Money: ઇનકમ ટેક્સ રિટર્ન એટલે કે ITR ભરવાનો સમય આવી ગયો છે. લોકો આખુ વર્ષ ટેક્સ બચાવવા માટે મગજ દોડાવે છે. મોટાભાગના નોકરિયાત લોકોના પગારનો એક હિસ્સો હોય છે હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRA. સામાન્ય રીતે કર્મચારી ક્યાં તો HRA પર અથવા તો હોમ લોનના રિપેમેન્ટ પર ટેક્સ છૂટ લે છે. નોકરિયાત વ્યક્તિની પાસે ટેક્સ બચાવવાના સાધનો ઘણાં જ સીમિત હોય છે. ત્યારે HRA અને હોમ લોન રિપેમેન્ટ દ્વારા કર કપાતનો લાભ ઘણો મહત્વનો થઇ જાય છે કારણ કે આનાથી ઘણાં પૈસા બચી જાય છે. આવો જાણીએ કે કઇ સ્થિતિમાં HRA અને હોમ લોન ટેક્સ બેનિફિટ બન્ને સાથે ક્લેમ કરી શકાય છે.
HRA ક્લેમ કેવી રીતે કરશો?
HRA ક્લેમ કરવાની કંડીશન એ છે કે તમને કંપની પાસેથી HRA મળી રહ્યું હોય અને તમે જે ઘરમાં રહો છો તે તમારુ પોતાનું નહીં પણ ભાડાનું હોવું જોઇએ. તો હોમ લોન માટેની કંડીશન એ છે કે તમે લોન લીધી હોય તે ઘર તૈયાર હોય તથા તેની પર ઇન્ટરેસ્ટ અને પ્રિન્સિપલ રિપેમેન્ટ કરી રહ્યા હોવા જોઇએ. હોમ લોનની EMI માં મુદ્દલ અને વ્યાજ એમ બે ભાગ હોય છે. પ્રિન્સિપલ રિપેમેન્ટ પર આવકવેરાની કલમ 80C હેઠળ છૂટ મળે છે. જે મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધી મળી શકે છે. બીજીબાજુ હોમ લોનના વ્યાજ પર આવકવેરાની કલમ 24(b) હેઠળ છૂટ મેળવી શકાય છે. સેલ્ફ-ઑક્યુપાઇડ પ્રોપર્ટીના કેસમાં મહત્તમ 2 લાખ રૂપિયા સુધીની છૂટ મળે છે.
Case-1: 32 વર્ષના તમાલ નંદીએ ગુવાહાટીમાં ઘર ખરીદ્યું. પરંતુ નોકરી માટે દિલ્હીમાં ભાડેથી રહે છે. તેમના જેવા ઘણાં લોકો છે જેમની હાલત ઓછાવત્તા અંશે આવી જ છે. શું આવા લોકો HRA અને હોમ લોનનો લાભ લઇ શકે છે. તો જવાબ છે હાં..જો તમે જોબ માટે બીજા શહેરમાં રહો છો અને તમારુ પોતાનું ઘર બીજા શહેરમાં છે તો તમે હાઉસ રેન્ટ એલાઉન્સની સાથે હોમ લોન રિપેમેન્ટ માટે ક્લેમ કરી શકો છો.
Case-2: હવે માની લો કે જે શહેરમાં તમારુ ઘર છે તે જ શહેરમા તમે નોકરી કરો છો પરંતુ ઑફિસથી ઘરનું અંતર વધારે હોવાના કારણે પોતાના ઘરમાં ન રહેતાં ઓફિસની પાસે ભાડાના ઘરમાં રહો છો..તો શું આવી સ્થિતિમાં HRA અને હોમ લોન ટેક્સ બેનિફિટ ક્લેમ કરી શકાય? ઉદાહરણ તરીકે તમારી ઓફિસ નવી મુંબઇમાં છે પરંતુ તમારુ ઘર વિરાર કે નાલા સોપારામાં છે તો તમારે આવવા-જવામાં 6 કલાક થશે. આ સ્થિતિમાં પણ HRA અને હોમ લોન ડિડક્શન બન્નેનો લાભ લઇ શકાય છે.
શું કહે છે ટેક્સ એક્સપર્ટ?
ટેક્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બલવંત જૈન જણાવે છે કે તમારુ ખરીદેલું ઘર નોકરીવાળા શહેરમાં હોય કે બીજા શહેરમાં હોય, બન્ને સ્થિતિમાં HRA અને હોમ લોન ટેક્સ બેનિફિટનો લાભ એકસાથે લઇ શકાય છે. જો કે, કર છૂટ ક્લેમ કરવાનું કારણ વાસ્તવિક હોવું જોઇએ, કારણ કે સ્ક્રૂટીની દરમિયાન શંકા થાય તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારી તમારી તપાસ કરી શકે છે અને પૂછપરછ પણ કરી શકે છે. એટલે એ ધ્યાનમાં રાખો કે તમારુ કારણ વાજબી હોય.
જૈન જણાવે છે કે માની લો કે તમારા માતા-પિતા ઉંમરલાયક છે. તમે જે બિલ્ડિંગમાં ઘર લીધું છે ત્યાં લિફ્ટ નથી અને તમારુ ઘર છઠ્ઠા માળે છે, અને તમે ત્યાં નથી રહી શકતા. આવામાં તે ઘર તમારે ભાડે આપવું પડે છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર ફ્લેટ ભાડેથી લેવો પડે છે તો આ સ્થિતિમાં તમે HRA અને લોન એક સાથે ક્લેમ કરી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો