Money9: દિલ્હીની એક ખાનગી શાળામાં ટીચર નેહાની જીવન વીમા પોલિસી મેચ્યોર થઈ ગઈ છે. બેંકના બચત ખાતામાં 5 લાખ રૂપિયા જમા છે. જેના પર વ્યાજ દર વાર્ષિક માત્ર 2.7 ટકા છે. નેહાને એક વર્ષ પછી આ પૈસાની જરૂર પડશે. તેને ખબર નથી પડતી કે શું કરવું?
આ સમસ્યા માત્ર નેહાની નથી. ઘણા લોકો પાસે તેમના બચત ખાતામાં મોટી રકમ જમા હોય છે, જેના પર માત્ર ત્રણ ટકા વાર્ષિક વ્યાજ મળે છે. નેહાની જેમ, જો તમારી પાસે તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં મોટી રકમ જમા છે, તો તમે તેની ઓનલાઈન ફિક્સ ડિપોઝીટ એટલે કે FD કરાવી શકો છો. SBI સહિત તમામ બેંકો તેમની મોબાઈલ એપ અને વેબસાઈટ દ્વારા ઓનલાઈન FDની સુવિધા પૂરી પાડી રહી છે. આ પ્રક્રિયા દ્વારા તમે તમારી રકમમાંથી બમણાંથી વધુની કમાણી કરી શકો છો. લગભગ તમામ બેંકો 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FDની સુવિધા આપી રહી છે.
ચાલો હવે જાણીએ કે FD ઓનલાઈન કરવાની પ્રક્રિયા શું છે? ઉદાહરણ તરીકે, નેહાનું ખાતું SBI બેંકમાં છે. આ માટે નેહા બેંકની વેબસાઈટ અથવા યોનો એપ પર જશે અને E-Fixed Deposit નો વિકલ્પ પસંદ કરશે. ત્યારબાદ FDનો પ્રકાર પસંદ કરીને પ્રોસેસ પર ક્લિક કરવું પડશે. પછી પ્રિન્સિપલ એમાઉન્ટ ભરીને મેચ્યોરિટીનો ટાઇમ પીરિયડ ભરવો પડશે. FD સાથે સંબંધિત નિયમો અને શરતોને વાંચીને સબમિટ કરી દો. તેનાથી તમારું FD ખાતું ખુલી જશે. નેટબેંકિંગ દરમિયાન તમને બચત ખાતાની અંદર FD ખાતું દેખાવા લાગશે. અન્ય બેંકોમાં પણ એફડી કરાવવાની લગભગ આવી જ પ્રક્રિયા છે.
નેહા જો તેના 5 લાખ રૂપિયા બચત ખાતામાં જ રાખે તો તેને એક વર્ષમાં 2.7 ટકાના દરે વ્યાજમાં કુલ 13,637 રૂપિયાની કમાણી થશે. SBI હાલમાં એક વર્ષની FD પર 6.80 ટકા વ્યાજ આપી રહી છે. જો નેહા 1 વર્ષની FDમાં 5 લાખ રૂપિયાનું રોકાણ કરે છે, તો તેને મેચ્યોરિટી પર 34,877 રૂપિયાનું વ્યાજ મળશે. નેહાની આ કમાણી બચત ખાતાની સરખામણીમાં અઢી ગણી વધારે છે. જો FDની રકમ વધુ હશે તો આવક પણ વધશે.
હવે તેના ફાયદા વિશે પણ વાત કરી લઇએ…જો તમે ઓનલાઈન એફડી કરાવો છો તો તેનાથી તમારી પાસે પૈસાની ઉપલબ્ધતા જળવાઇ રહેશે. તમે આ રોકાણને કોઈપણ સમયે ટ્રેક કરી શકો છો. જો તમે બેંકમાં જઈને FD કરી હોય અને તમને પાકતી મુદત પહેલા પૈસાની જરૂર પડે તો તમારે પહેલા બેંકની શાખામાં જઈને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. જ્યારે ઓનલાઈન FDને તમે જરૂર પડ્યે ગમે ત્યારે તોડાવી શકો છો. તમારા ખાતામાં તરત જ પૈસા આવી જશે.આનાથી તમારી પાસે પૈસાની લિક્વડિટી જળવાઇ રહેશે. કેટલીક બેંકો સમય પહેલા એફડી તોડાવવા પર કોઇ પેનલ્ટી નથી લેતી. જો તમને બેંક આ સુવિધા આપી રહી છે તો સોનામાં સુગંધ ભળી કહેવાશે. આવી સ્થિતિમાં, જ્યારે પણ તમારા ખાતામાં થોડી વધુ રકમ આવે છે, તો તેની ઑનલાઇન FD કરી શકો છો.
આજકાલ લગભગ તમામ બેંકો ઓવરડ્રાફ્ટ એટલે કે ઓડીની સુવિધા આપી રહી છે જો તમે મોટી રકમની ઓનલાઈન FD કરાવી છે તો તેના પર ODની સુવિધા લઇ લો. આનાથી તમને વચ્ચે પૈસાની જરૂર પડે તો તમારે FD નહીં તોડાવવી પડે. આમાંથી તમે બચત ખાતાની જેમ જ પૈસાનો ઉપયોગ કરી શકો છો અને FD પર વ્યાજ પણ મળતું રહેશે. ખાસ વાત એ છે કે આ કામ માટે તમારે બેંકના ચક્કર નહીં કાપવા પડે, એટલું જ નહીં તમારું કામ ઘરે બેઠા એક ક્લિક પર થઈ જશે.
પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટ બળવંત જૈન કહે છે કે રોકાણ માટે FD એક સુરક્ષિત અને લોકપ્રિય વિકલ્પ છે. ઓનલાઈન વિકલ્પ મળવાથી FDનું આકર્ષણ ઘણું વધી ગયું છે. જો તમે નેટ ફ્રેન્ડલી છો અને બેંકની એપનો ઉપયોગ કરો છો, તો તમે ઓનલાઈન FD નો વિકલ્પ પસંદ કરી શકો છો. આનાથી તમે વધુ કમાણી કરવાની સાથે સાથે તમારા પૈસાની લિક્વિડિટી પણ જાળવી શકશો. એકંદરે, ઓનલાઇન એફડી કરાવવામાં કોઇ નુકસાન નથી, ઉલટું ફાયદા ઘણા છે.
તમારા પોર્ટફોલિયોને મજબૂત કરવા માટે, FDને જરૂર સામેલ કરો. આ રોકાણ માટે ઓનલાઈન વિકલ્પ પસંદ કરશો તો વધુ કમાણી તો થશે જ સાથે જ ઘણી ચિંતાઓથી મુક્તિ પણ મળશે. જો રકમ મોટી છે, તો તેને ટુકડાઓમાં રોકાણ કરો જેથી પૈસાની જરૂર પડે ત્યારે કોઇ એક એફડીને તોડાવીને તમારી નાણાકીય જરૂરિયાતોને પૂરી કરી શકો. આનાથી તમે મોટા નુકસાનથી બચી જશો જ્યારે બાકીના રોકાણો પર પહેલાની જેમ વ્યાજ મળતું રહેશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો