અમૂલ તાજા, ગોલ્ડ, શક્તિ દૂધ હવે અમેરિકામાં પણ મળશે, પહેલીવાર ભારતીય ડેરી બ્રાન્ડ US પહોંચી

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)એ અમેરિકામાં ઈસ્ટ કૉસ્ટ અને મિડવેસ્ટ માર્કેટ્સમાં "Fresh Milk"નું વેચાણ કરવા માટે 108 વર્ષ જૂની કંપની મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન સાથે ભાગીદારી કરી છે. પહેલીવાર ભારતની ડેરી બ્રાન્ડ અમેરિકામાં પ્રવેશ કરશે.

AMUL, GCMMF, Amul Milk

Money9 Gujarati:

અમૂલ એક ઐતિહાસિક પગલું ભરવા જઈ રહી છે. અમૂલ હવે અમેરિકામાં દૂધ વેચવાની છે. અમૂલ તેના ઈતિહાસમાં પહેલીવાર પોતાની ‘ફ્રેશ મિલ્ક’ બ્રાન્ડને અમેરિકામાં વેચવાનું શરૂ કરશે. અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધના ઉત્પાદનોનું વેચાણ કરતી અને ગુજરાતમાં દૂધ સહકારી મંડળીઓનું સંચાલન કરતી કંપની ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)એ અમેરિકામાં ઈસ્ટ કૉસ્ટ અને મિડવેસ્ટ માર્કેટ્સમાં “Fresh Milk”નું વેચાણ કરવા માટે મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન સાથે ભાગીદારી કરી છે.

અમેરિકામાં ભારતીય ડેરી બ્રાન્ડની આ પ્રથમ એન્ટ્રી છે અને અમેરિકામાં વસતા ભારતીયોને અમૂલ બ્રાન્ડનું દૂધ પીવા મળશે.

ગોલ્ડ, શક્તિ, તાઝા, સ્લિમ પેકેટ વેચશે

અમૂલ અમેરિકામાં ફ્રેશ મિલ્કની તેની રેન્જનું વેચાણ 1 ગેલન (3.8 લિટર) અને 0.5 ગેલન (1.9 લિટર)ના પેકેટમાં કરશે. આ પેકેટ અમૂલ બ્રાન્ડ હેઠળ મળશે. તેમાં અમૂલ ગોલ્ડ (6 ટકા મિલ્ક ફેટ), અમૂલ શક્તિ (4.5 ટકા ફેટ), અમૂલ તાઝા (3 ટકા ફેટ) અને અમૂલ સ્લિમ (2 ટકા ફેટ)નો સમાવેશ થાય છે.

ગેમ-ચેન્જર નિર્ણય

GCMMFના MD જયેન મહેતાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લાં 25 વર્ષથી અમેરિકાના બજારમાં દૂધની પ્રોડક્ટ્સની નિકાસ કરી રહ્યાં છીએ. પરંતુ હવે પ્રથમવાર અમેરિકામાં અમૂલ બ્રાન્ડ હેઠળ ફ્રેશ મિલ્કનું વેચાણ કરીશું. મને લાગે છે કે, આ પગલું ગેમ-ચેન્જર બની રહેશે.”
અમૂલ અમેરિકામાં તાજા દૂધની પ્રોડક્ટ લોન્ચ કરશે. તેમણે કહ્યું કે “અમે અમેરિકામાં 108 વર્ષ જૂની ડેરી કોઓપરેટિવ સાથે કરાર કર્યો છે. તાજેતરમાં મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશનની 108મી વાર્ષિક સાધારણ બેઠકમાં બોર્ડના સભ્યોની હાજરીમાં અમે અમેરિકન બજારમાં પ્રવેશવાની જાહેરાત કરી હતી. આ ડેરી 108 વર્ષ જૂની છે અને અમેરિકાની ટોપ-10 કોઓપરેટિવ્સમાં સામેલ છે. અમારા ઉત્પાદનો તેમના માટે પૂરક ઉત્પાદનો તરીકે કામ કરશે.”

તેઓ 20 માર્ચે બોર્ડની બેઠકમાં હાજર રહ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, ઓહિયોમાં મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશનનો ડેરી પ્લાન્ટ વ્યૂહાત્મક રીતે ફાયદાકારક છે અને તેનાથી અમૂલને અમેરિકાના ઈસ્ટ કૉસ્ટના શિકાગો, ડલ્લાસ તેમજ અન્ય વિસ્તારોના બજારોમાં વેચાણની તક મળશે.

મોદીનું વિઝન

ઉલ્લેખનીય છે કે, અમૂલની સુવર્ણ જયંતિની ઉજવણીમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી અને તેમણે અમૂલને વૈશ્વિક બ્રાન્ડ બનાવવાની વાત કરી હતી. મહેતાએ જણાવ્યું હતું કે, અમે વડા પ્રધાનના વિઝનને અનુરૂપ બ્રાન્ડનું વિસ્તરણ કરવા માંગીએ છીએ અને અમૂલને સૌથી મોટી ડેરી કંપની બનાવવાની આશા સેવી રહ્યાં છીએ.

અમૂલના ઉત્પાદનોમાં ઘી, ચીઝ, પનીર, બટર, આઈસ ક્રીમ, બેવરેજિસ, ચોકોલેટ, ગુલાબ જામુન, રસગુલ્લા, મીઠાઈ, ફ્રોઝન સ્નેક્સ, શ્રીખંડ, લસ્સી અને છાશ વગેરેનો સમાવેશ થાય છે. અમૂલ અત્યારે અમેરિકામાં ન્યૂ જર્સી, ન્યૂ યોર્ક તેમજ અન્ય સ્થળોએ ડિસ્ટ્રિબ્યુટર્સ મારફતે આ પ્રોડક્ટ્સની નિકાસ કરે છે.

ભારતમાંથી ડેરી પ્રોડક્ટ્સની નિકાસ કરવામાં GCMMF સૌથી આગળ છે. GCMMFએ ગયા વર્ષે નિકાસમાં 20 ટકાથી પણ વધુ ઉછાળો નોંધાવ્યો હતો અને તાન્ઝાનિયા, ઘાના, મોઝામ્બિક, હૈતી, રિપબ્લિક ઑફ કોંગો જેવા દેશોને પણ સામેલ કર્યા હતા.

 

Published: March 26, 2024, 16:33 IST