MONEY9: ભારત માટે વૈશ્વિક મંદી ખતરનાક સાબિત થઇ શકે છે. તેના પડઘમ અત્યારથી જ સંભળાઇ રહ્યા છે. વૈશ્વિક સ્તરે પડકારોને જોતા દેશની IT કંપનીઓએ ખર્ચા ઘટાડી દીધા છે સાથે જ નવી ભરતીઓ પણ ઘટાડી દીધી છે.
દેશની 3 મોટી IT કંપનીઓમાં સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન થયેલી નવી ભરતીઓની તુલના જો જૂન ક્વાર્ટરમાં થયેલી ભરતીઓ સાથે કરીએ તો 60 ટકા ઓછી નોકરીઓ આપવામાં આવી છે.
રિપોર્ટનું માનીએ તો TCS, ઇન્ફોસિસ અને વિપ્રોએ જૂન ક્વાર્ટર દરમિયાન 50 હજારથી વધુ લોકોને નોકરી આપી હતી. પરંતુ સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન 20 હજારથી થોડાક જ વધુ લોકોને નોકરીએ રાખ્યા છે. વિપ્રોએ તો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નવી ભરતીઓ 96 ટકા ઘટાડી દીધી છે.
ઇન્ટરનેશનલ ડેટા સેન્ટર એટલે કે IDC નો રિપોર્ટ કહે છે કે 2022 દરમિયાન ભારતીય IT કંપનીઓ તરફથી હાર્ડવેર, સોફ્ટવેર અને IT સેવાઓ પર કરવામાં આવતા ખર્ચ, એટલે IT સ્પેન્ડિંગનો ગ્રોથ ગયા વર્ષના મુકાબલે ઓછો રહેશે. IDCએ આ વર્ષે IT સ્પેડિંગનો ગ્રોથ 13.8 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. જ્યારે 2021 દરમિયાન 25 ટકાથી વધુનો ગ્રોથ થયો હતો.
દુનિયાભરમાં કોમ્પ્યુટર્સનું ઘટતું વેચાણ દર્શાવી રહ્યું છે કે ગ્લોબલ IT સેક્ટર પર મંદીની શરૂઆતી અસર પડવાનું શરૂ થઇ ગયું છે અને આનો અંદાજો આવી જતાં ભારતીય IT કંપનીઓએ ખર્ચ ઘટાડવાની સાથે નવી ભરતીઓ પણ ઘટાડી દીધી છે.
IDCનો રિપોર્ટ કહે છે કે સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન દુનિયાભરમાં કોમ્પ્યુટર્સનું શિપમેન્ટ અંદાજે 15 ટકા ઘટ્યું છે. આ વર્ષે જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન દુનિયાભરમાં 7.42 કરોડ કોમ્પ્યુટર્સનું શિપમેન્ટ થયું છે. જ્યારે ગત વર્ષ દરમિયાન આ આંકડો 8.73 કરોડ હતો.
બીજી બાજુ IT સેક્ટરની સામે આવેલા આ પડકારનો બજારને પહેલેથી જ અંદાજો આવી ગયો હતો. આ જ કારણ છે કે ભારત અને દુનિયાભરની દિગ્ગજ IT તથા ટેક કંપનીઓના શેરોમા આ વર્ષે ભારે ઘટાડો થયો છે. ઘણી કંપનીઓનું માર્કેટ કેપ અડધુ રહી ગયું છે. તો ઘણાની માર્કેટમાં ચોથાભાગનો ઘટાડો થયો છે. મંદીની આ શક્યતાને ઓળખી લેતા દુનિયાની દિગ્ગજ ટેક કંપનીઓ પણ ખર્ચા ઘટાડવા પર કામ કરી રહી છે.
ફેસબુક, વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની માલિક કંપની મેટા પોતાને ત્યાં કર્મચારીઓની છટણી અંગે વિચારી રહી છે અને સર્ચ એન્જિન ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટે નવી ભરતીઓ રોકી દીધી છે.
ઘણી એવી કંપનીઓ પણ છે જે ખર્ચા ઘટાડવા માટે કર્મચારીઓના પગારમાં કાપની યોજના બનાવી રહી છે. આ બધી એવી કંપનીઓ છે જેમાં મોટી સંખ્યામાં ભારતીય IT પ્રોફેશનલ કામ કરે છે અને આ કંપનીઓના કોઇપણ કારોબારી પગલાની અસર ભારતીયો પર જરૂર પડશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો