ઉનાળાની શરૂઆતમાં જળાશયો સૂકાયા: ભરઉનાળે શું થશે? અનાજ, બાગાયતી ખેતીનું શું થશે?

CWCના રિપોર્ટ અનુસાર, દેશનાં 86 જળાશયોમાં પાણીનું સ્તર 40% ઓછું છે અને 24 જળાશયોમાં પાણીનો સંગ્રહ 50%થી પણ ઓછો છે. દેશનાં મુખ્ય 150 જળાશયોમાંથી 6 જળાશયના તળિયા દેખાઈ રહ્યાં છે અને 12 જળાશયમાં પાણીનું સ્તર 10 ટકાની નીચે પહોંચી ગયું છે.

Water Crisis, Summer, Water Storage, Central Water Commiossion, reservoirs, dams, weather, Agriculture, Horticulture, Irrigation, Villages, Rural, Agri, Farmer, Farming, Farm, Kisan, vegetables,

Money9 Gujarati:

ભારતનાં 150 મુખ્ય જળાશયોમાં સતત પચ્ચીસમા સપ્તાહે પાણીનું સ્તર ઘટ્યું છે. ઉનાળાની શરૂઆતમાં જ પાણીની ગંભીર સમસ્યાએ માથું ઊંચક્યું છે ત્યારે ભરઉનાળે પાણીનું સંકટ કેટલું વિકરાળ બનશે તેને લઈને ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. જળાશયોમાં પાણી ઘટવાથી સિંચાઈ આધારિત ખેતી પર નકારાત્મક અસર પડશે, અને ભારતની મહત્તમ ખેતીનો આધાર સિંચાઈ છે. ખેતીવાડી પર અસર પડવાથી ખાદ્ય મોંઘવારીમાં વધારો થશે. ખાસ તો, દક્ષિણ ભારતના ડેમોમાં પાણીની સ્થિતિ ગંભીર છે. જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ પાણીનું પ્રમાણ ઝડપથી ઘટી રહ્યું છે. ગુજરાતને બાદ કરતાં દેશના અન્ય ભાગોમાં પણ આવી જ સ્થિતિ છે. દક્ષિણ ભારતના 5 મોટા જળાશયો સુકાઈ ગયા છે અને બાકીના 10 ડેમોમાં સંગ્રહ ક્ષમતા એક આંકડામાં પહોંચી ગઈ છે.

સરકારી સંસ્થા સેન્ટ્રલ વોટર કમિશન (CWC) દ્વારા 28 માર્ચ 2024 સુધીના આંકડા જાહેર કરીને એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ સતત 25મું સપ્તાહ છે જ્યારે દેશના 150 મોટા ડેમોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે.

ગુજરાતની સ્થિતિ

CWCના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં 17 મોટા જળાશયો છે, જેમાં પાણીનું સ્તર છેલ્લાં 10 વર્ષના સરેરાશ લેવલ કરતાં 22 ટકા વધારે છે. મહારાષ્ટ્રમાં કુલ 32 મોટા જળાશયો છે, જેમાં પાણીનું સ્તર 12 ટકા ઓછું છે.

50%થી પણ ઓછું પાણી

CWCનો રિપોર્ટ દર્શાવે છે કે, મોટા ડેમોમાં પાણીની માત્રામાં લગભગ 36 ટકાનો ઘટાડો થયો છે. CWC દ્વારા દર સપ્તાહે દેશનાં 150 મુખ્ય ડેમમાં પાણીના સ્તરનો અહેવાલ બહાર પાડવામાં આવે છે. આ વખતના અહેવાલ મુજબ 150 ડેમમાંથી ત્રણ-ચતુર્થાંશ ભાગમાં પાણીનું સ્તર 50 ટકાથી નીચે ગયું છે.

ઉનાળો હજુ પૂરેપૂરો શરૂ થયો નથી ત્યારે જ આ સ્થિતિ છે. જેમ જેમ ગરમી વધશે તેમ પાણીનું સ્તર વધુ નીચે જશે. આનાથી વીજળીની સાથે સાથે સિંચાઈ પર પણ વિપરીત અસર પડી શકે છે.

86% જળાશયોમાં પાણીનું સ્તર 40%થી ઓછું

CWCના રિપોર્ટ અનુસાર, દેશમાં 86 એવા જળાશયો છે જેમાં પાણીનું સ્તર 40 ટકાથી ઓછું છે અને 24 જળાશયોમાં સંગ્રહ 50 ટકાથી ઓછો છે. તમામ જળાશયોના અહેવાલો પર નજર કરીએ તો 6 એવા છે જે સંપૂર્ણપણે સુકાઈ ગયા છે અને એક ડઝનમાં પાણીનું સ્તર સિંગલ ડિજિટ પર પહોંચી ગયું છે.

દક્ષિણ ભારતના રાજ્યોની સ્થિતિ ખરાબ

નવાઈની વાત એ છે કે જે ડેમોમાં અડધાથી પણ ઓછું પાણી બચ્યું છે તેમાંથી મોટાભાગના જળાશયો દક્ષિણ ભારતમાં છે. આ વર્ષે પાણીના સ્તરની સ્થિતિ ગત વર્ષ કરતા પણ વધુ ખરાબ છે. રાજ્યોની વાત કરીએ તો બિહારમાં એક જ જળાશય છે અને તેમાં પણ પાણીનું સ્તર સામાન્ય કરતા 77 ટકા ઓછું થઈ ગયું છે. આંધ્રપ્રદેશમાં ચાર ડેમ છે અને તેમાં પાણીનું સ્તર 73 ટકાથી વધુ નીચે ગયું છે.
તમિલનાડુમાં પાણીનું સ્તર સામાન્ય કરતાં 34 ટકા ઓછું અને કર્ણાટકમાં 22 ટકા ઓછું છે. તેલંગાણાના જળાશયોમાં પાણીનું સ્તર સામાન્ય કરતા 12 ટકા ઓછું છે.

અલ-નીનો છે વિલન

ડેમોમાં પાણીના નીચા સ્તર માટે અલ નીનો જવાબદાર છે. દેશમાં જૂન 2023થી અલ નીનોની અસર જોવા મળી રહી છે. ત્યારથી વરસાદનું પ્રમાણ ઘટી ગયું છે. ઘણા રાજ્યોમાં ચોમાસામાં ઓછો વરસાદ થયો છે જેના કારણે ડેમોમાં ઓછું પાણી જમા થયું છે.

અલ નીનો અને ચોમાસાના વરસાદના અભાવની સૌથી વધુ અસર આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં જોવા મળી છે. આ જ કારણ છે કે દક્ષિણ ભારતના ડેમોમાં પાણીનું સ્તર સૌથી વધુ ઘટી ગયું છે.

ખેતીવાડી પર અસર

ડેમોમાં પાણીના અભાવની અસર ખેતી પર જોવા મળી રહી છે. સામાન્ય પાકો ઉપરાંત બાગાયતી પાકોને પણ પ્રતિકૂળ અસર થાય છે. ડાંગરથી લઈને મસાલા સુધીના વાવેતરને અસર થઈ છે. અનાજથી માંડીને ટામેટાં સુધીના પાક પર વિપરીત અસરો જોવા મળી રહી છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી કેટલાક દિવસો સુધી મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. જેના કારણે ગરમીમાં વધારો થવાની અને પાણીના સ્તરમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે.

 

Published: March 29, 2024, 20:36 IST