IT Sector અને Tech Startups શું આ ખરાબ સમયમાંથી બહાર આવી શકશે?

IT ઇન્ડસ્ટ્રીમાં આ વર્ષે જુન સુધી દુનિયાભરમાં ટેક કંપનીઓએ 35,000થી વધુ લોકોને નોકરીમાંથી છૂટા કર્યા છે.

  • Team Money9
  • Last Updated : August 13, 2022, 10:31 IST
IT Sector અને Tech Startups શું આ ખરાબ સમયમાંથી બહાર આવી શકશે?

Money9: અમેરિકામાં મંદીનો પડછાયો આખી દુનિયાને બેચેન કરી રહ્યો છે. ખરાબ હાલતનો સામનો કરી રહેલી ભારતની ટેક ઇન્ડસ્ટ્રી માટે આ સંજોગો વધારે જોખમી સાબિત થઇ રહ્યાં છે. IT ઇન્ડસ્ટ્રી અને ટેક સ્ટાર્ટઅપ્સે આ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળવાના જે ઉપાયો શોધ્યા છે તેમાં સૌથી ઉપર છે કર્મચારીઓને નોકરીઓમાંથી કાઢી મુકવા…આવી સ્થિતિમાં આખુ IT સેક્ટર છટણીના ખરાબ તબક્કામાં પસાર થઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

IT સેક્ટરમાં છટણી

IT ઇન્ડસ્ટ્રીમાં લેઑફને ટ્રેક કરનારી layoffs.fyi અનુસાર, આ વર્ષે જુન સુધી દુનિયાભરમાં ટેક કંપનીઓએ 35,000થી વધુ લોકોને નોકરીમાંથી છૂટા કર્યા છે. સારા ભવિષ્ય અને ઊંચા પગારની આશાઓ રાખી ટેક સેક્ટરમાં આવનારાના સપના પણ તૂટતા નજરે પડી રહ્યાં છે. અને એવું પણ નથી કે હાલત ટુંકાગાળામાં સુધરી જશે. layoffsના આંકડા જણાવે છે કે એકલા મે મહિનામાં જ ટેક સેક્ટરમાં 15,000થી વધુ લોકોને નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે.

છટણી કરનારી કંપનીઓની યાદી ઘણી લાંબી છે. જૂનમાં જ ક્રિપ્ટો પ્લેટફોર્મ કૉઇનબેઝે પોતાના કર્મચારીઓમાંથી 18 ટકાને પિંક સ્લીપ પકડાવી દીધી. નંબરના હિસાબે જોઇએ તો 1,100 લોકોની નોકરીઓ જતી રહી. કંપનીના CEO બ્રાયન આર્મસ્ટ્રોંગે કહ્યું છે કે 10-11 વર્ષ બાદ તેમને ફરીએકવાર મંદીના ભણકારા સંભળાઇ રહ્યા છે. મંદીના આ ડરના જ કારણે ટેક કંપનીઓમાં તાબડતોબ છટણીનું પ્રોગ્રામિંગ શરૂ થઇ ગયું છે. મહત્વની વાત એ છે કે છટણીના આ આંકડા ફક્ત જૂનના જ છે.

IT સેક્ટરમાં કંપનીઓ ફક્ત હાલના કર્મચારીઓને જ પાણીચુ નથી પકડાવી રહી…કંપનીઓ નવા હાયરિંગને રોકવાની સાથે જ તેને ભવિષ્ય માટે પણ ટાળી રહી છે. આ સંખ્યા હજારોમાં છે.

હાયરિંગ બંધ

એવું નથી કે નાની ટેક ફર્મો કે સ્ટાર્ટઅપ્સ જ આની અસર હેઠળ છે…દિગ્ગજ કંપનીઓ પણ આ આંધીમાં ઉડી રહી છે. મેટા અને ટ્વિટરે પોતાના હાયરિંગને ક્યાં તો સુસ્ત કરી દીધું છે અથવા તો બંધ કરી દીધું છે. નેટફ્લિક્સ, પેલોટૉન (Peloton) અને રૉબિનહુડે છટણી કરવી પડી છે.

દુનિયાભરમાં ઉંચી મોંઘવારી, રશિયા-યૂક્રેન યુદ્ધ સહિત તમામ ફેક્ટર્સના કારણે ટેક સેક્ટર મંદીના ચક્રમાં આવી ચૂક્યું છે. ખરાબ હાલતની અસર ટેક સ્ટોક્સ પર પણ જોવા મળી રહી છે. ટેક હેવી નાસ્ડેક ઇન્ડેક્સ આ વર્ષે જાન્યુઆરીથી 30 ટકાથી વધુ નીચે આવી ગયો છે. મંદીનો ડર એટલા માટે પણ આ ઉદ્યોગ પર હાવી છે કારણ કે 2008 બાદ પહેલીવાર નાસ્ડેકમાં આટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે. 2008માં નાસ્ડેક 48 ટકા નીચે આવી ગયો હતો.

હવે ભલે કેટલાક સર્વે ભારતમાં મંદીની શક્યતાને ઝીરો ગણાવતા હોય પરંતુ એટલું સમજી લો કે જો અમેરિકામાં રિસેશન આવશે તો ભારતની દશા પણ બગડશે.

આઇટી શેરમાં ગાબડાં

2008ના સબ-પ્રાઇમ ક્રાઇસિસનો ઇતિહાસ બહુ વધારે જુનો નથી. ભારતના ટેક સ્ટોક્સને જ જોઇ લો..છેલ્લા 8 થી 9 મહિનામાં કોઇ સ્ટોક 50 ટકા તો કોઇ 60 ટકા ઘટ્યો છે. TCS, Infosys જેવા દિગ્ગજ શેર ઉંધા માથે પટકાયા છે. ઝોમેટો, પેટીએમ જેવાનો ઉલ્લેખ કરવો એટલે દાઝ્યા પર ડામ આપવા જેવું છે.
આ આફત ભારતમાં ટેક સેક્ટરને છટણી માટે મજબૂર કરી રહી છે. ક્રંચબેઝનો રિપોર્ટ જણાવે છે કે આ વર્ષે ભારતીય સ્ટાર્ટઅપ્સે અત્યાર સુધી 12,000થી વધુ લોકોને નોકરીમાંથી છૂટા કર્યા છે. હાલત તો એટલી હદે ખરાબ છે કે વર્ષના અંત સુધી અંદાજે 60,000 એમ્પ્લોઇ છટણીનો શિકાર બની શકે છે.

ટેક સ્ટાર્ટઅપ્સમાં મોટાપાયે છટણીથી જેણે મોટી મોટી આશાઓ સાથે કંપનીઓ જોઇન કરી હતી તે તમામ કર્મચારીઓ ડરેલા છે. ભારતનું IT સેક્ટર મોટી સંખ્યામાં અમેરિકા અને યૂરોપ પર આધારિત હોવાથી મુશ્કેલીઓ પણ વધારે દેખાઇ રહી છે.

આવા સંજોગોમાં અમેરિકામાં મંદી IT સેક્ટરને એક ખરાબ સમયમાં ધકેલી શકે છે. પહેલેથી જ બેરોજગારીનો સામનો કરી રહેલા આપણા દેશ માટે આ જોખમ ખેરખર ઘણું મોટું છે. જો આ ક્રાઇસિસ વધારે ઘેરું બનશે તો એન્જિનિયરિંગ કૉલેજમાંથી નીકળીને સારા પેકેજમાં ટેક કંપનીઓ જોઇન કરવાની આશા રાખતા વિદ્યાર્થીઓના સપના હવામાં લટકી જશે.

Published: August 13, 2022, 10:25 IST