને PAN ફરીથી સક્રિય કરાવી શકો છે.
જેમણે હજી સુધી તેમના PAN અને આધારને લિંક કર્યા નથી તેઓ 1,000 રૂપિયાનો દંડ ભરીને સમયમર્યાદા પછી તેને સક્રિય કરી શકે છે. ઓનલાઈન પ્રક્રિયા પછી, પાન કાર્ડને ફરીથી સક્રિય કરવામાં લગભગ એક મહિનાનો સમય લાગશે. નીચે જણાવેલા પગલાંઓ વડે તમે PANને આધાર સાથે લિંક કરી શકો છો.
– આવકવેરા ઈ-ફાઈલિંગ પોર્ટલની મુલાકાત લો: https://incometaxindiaefiling.gov.in/
– જો તમે નવા વપરાશકર્તા છો, તો પોર્ટલ પર નોંધણી કરો.
– દંડ ભરવા માટે, ‘ક્વિક લિંક્સ’ હેઠળના ‘ઈ-ટેક્સ પેમેન્ટ’ વિકલ્પ પર ક્લિક કરો.
– ત્યારબાદ આધાર-PAN લિંક કરવા માટે CHALLAN No./ITNS 280 જુઓ.
– માઇનોર હેડ 500 અને મેજર હેડ 0021 [ઇન્કમ ટેક્સ (કંપનીઓ સિવાય)] હેઠળ દંડ એક જ ચલનમાં ચૂકવો.
– તમારી પસંદગીની ચુકવણી પદ્ધતિ પસંદ કરો.
– તમારી PAN વિગતો અને તમારું સરનામું દાખલ કરો.
– કેપ્ચા કોડ ટાઈપ કરો અને આગળ વધો.
– ચુકવણી કર્યા પછી, તમારી PAN વિગતો, પાસવર્ડ અને જન્મ તારીખ સાથે આવકવેરા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગ ઇન કરો.
– એક પોપ-અપ વિન્ડો દેખાશે, જેમાં PAN ને આધાર સાથે લિંક કરવાનું કહેવામાં આવશે. જો એવું ન હોય તો, ‘મેનૂ બાર’ પર ‘પ્રોફાઈલ સેટિંગ્સ’ પર જાઓ અને ‘આધાર લિંક’ પર ક્લિક કરો.
– પાન કાર્ડમાં આપેલી જરૂરી માહિતી દાખલ કરો જેમ કે જન્મ તારીખ, લિંગ વગેરે.
– આધારમાં આપેલી માહિતી સાથે તમારી માહિતીની ચકાસણી કરો.
– જો તમારી માહિતી મેળ ખાય છે, તો તમારો આધાર નંબર દાખલ કરો અને “હવે લિંક કરો” બટન પર ક્લિક કરો.
– બાદમાં, એક પોપ-અપ મેસેજ દેખાશે જે પાનને આધાર સાથે લિંક કરવાની પુષ્ટિ કરશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો