Money9 Gujarati: અમેરિકાની ઈલેક્ટ્રિક કાર કંપની Tesla ભારતમાં પ્રવેશવા માટે વર્ષોથી પ્રયત્નશીલ છે અને આ વખતે તે પાક્કા પાયે પ્રવેશે તેવી શક્યતાએ જોર પકડ્યું છે. Teslaના ભારતપ્રવેશને લઈને હવે નવી હિલચાલ જાણવા મળી છે. કંપની ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોઈન્ટ વેન્ચર રચે તેવી શક્યતાના સમાચાર મીડિયામાં વહેતા થયા છે. સૂત્રોને ટાંકીને Hindu BusinessLineના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, Tesla અત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધિકારીઓ સાથે વાટાઘાટ કરી રહી છે. બંને કંપનીના અધિકારીઓ ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે સંભવિત જોઈન્ટ વેન્ચર રચવાની દિશામાં શક્યતાઓ ચકાસી રહ્યાં છે.
અંબાણીની કંપની અને મસ્કની કંપનીના અધિકારીઓ આ સંભવિત ભાગીદારી અંગે એકાદ મહિનાથી વાતચીત કરી રહ્યાં છે, પરંતુ હજુ સુધી નક્કર નિર્ણય પર પહોંચ્યા નથી. Teslaની એક ટીમ એપ્રિલના અંત સુધીમાં ભારતની મુલાકાતે પણ આવવાની છે અને ગુજરાત, મહારાષ્ટ્ર અથવા તામિલ નાડુમાં જગ્યા પસંદ કરે તેવી શક્યતા છે. ટેસ્લા એવા રાજ્યમાં પ્લાન્ટ નાખવા માંગે છે જ્યાંથી દરિયાઈ માર્ગે નિકાસ સરળતાથી થઈ શકે. શક્યતા છે કે, ટેસ્લાની ટીમ ભારતની મુલાકાત વખતે રિલાયન્સના અધિકારીઓ સાથે પણ બેઠક યોજી શકે છે. ધારો કે, રિલાયન્સ સાથે જોઈન્ટ વેન્ચર ના થાય તો, ટેસ્લા અન્ય કોઈ ભારતીય કંપની સાથે ભાગીદારી કરે તેવી પણ શક્યતા છે.
RIL ઓટોમોબાઈલ સેક્ટરમાં પ્રવેશ નથી કરી રહી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પગલું રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ઓટોમોબાઈલ સેક્ટરમાં એન્ટ્રી તરીકે ન સમજવું જોઈએ. સંયુક્ત સાહસમાં કંપનીના પ્રવેશનો હેતુ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની ક્ષમતા ઉભી કરવાનો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ભૂમિકા હજુ સ્પષ્ટ નથી. પરંતુ તે ભારતમાં ટેસ્લા માટે ઉત્પાદન અને ભાગીદારી માટે ઇકોસિસ્ટમ સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ટેસ્લાએ ભારતમાં તેના આગામી સાહસો માટે 2 અબજ ડૉલરના રોકાણની ફાળવણી કરી હોવાનું કહેવાય છે. કંપની ગુજરાત અથવા મહારાષ્ટ્ર અથવા દક્ષિણ ભારતના કોઈપણ રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી રહી છે. મહારાષ્ટ્ર તેની બંદર સુવિધાઓને કારણે પસંદગીના સ્થળ તરીકે ઉભરી શકે છે, પરંતુ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
આ પ્લાન્ટ મહારાષ્ટ્રમાં સ્થપાઈ શકે છે અહેવાલમાં વધુમાં સૂચવવામાં આવ્યું છે કે ટેસ્લાના વરિષ્ઠ અધિકારીઓ પ્લાન્ટનું સ્થાન નક્કી કરવા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) સાથે સંભવિત સંયુક્ત સાહસ અંગે ચર્ચા કરવા ટૂંક સમયમાં ભારતની મુલાકાત લે તેવી અપેક્ષા છે. જો કે, જો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે ચાલી રહેલી વાટાઘાટો સફળ નહીં થાય, તો ટેસ્લા અન્ય સ્થાનિક ભાગીદારો શોધી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો