સીનિયર સિટિઝન માટે આ છે ટેક્સ બેનિફિટ, તમારા પેરન્ટ્સને પણ બતાવો

ઇનકમ ટેક્સ ભરનારામા વરિષ્ઠ નાગરિકોની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં છે. વરિષ્ઠ નાગરિકોને 3 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ છૂટ મળે છે.

  • Team Money9
  • Last Updated : August 12, 2022, 16:32 IST
સીનિયર સિટિઝન માટે આ છે ટેક્સ બેનિફિટ, તમારા પેરન્ટ્સને પણ બતાવો

Money9: ITR ભરવો બધા ટેક્સ પેયર્સ માટે જરૂરી છે. સાથે જ કાયદાકીય જોગવાઇઓનો લાભ લઇને વધુમાં વધુ ટેક્સ બચાવવો પણ દરેક ટેક્સપેયર્સનો અધિકાર છે. ઇનકમ ટેક્સ ભરનારાઓમાં વરિષ્ઠ નાગરિકોની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં છે. આવો જાણીએ કે ઇનકમ ટેક્સ એક્ટમાં વરિષ્ઠ નાગરિકો માટે ટેક્સ સેવિંગના કયા વિકલ્પો ઉપલબ્ધ છે.

વરિષ્ઠ નાગરિકો માટે ટેક્સ છૂટ

વરિષ્ઠ નાગરિકોને 3 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ છૂટ મળે છે. એટલે કે જો કોઇ વ્યક્તિની ઉંમર 60 વર્ષથી વધારે અને 80 વર્ષથી ઓછી છે અને તેની વાર્ષિક આવક 3 લાખ કે તેથી ઓછી છે તો તેને ટેક્સ નહીં ભરવો પડે. વયોવૃદ્ધ એટલે કે 80 વર્ષથી ઉપરના વૃદ્ધોની વાત કરીએ તો તેમના માટે ટેક્સ છૂટની મર્યાદા 5 લાખ રૂપિયા છે. નોન-સીનિયર સિટીઝન માટે અઢી લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી છે. વયોવૃદ્ધ નાગરિક જો ITR-1 કે ITR-4 ફાઇલ કરે છે તો તે પેપર મોડમાં પણ આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકે છે. તેમના માટે ITR-1 કે ITR-4નું ઇ-ફાઇલિંગ અનિવાર્ય નથી. જો કે તેઓ ઇચ્છે તો ઑનલાઇન રિટર્ન ફાઇલ કરી શકે છે.

મોટાભાગના સીનિયર સિટીઝન બેંક FDમાં પૈસા લગાવે છે જેથી ઘર ખર્ચ માટે રેગ્યુલર ઇનકમ થાય અને જમા રકમ પણ સુરક્ષિત રહે. આવકવેરા કાયદાની કલમ 80TTB હેઠળ, વરિષ્ઠ નાગરિક બેંક, પોસ્ટ ઑફિસ કે કો-ઓપરેટિવ બેંકમાં જમા રકમથી પ્રાપ્ત 50,000 રૂપિયા સુધીની વ્યાજની આવક પર ડિડક્શન ક્લેમ કરી શકે છે. એક નાણાંકીય વર્ષ દરમિયાન વ્યાજની આવક 50,000 રૂપિયાથી ઓછી હોય તો બેંક કે પોસ્ટ ઓફિસ કોઇ ટેક્સ નહીં કાપે.

સીનિયર સિટીઝન તરીકે જો એક નાણાંકીય વર્ષમાં તમારી કુલ આવક કરપાત્ર નથી થતી તો જે બેંકમાં તમારી રકમ જમા છે તેને TDS નહીં કાપવા માટે ફૉર્મ-15H ભરીને આપી શકાય છે. જો તમારી ડિપોઝિટ એક વર્ષથી ઉપરની છે તો દર વર્ષે એપ્રિલમાં ફૉર્મ-15H ભરી દેવું જોઇએ.

ઇન્સ્યૉરન્સમાં પ્રીમિયમમાં ટેક્સ છૂટ

આવકવેરા કાયદાની કલમ 80D મુજબ, સીનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ કે મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રીમિયમ સ્વરૂપે 50 હજાર રૂપિયા સુધીના ડિડક્શનનો ફાયદો લઇ શકાય છે. નોન સીનિયર સિટીઝનના કેસમાં આ લિમિટ 25 હજાર રૂપિયા છે. આ ઉપરાંત, આવકવેરા કાયદાની કલમ 80DDB હેઠળ કેટલીક વિશેષ બીમારીની સારવારના ખર્ચ પર 1 લાખ રૂપિયા સુધીનું મેડિકલ ડિડક્શન ક્લેમ કરી શકાય છે. અન્ય ટેક્સ પેયર્સ માટે આ મર્યાદા 40 હજાર રૂપિયા છે.

આવકવેરા કાયદાની કલમ 208 અનુસાર, કોઇ એક નાણાંકીય વર્ષમાં જે વ્યક્તિઓને 10 હજાર રૂપિયા કે તેથી વધુનો ટેક્સ ભરવાનો થતો હોય તેણે એડવાન્સ ટેક્સ જમા કરવાનો હોય છે. જો કે સેક્શન 207 એવા સ્થાનિક સીનિયર સિટીઝનને એડવાન્સ ટેક્સ ભરવામાંથી છૂટ આપે છે જેને કોઇ બિઝનેસ કે વ્યવસાયમાંથી કમાણી નથી થતી.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગોપાલ કેડિયા જણાવે છે કે વરિષ્ઠ નાગરિકો માટે 3 લાખ અને વયોવૃદ્ધ નાગરિકો માટે 5 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી છે. વરિષ્ઠ નાગરિકો દ્વારા આને વધારવાની માંગ અવારનવાર કરવામાં આવે છે. તેમની માંગ છે કે 60 વર્ષથી ઉપરના લોકો માટે આ મર્યાદા 5 લાખ અને 80 વર્ષથી ઉપરની ઉંમરના લોકો માટે આ મર્યાદા 7.5 લાખ રૂપિયા હોવી જોઇએ.

Published: August 12, 2022, 16:26 IST