કઇ ભારતીય કંપની બની દુનિયાની સૌથી મજબૂત ઇન્સ્યોરન્સ બ્રાન્ડ? વીમા સરેન્ડરના નિયમોમાં થયો શું ફેરફાર? Radio

કઇ ભારતીય કંપની બની દુનિયાની સૌથી મજબૂત ઇન્સ્યોરન્સ બ્રાન્ડ? વીમા સરેન્ડરના નિયમોમાં થયો શું ફેરફાર? લકઝરી મકાનોના વેચાણમાં થયો કેટલો વધારો?

કઇ ભારતીય કંપની બની દુનિયાની સૌથી મજબૂત ઇન્સ્યોરન્સ બ્રાન્ડ? વીમા સરેન્ડરના નિયમોમાં થયો શું ફેરફાર?  Radio

Money9: દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે. LICને વિશ્વની સૌથી મજબૂત વીમા બ્રાન્ડ તરીકે પસંદ કરવામાં આવી છે. LIC એ વિશ્વની તમામ અગ્રણી વીમા કંપનીઓને પાછળ છોડી દીધી છે અને યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે… બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્સ્યોરન્સ 100ના રિપોર્ટ અનુસાર, LICની બ્રાન્ડ વેલ્યુ 9.8 બિલિયન ડોલર અંદાજવામાં આવી છે. LIC ને બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ પર 88.3 નો સ્કોર મળ્યો છે અને તેને AAA રેટિંગ પણ મળ્યું છે… આ રિપોર્ટમાં કેથે લાઇફ ઇન્શ્યોરન્સ બીજા ક્રમે છે. જ્યારે NRMA ઇન્શ્યોરન્સે ત્રીજું સ્થાન મેળવ્યું છે…

મજબૂત માંગને કારણે, 2023માં 50 કરોડ રૂપિયા અને તેનાથી વધુની કિંમતના વૈભવી ઘરોનું વેચાણ મૂલ્યની દ્રષ્ટિએ 51 ટકા વધીને 4,319 કરોડ રૂપિયા થયું છે. આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 45 લક્ઝરી મકાનો વેચાયા હતા. 2022 માં આ પ્રાઇસ કેટેગરીમાં 2,859 કરોડ રૂપિયાના ઓછામાં ઓછા 29 મકાનો વેચાયા હતા. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ જેએલએલ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, 2023માં વેચાયેલા લક્ઝરી મકાનોમાં બંગલા અને એપાર્ટમેન્ટ બંનેનો સમાવેશ થાય છે. જેએલએલ ઇન્ડિયાના મુખ્ય અર્થશાસ્ત્રી સામંતક દાસે જણાવ્યું કે, 2023માં વેચાયેલા 45 લક્ઝરી ઘરોમાંથી 14ની કિંમત 100 કરોડ રૂપિયા કે તેનાથી વધુ હતી. આમાંથી મોટા ભાગના એટલે કે 79 ટકા મુંબઈમાં વેચાયા છે.

લોકસભા ચૂંટણી બાદ તમારું મોબાઈલ બિલ વધી શકે છે… ટેલિકોમ કંપનીઓ જુલાઈથી મોબાઈલ ટેરિફમાં 20 ટકા સુધીનો વધારો કરી શકે છે… ટેલિકોમ કંપનીઓએ પ્રીપેડ અને પોસ્ટપેડ બંને મોબાઈલ ટેરિફ વધારવાની તૈયારી લગભગ પૂર્ણ કરી લીધી છે. વાસ્તવમાં ટેલિકોમ સેક્ટર તેની સ્થિતિ સુધારવા પર ધ્યાન આપી રહ્યું છે. મોટી કંપનીઓને બીજા ક્વાર્ટરમાં આવકમાં નુકસાન થયું છે. નુકસાની છતાં, વધતી હરીફાઈ અને ગ્રાહકો ગુમાવવાના ડરને કારણે કંપનીઓ રેટમાં વધારો નહોતી કરી શકતી… એરટેલ અને VIએ તાજેતરમાં મોબાઈલ રેટ વધારવાની માંગ કરી હતી. આ કંપનીઓ ઈચ્છે છે કે average revenue per user એટલે કે ARPU વધારવી જોઈએ. ARPU એ કોઈપણ ટેલિકોમ કંપનીની નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવાનું એક માધ્યમ છે. આવી સ્થિતિમાં, કંપનીઓ ARPU સુધારવા માટે દરમાં વધારો કરી શકે છે… મોબાઇલ ટેરિફના ભાવમાં છેલ્લે નવેમ્બર 2021માં વધારો કરવામાં આવ્યો હતો… તે સમયે પણ ટેલિકોમ કંપનીઓએ ટેરિફમાં 20 થી 25 ટકાનો વધારો કર્યો હતો.

સરકાર મિનિમમ વેજ કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે. કામદારોના હિતોના રક્ષણ માટે સરકાર મિનિમમ વેજના બદલે લિવિંગ વેજ સિસ્ટમ દાખલ કરશે. નવા કાયદાથી કામદારોને વેતનના સંદર્ભમાં ફાયદો થશે. ભારતમાં લગભગ 50 કરોડ શ્રમિક છે, જેમાંથી 90 ટકાથી વધુ અસંગઠિત સેક્ટરમાં છે. આ શ્રમિકોને બહુ ઓછો પગાર મળે છે. આ શ્રમિકોનો પગાર વધારવા માટે દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તરે મજૂર સંગઠનો દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2025 સુધીમાં આ કાયદાની પ્રક્રિયામાં ફેરફાર થવાના શરૂ થઇ જશે.

આજકાલ નાના બાળકો પણ સોશિયલ મીડિયા પર એટલા જ એક્ટિવ છે જેટલા મોટાઓ હોય છે. ઘણીવાર બાળકો સોશિયલ મીડિયા પર એવી વસ્તુઓ જુએ છે જે તેમના માનસપટ પર નકારાત્મક અસર કરતી હોય છે. આવી શક્યતાને સમાપ્ત કરવા માટે અમેરિકાના ફ્લોરિડામાં એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. હકીકતમાં, ફ્લોરિડાએ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર કડક નિયંત્રણો લાદવાનો ખરડો લાવ્યો છે. ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસે 14 વર્ષથી ઓછી ઉંમરના સગીરોને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ રાખવા પર પ્રતિબંધ મૂકતા બિલ પર હસ્તાક્ષર કર્યા છે. જો આ બિલ મંજૂર થઇ જશે તો, ફ્લોરિડામાં, જાન્યુઆરી 2025થી 14 કે 15 વર્ષના બાળકોને મેટા પ્લેટફોર્મ અને ટિકટોક પર પણ તેમના એકાઉન્ટ બનાવવા માટે માતાપિતાની પરવાનગી લેવી પડશે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના વર્તમાન એકાઉન્ટ્સ દૂર કરવા પડશે.

જો તમે ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને વિદેશમાં લિબરાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ એટલે કે LRSની 20 ટકા TCSની જોગવાઇમાંથી છટકવા માંગો છો તો કદાચ તમારી ઇચ્છા અધુરી રહેશે. રિઝર્વ બેંકે તમામ બેંકોને પહેલી એપ્રિલથી LRS અંતર્ગત ફોરેને ક્રેડિટ કાર્ડથી થતા ખર્ચ પર 20 ટકા TCS કાપવા તૈયાર રહેવા જણાવ્યું છે. બેંકોએ પણ તેમની સિસ્ટમને ઇન્ટિગ્રેટ કરવાની શરૂઆત કરી દીધી છો. જો ચૂંટણીની આચારસંહિતાનો ભંગ નહીં થતો હોય તો તેના અમલની પૂરેપુરી શક્યતા છે. મહત્વનું છે કે એલઆરએસ સ્કીમ હેઠળ કોઇપણ ભારતીય વિદેશમાં 2.5 લાખ ડોલરનો ખર્ચ કરી શકે છે. આનાથી વધારે ખર્ચ કરે તો 20 ટકા ટીસીએસ લાગે છે.

વીમા નિયામકે સરેન્ડર અંગેના નિયમો બદલ્યા છે. નવા નિયમ અનુસાર જો વીમા પોલિસી ખરીદ્યાના 3 વર્ષમાં જ તેને સરેન્ડર કરાશે તો સરેન્ડર વેલ્યૂ એટલી જ રહેશે અથવા તેના કરતાં પણ ઓછી રહેશે. પોલિસી ખરીદ્યાના ચારથી સાત વર્ષમાં સરેન્ડર કરવામાં આવશે તો વેલ્યૂમાં સાધારણ ઘટાડો થશે. જો પોલિસીધારક પોલિસીના સમયગાળા દરમિયાન પોલિસી સરેન્ડર કરે તો અર્નિંગ્સ અને સેવિંગ્સ પોર્શન તેને મળવાપાત્ર રહેશે. ઇરડાએ કહ્યું છે કે નવા નિયમો વીમા ક્ષેત્રના નિષ્ણાંતો, વીમા કંપનીઓ અને વીમા ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય લોકો સાથે ચર્ચા-વિચારણા કરીને અને જનતાના અભિપ્રાયના આધારે લેવામાં આવ્યા છે.

ભારતીય ખેડૂત અને અર્થતંત્ર માટે સારા સમાચાર આવી રહ્યા છે. હવામાનની આગાહી કરતી સંસ્થા એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન ક્લાઇમેટ સેન્ટરે આગાહી કરી છે કે ભારતમાં આ વર્ષે ચોમાસું સામાન્યથી સારું રહેશે. અગાઉ, ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું હતું કે મે પછી અલ નીનોના ઘટતા પ્રભાવ અને પેસિફિક ક્ષેત્રમાં નોંધપાત્ર લા-નીનાની સ્થિતિને કારણે ભારતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન પુષ્કળ વરસાદ થવાની સંભાવના છે. IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે સતત અલ નીનોની સ્થિતિ આ વર્ષે ઉનાળાની ઋતુમાં તીવ્ર ગરમી લાવે તેવી શક્યતા છે. જો કે, પ્રવર્તમાન અલ નીનોની સ્થિતિ ઉનાળાની ઋતુ પછી તટસ્થ થવાની સંભાવના છે.

Published: March 27, 2024, 14:59 IST