Money9: ભારતીય રેલ્વે મુસાફરો માટે એક સુપર એપ વિકસાવી રહી છે. આ સુપર એપ લોકોને એક જ જગ્યાએ રેલવેની તમામ સેવાઓ પૂરી પાડશે. તેનાથી મુસાફરોને ઘણી સુવિધા મળશે. ટેકનિકલી તે ખૂબ જ એડવાન્સ હશે અને લગભગ તમામ સેવાઓને એક જગ્યાએ લાવવાનું કામ કરશે. આના દ્વારા તમે એક જ જગ્યાએ ટિકિટ બુકિંગ અને ટ્રેન ટ્રેકિંગ જેવા અનેક કામો કરી શકશે. આ સુપર એપમાં Rail મદદ, UTS, સતર્ક, TMS-નિરિક્ષણ, IRCTC એર અને પોર્ટરીડ જેવી વિવિધ એપની સેવાઓ પણ ઉપલબ્ધ થશે…
હવે ‘ગ્લો એન્ડ હેન્ડસમ’ નામની કોઈ ફેરનેસ પ્રોડક્ટ માર્કેટમાં નહીં મળે. કોલકાતા હાઈકોર્ટે તેની મેન્યુફેક્ચરિંગ કંપની HUL એટલે કે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડને એક મહિનાની અંદર હટાવવાનો આદેશ આપ્યો છે. ટ્રેડમાર્ક નિયમોના ઉલ્લંઘનને કારણે કોર્ટે આ નિર્ણય આપ્યો છે. આ કેસ 2020નો છે, જ્યારે HULએ તેની મેન્સ ફેરનેસ બ્રાન્ડ ‘મેન્સ ફેર એન્ડ લવલી’નું નામ બદલીને ‘ગ્લો એન્ડ હેન્ડસમ’ કર્યું હતું. આ નામ સ્થાનિક એફએમસીજી કંપની ઈમામીની ફેરનેસ બ્રાન્ડ ‘ફેર એન્ડ હેન્ડસમ’ જેવું જ હતું. ઈમામીએ 2020માં HUL વિરુદ્ધ તેના ટ્રેડમાર્ક અધિકારોના ઉલ્લંઘનનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. કોર્ટે કહ્યું કે ‘ગ્લો એન્ડ હેન્ડસમ’ નામ ઇમામીની રજિસ્ટર્ડ પ્રોડક્ટ ‘ફેર એન્ડ હેન્ડસમ’ જેવું જ છે, જે ભ્રામક છે. કોર્ટે કહ્યું કે કોઇ ફેમસ અને લીડિંગ પ્રોડક્ટના નામે મહત્વપૂર્ણ હિસ્સાનો ઉપયોગ કરી તેના જેવું જ નામ રાખવું યોગ્ય નથી.
બ્રિટને પોતાના સંબંધીઓને ફેમિલી વિઝા પર સ્પોન્સર કરવા ઈચ્છતા લોકો માટે જરૂરી લઘુતમ આવકની મર્યાદામાં ગુરૂવારથી 55 ટકા જેટલો જંગી વધારો કર્યો છે. બ્રિટનના આ નિર્ણયને પગલે ભારતીય સહિત અન્ય મૂળના બ્રિટિશ નાગરિકો તથા વસાહતીઓ માટે ફેમિલી વિઝાના માધ્યમથી પોતાના સંબંધીઓને સ્પોન્સર કરવાનું મુશ્કેલ બનશે. ગયા વર્ષે સરકાર દ્વારા જાહેર કરાયેલ પગારની મર્યાદામાં વધારો કરાયાને પગલે આ નિર્ણય લેવાયો છે. ગુરૂવારથી અમલી બનેલા આ નવા વધારાને પગલે ફેમિલી વિઝાના માધ્યમથી પોતાના કોઈ સંબંધીને યુનાઈડેટ કિંગડમ બોલાવવા માટે સ્પોન્સરશિપ કરવા ઈચ્છતા વ્યક્તિનું લઘુતમ વાર્ષિક વેતન 29,000 પાઉન્ડ હોવું ફરજિયાત બનાવાયું છે. અગાઉ આ શ્રેણી હેઠળ લઘુતમ વાર્ષિક વેતન 18,600 પાઉન્ડ હતું. આવતા વર્ષથી આ વેતનની આ લઘુતમ જરૂરિયાતને સ્કીલ્ડ વર્કર વિઝાની શ્રેણી માટે નક્કી કરાયેલી 38,700 પાઉન્ડની ટોચમર્યાદાને સમકક્ષ બનાવવા તેમાં પણ બે ગણો વધારો કરાશે.
આઇફોન ઉત્પાદક એપલે ભારત અને વિશ્વના 91 દેશોના તેના યુઝર્સને પેગાસસ જેવા અત્યાધુનિક સ્પાયવેર એટેકની ચેતવણી જારી કરી છે. આવા સ્પાયવેર એટેકથી સામાન્ય યુઝર્સને નહીં, પરંતુ રાજકીય નેતાઓ, પત્રકારો, કાર્યકરો, રાજદ્વારીઓ જેવા ખાસ લોકોને શિકાર બનાવવામાં આવે છે. એપલે ભારત સહિત 91 દેશોમાં તેના વપરાશકર્તાઓને ચેતવણી મેલ મોકલ્યો છે, જેઓ ‘મર્સનરી સ્પાયવેર’ હુમલાના સંભવિત શિકાર બની શકે છે. આ સ્પાયવેર ઈઝરાયેલના NSO ગ્રુપના પેગાસસ જેવું છે. આવા હુમલા સામાન્ય સાયબર ગુનાઓથી અલગ હોય છે, જેનો હેતુ ઉપકરણની અનધિકૃત ઍક્સેસ મેળવવાનો છે. ‘મર્સનરી સ્પાયવેર’ હુમલાખોરો અમુક ચોક્કસ લોકો અને તેમના ઉપકરણોને લક્ષ્ય બનાવવા માટે બહુ વધારે સંસાધનોનો ઉપયોગ કરે છે. આ સ્પાયવેર હુમલામાં લાખો ડોલરનો ખર્ચ થાય છે. તેઓ શોધવા અને રોકવા માટે ખૂબ જ મુશ્કેલ છે.
આગામી લોકસભા ચૂંટણી પછી મોબાઇલ ફોનના દરોમાં 15 થી 17 ટકાનો વધારો થવાની સંભાવના છે. એરટેલને તેનો સૌથી વધારે ફાયદો થશે તેમ તેમાં જણાવાયું છે.એન્ટિક સ્ટોક બ્રોકિંગના રિપોર્ટ અનુસાર લોકસભાની ચૂંટણી જૂનની શરૂઆતમાં પૂરી થઈ રહી છે. 4 જૂને પરિણામ છે. ત્યાર પછી તરત જ ટેલિકોમ દરોમાં વધારો થવાની ધારણા છે. આ અગાઉ ડિસેમ્બર 2021માં ટેરિફ 20 ટકા વધ્યા હતા. જિયો અને એરટેલ તેના પ્રીમયિમ યૂઝર્સને આપતો અનલિમિટેડ ડેટાને પણ બંધ કરી શકે છે. ટેરિફમાં વધારાનો નિર્ણય જૂન-જુલાઇ સુધી કંપનીઓ લઇ શકે છે. કેટલાક એક્સપર્ટ્સનું માનવું છે કે મોબાઇલ ફોન સર્વિસ 20 ટકા મોંઘી થઇ જશે. તો 4Gના બદલે 5G સર્વિસ માટે 5-10% સુધી વધુ ચાર્જ પણ વસૂલવામાં આવી શકે છે.
સેક્સટોર્શનના દૂષણને ડામવા માટે ઇન્સ્ટાગ્રામ તેના પ્લેટફોર્મ પર એક નવું ફીચર લાવી છે. એ માટે નવા ટુલ્સ આવી ગયા છે. આ ફીચર ડાયરેક્ટ મેસેજિસમાં નગ્ન કે ન્યૂડ ફોટોગ્રાફને ઓટોમેટિક બ્લર કરી દેશે. આનાથી યુવા યુઝર્સને રક્ષણ મળશે અને સેક્સ સ્કેમ પર નિયંત્રણ આવશે. આ ફીચર 18 વર્ષથી ઓછી વયના કિશોરો માટે વૈશ્વિક સ્તરે ડિફોલ્ટ રૂપે ચાલુ કરવામાં આવશે. એડલ્ટ યુઝર્સને આ ફીચર સક્રિય કરવા માટે પ્રોત્સાહિત કરતા નોટિફિકેશન મળશે. મહત્વનું છે કે યુવાનોની સુરક્ષા માટે પૂરતું કામ ન કરવા બદલ ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા કંપનીઓની ટીકામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઇન્સ્ટાએ આ હિલચાલ આદરી છે.
ગુજરાતમાં જીવન વીમા કવરમાં મહિલાઓની સ્થિતિ દયનીય છે. ઇરડાના એક રિપોર્ટ અનુસાર જીવન વીમા કવરની બાબતમાં ગુજરાતની મહિલાઓનો નંબર સૌથી નીચેના પાંચ રાજ્યોમાં આવે છે. ગુજરાત એક ઔદ્યગિક રાજ્ય હોવા છતાં અહીં ફક્ત 29 ટકા મહિલાઓ પાસે જીવન વીમો છે. જ્યારે નેશનલ એવરેજ 34 ટકા છે. રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2022-23માં કુલ 2.84 કરોડ પોલિસી ઇશ્યૂ કરવામાં આવી હતી જેમાંથી કુલ 97.38 લાખ પોલિસી મહિલાઓના નામે હતી. જે કુલ પોલિસીના 34.20 ટકા થાય છે. મહિલા પોલિસીની બાબતમાં બોટમ 5 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લદ્દાખ, હરિયાણા, જમ્મૂ-કાશ્મીર, યુપી અને ગુજરાતનો સમાવેશ થાય છે. તો ટોપ 5માં કર્ણાટક, કેરળ, મિઝોરમ, સિક્કીમ, મેઘાલય આવે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો