શું બૉન્ડ યીલ્ડ હજુ વધશે? કોણ લાવી રહ્યું છે IPO? FD પર કોણ આપે છે વધુ વ્યાજ?

RBIની તાજેતરની બેઠક બાદ લાંબા ગાળાના બૉન્ડનું આકર્ષણ વધ્યું છે. IPO માર્કેટમાં ફરી ધમધમાટ શરૂ થવાનો છે. આવી મહત્ત્વની ખબર જાણવા માટે જુઓ આ વીડિયો...

  • Team Money9
  • Last Updated : August 10, 2022, 22:00 IST
MONEY TIME

MONEY TIME

MONEY TIME

MONEY9: અહીં રજૂ કરેલાં કમાણી, બચત અને ખર્ચ અંગેના સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે.

આઠમું પગારપંચ સ્થાપવાની અત્યારે તો કોઈ યોજના નથીઃ સરકાર
સરકારી કર્મચારીઓને આ ખબર નિરાશ કરશે, કારણ કે, આઠમું પગારપંચ બનવાની કોઈ શક્યતા દેખાતી નથી. રાજ્યકક્ષાના નાણામંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું છે કે, સરકાર અત્યારે આઠમા કેન્દ્રીય પગારપંચની રચના કરવાની યોજના ધરાવતી નથી. એટલે કે, કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં અત્યારે કોઈ રિવિઝન નહીં થાય, પરંતુ માત્ર ડિઅરનેસ અલાઉન્સમાં દર છ મહિને રિવિઝન થતું રહેશે. કેન્દ્રની જેમ રાજ્ય સરકારના કર્મચારીઓના પગારમાં પણ કોઈ ફેરફાર નહીં જોવા મળે. કેન્દ્રીય કર્મચારીઓને અત્યારે તો સાતમા પગારપંચના આધારે પગાર મળે છે અને આ પગારપંચ 2014માં સ્થપાયું હતું.

SGS Technology લાવશે Rs.840 કરોડનો IPO
છેલ્લે IPO આવ્યો તેને બે મહિના વીતી ગયા છે. રોકાણકારો નવા IPOની રાહ જોઈ રહ્યાં છે અને તેમની આ પ્રતીક્ષા પૂરી થવાની તૈયારીમાં છે. કારણ કે, એક કંપનીનો IPO આવી રહ્યો છે. ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસિસ કંપની સિરમા એસ.જી.એસ. ટેકનોલોજી 12 ઓગસ્ટે IPO લૉન્ચ કરી રહી છે. 840 કરોડ રૂપિયાનો આ IPO 18 ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે. નાના રોકાણકારો માટે 35 ટકા હિસ્સો રિઝર્વ્ડ રાખવામાં આવ્યો છે. કંપનીએ એક શેરની કિંમત 209 રૂપિયાથી 220 રૂપિયા નક્કી કરી છે. એક લોટ 68 શેરનો છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ 30થી 35 રૂપિયા બોલાઈ રહ્યું છે. આ શેરનું લિસ્ટિંગ 26 ઓગસ્ટે થવાનું છે.

ફંડ મેનેજર્સમાં વધ્યું લૉન્ગ-ટર્મ બૉન્ડ્સનું આકર્ષણ
મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસે લૉન્ગ-ડ્યુરેશન બૉન્ડ્સમાં રોકાણ કરવાની તૈયારી હાથ ધરી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મ્યુચ્યુઅલ ફંડના મેનેજર્સનું માનવું છે કે, પાંચમી ઓગસ્ટે મળેલી રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાની મોનેટરી પૉલિસી કમિટીની બેઠકમાં જે નિર્ણયો લેવાયા તેના કારણે, બૉન્ડ્સ જેવા નાણાકીય સાધનોનું આકર્ષણ વધ્યું છે. આથી, જ આ બેઠક પછી સરકારના દસવર્ષીય બૉન્ડની યીલ્ડ બે ટકા વધીને 7.30 ટકા થઈ હતી. સોમવારે પણ તેમાં 0.05 ટકા વધારો થયો હતો અને મંગળવારે તે 7.338 ટકાએ પહોંચી હતી. ફંડ મેનેજર્સનું કહેવું છે કે, લૉન્ગ-ડ્યુરેશન બૉન્ડ્સની યીલ્ડમાં હજુ પણ વૃદ્ધિ થશે અને ફિક્સ્ડ ડિપૉઝિટ કરતાં વધારે વળતર મળવાની અપેક્ષા છે. વળી, બેન્કો પાસે પર્યાપ્ત લિક્વિડિટી હોવાથી એફડીના ઈન્ટરેસ્ટ રેટમાં વધારો થવાની શક્યતા પણ નથી. આવી પરિસ્થિતિમાં જો તમે ફિક્સ્ડ સાધનોમાં પૈસા મૂકીને એફડી કરતાં વધુ રિટર્ન કમાવવા ઈચ્છતા હોવ તો, બૉન્ડમાં ઈન્વેસ્ટ કરવાનો વિકલ્પ અપનાવી શકો છો.

ICICI Bankએ FDના વ્યાજ દર વધાર્યાં
ખાનગી સેક્ટરની અગ્રણી બેન્ક ICICI બેન્કના ગ્રાહકોને હવે તમામ મુદતની એફડી પર વધુ વ્યાજ મળશે. ICICI બેન્કે 1 વર્ષથી 389 દિવસની એફડીનો ઈન્ટરેસ્ટ રેટ વધારીને 5.75 ટકા કર્યો છે. ICICI બેન્કનો આ રેટ સૌથી ઊંચો છે. પણ ધ્યાન રાખજો, આ ઈન્ટરેસ્ટ રેટ માત્ર બે કરોડ રૂપિયાથી પાંચ કરોડ રૂપિયાની એફડી માટે જ છે. જો કોઈ સીનિયર સીટિઝન આટલી રકમની એફડી કરશે તો તેને પણ રેગ્યુલર સીટિઝન જેટલું જ વ્યાજ ચૂકવવામાં આવશે. પરંતુ, જો સીનિયર સીટિઝન બે કરોડ રૂપિયાથી ઓછી રકમની એફડી કરાવે તો, ICICI બેન્ક વધારે વ્યાજ આપે છે. ICICI બેન્કમાં વિવિધ મુદતની એફડી પર હવે 3.25 ટકાથી 5.75 ટકાની રેન્જમાં વ્યાજ મળશે.

શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સે FDના વ્યાજ દર વધારીને 9% કર્યાં
ત્રિપલ એ રેટિંગ ધરાવતી NBFC એટલે કે, નૉન-બેન્કિંગ ફાયનાન્સ કંપની શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સે ફિક્સ્ડ ડિપોઝિટના ઈન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો છે. આ NBFCમાં એફડી કરનાર ગ્રાહકને હવે 9 ટકા સુધી વ્યાજ મળશે. પરંતુ શરત એ છે કે, આ જ બેન્કમાં તમારી એક એફડી ચાલુ હોવી જોઈએ. જો તમે જૂની એફડી રિન્યુ કરાવશો તો જ, તમને 9 ટકા વ્યાજ દરનો લાભ મળશે. જો તમે સીનિયર સીટિઝન હશો, તો તમને અડધો ટકા વધુ વ્યાજ મળશે. એટલે કે, જો કોઈ સીનિયર સીટિઝન આ બેન્કમાં અગાઉ કરેલી એફડી રિન્યૂ કરાવશે તો તેને સાડા નવ ટકા વ્યાજ કમાવાની તક મળશે.

ટામેટાં, ડુંગળીનાં ભાવમાં વધુ ઘટાડો થશે
ખાદ્ય તેલનાં ભાવમાં રાહત મળ્યાં બાદ હવે, ટામેટાં અને ડુંગળીની મોંઘવારીમાં પણ થોડીક રાહત મળી છે. જુલાઈમાં માર્કેટયાર્ડ્સમાં ટામેટાંના ભાવ માસિક ધોરણે 25 ટકા ઘટ્યા છે જ્યારે ડુંગળીના ભાવ 8 ટકા ઘટ્યા છે. અત્યારે એક કિલો ટામેટાં 30થી 40 રૂપિયે વેચાઈ રહ્યાં છે. જૂન મહિનામાં દેશનાં કેટલાક રાજ્યોમાં એક કિલો ટામેટાંના ભાવ વધીને 90થી 100 રૂપિયા થઈ ગયા હતા. એક કિલો ડુંગળી 20થી 22 રૂપિયાની રેન્જમાં વેચાઈ રહી છે. સરકારે પણ ડુંગળીનો પૂરતો બફર સ્ટૉક ભેગો કરી લીધો હોવાની ખાતરી આપી છે અને જણાવ્યું છે કે, આટલા બફર સ્ટૉકને લીધે છેક ડિસેમ્બર સુધી ભાવ અંકુશમાં રહેશે. ખાદ્ય ફુગાવાને કારણે સામાન્ય લોકો બૂમો પાડી રહ્યાં છે ત્યાસે ટામેટાં અને ડુંગળીના ભાવમાં થયેલો ઘટાડો મોટી રાહતસમાન છે.

હ્યુન્ડાઈએ લૉન્ચ કરી નવી TUCSON SUV
ભારતનાં SUV માર્કેટમાં ગળાકાપ સ્પર્ધા છે કારણ કે, લોકોમાં SUVનું આકર્ષણ વધી રહ્યું છે. આ પરિસ્થિતિનો લાભ લઈને હ્યુન્ડાઈ મોટર્સે 10 ઓગસ્ટે તેની ફોર્થ જનરેશન ટ્યૂસોન SUV લૉન્ચ કરી છે. વિદેશનાં માર્કેટ્સમાં ઉપલબ્ધ આ કાર હવે ભારતમાં પણ મળશે. હ્યુન્ડાઈએ ચાલુ વર્ષે તેની કોમ્પેક્ટ SUV વેન્યુ રિ-લોન્ચ કરી હતી અને હવે ટ્યૂસોન પણ નવા સ્વરૂપમાં લોન્ચ કરી છે. ગ્રાહકો 50 હજાર રૂપિયામાં આ SUVનું બૂકિંગ કરાવી શકશે. હ્યુન્ડાઈની નવી ટ્યૂસોનની કિંમત 25 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જેમાં છ એરબેગ સહિતના અનેક અત્યાધુનિક ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટોયોટાની Urban Cruiser પર 75,000 સુધીનું ડિસ્કાઉન્ટ
જો તમે કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં હોવ, તો આગામી દિવસોમાં ફાયદાનો સોદો થઈ શકે છે. કાર કંપનીઓએ ફેસ્ટિવ સીઝનને ધ્યાનમાં રાખીને 75 હજાર રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. જેમકે, ટોયોટા તેની અર્બન ક્રૂઝર પર 40 હજારથી 75 હજાર રૂપિયાની રેન્જમાં ડિસ્કાઉન્ટ આપી રહી છે. મારુતિ તેની એસ-પ્રેસો, સેલેરિયો અને સ્વિફ્ટ કાર પર 9 હજારથી 64 હજાર રૂપિયાની રેન્જમાં ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે ટાટા મોટર્સની ટિયાગો, ટિગોર, હેરિયર કે સફારી ખરીદશો, તો તમને 20 હજારથી લઈને 40 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. જેમ-જેમ તહેવારો નજીક આવતાં જશે, તેમ-તેમ વધુ ને વધુ ઓટો કંપનીઓ વિવિધ પ્રકારની ઑફર્સ અને ડિસ્કાઉન્ટની જાહેરાત કરશે.

Royal Enfieldએ લૉન્ચ કર્યા બે વેરિયન્ટ
પાવરફુલ અને પ્રીમિયમ ટુ-વ્હીલર ચલાવવા માંગતા લોકો માટે માર્કેટમાં વધુ એક ઓપ્શન લૉ઼ન્ચ થયો છે. અગ્રણી ટુ-વ્હીલર કંપની રોયલ એનફિલ્ડે દોઢ લાખ રૂપિયાની કિંમતની નવી હન્ટર-350 મોટરસાઈકલ લૉન્ચ કરી છે. આ મોટરસાઈકલના બે વેરિયન્ટ લૉન્ચ કરવામાં આવ્યા છે, રેટ્રો અને મેટ્રો. આ ટુ-વ્હીલરમાં 349 સીસીનું એન્જિન ફિટ કરવામાં આવ્યું છે. આ મોટરસાઈકલમાં લિટરે 36.2 કિલોમીટરનું માઈલેજ અને 114 કિલોમીટર પર અવરની ટૉપ-સ્પીડ મળશે.

 

Published: August 10, 2022, 21:28 IST