Money9 Gujarati:
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ જાહેર કરેલા વચગાળાના બજેટમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2024-2025માં દેશની રાજકોષીય ખાધ ઘટાડીને જીડીપીના 5.1 ટકાએ પહોંચાડવામાં આવશે. 2023-24 માટે ખાધનું લક્ષ્ય સુધારીને 5.8 ટકા કરવામાં આવ્યું હતું.
સરકાર નાણાકીય વર્ષ 2024-2025માં મૂડીખર્ચ 11.1 ટકા વધારીને 11.11 લાખ કરોડ રૂપિયા (133.9 અબજ ડૉલર) કરવા માંગે છે, જ્યારે ટેક્સની આવક 11.4 ટકા વધીને 38.31 લાખ કરોડ રૂપિયા (461.7 અબજ ડૉલર) થવાની ધારણા છે, એમ સીતારમને જણાવ્યું હતું.
બજેટ બાદ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહે જણાવ્યું હતું કે, સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ રોકાણ વધારવાની સાથે સાથે, સર્વસમાવેશક વૃદ્ધિને ટેકો આપવાનો પ્રયાસ કર્યો છે અને આમ છતાં રાજકોષીય ખાધને અંકુશમાં રાખવા માટે સમજદારી દાખવી છે. તેમણે જણાવ્યું હતું કે, “ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સતત ઉચ્ચ ફાળવણી વૃદ્ધિના દૃષ્ટિકોણથી સારી રીતે સંકેત આપે છે અને ઉન્નત ખાનગી મૂડી ખર્ચ માટે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરી શકે છે.”
તાજેતરમાં ભારતની એરલાઈન્સ કંપનીઓએ 1,000થી પણ વધારે વિમાનોનો ઓર્ડર આપ્યો હોવાની વાતનો ઉલ્લેખ કરીને સીતારમણે ભારતમાં હવાઈ જોડાણ વિકસાવવા વિશે ભારપૂર્વક જણાવ્યું હતું કે “નવા એરપોર્ટનો વિકાસ ઝડપથી ચાલુ રહેશે.”
ઉલ્લેખનીય છે કે, ઈન્ડિગોએ ગયા વર્ષે જૂનમાં 500 એરબસ A320 માટે ઈતિહાસનો સૌથી મોટો કોમર્શિયલ એરક્રાફ્ટ ઓર્ડર આપ્યો હતો. ઈન્ડિગોને આ વિમાનોની ડિલિવરી 2030 અને 2035ની વચ્ચે થશે. આ ઉપરાંત, એર ઈન્ડિયાએ પણ એરબસ અને બોઈંગ પાસેથી 470 વિમાન ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો. Akasa Airએ ગયા મહિને 150 Boeing 737 MAX પ્લેનનો ઓર્ડર આપ્યો હતો.
નાણામંત્રીએ “ગેમચેન્જર” તરીકે ગયા વર્ષે G20 ખાતે અનાવરણ કરાયેલ ભારત-મધ્ય પૂર્વ-યુરોપિયન યુનિયન કોરિડોરની સંભવિતતાને પણ પ્રકાશિત કરી. યુએસ પ્રમુખ જો બિડેને આ પહેલને “ખરેખર મોટી ડીલ” ગણાવી હતી.
સીતારમણે જણાવ્યું હતું કે પ્રવાસન કેન્દ્રોના વિકાસ માટે વિવિધ રાજ્યોને લાંબા ગાળાની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે, જ્યારે ગયા વર્ષે આધ્યાત્મિક પર્યટનને વેગ મળ્યો હતો.
વિશ્વની સૌથી મોટી હિંદુ વસ્તી ધરાવતું ભારત નવા રામ મંદિરને કારણે દર વર્ષે વધારાના 5 કરોડથી 10 કરોડ પ્રવાસીઓ મેળવે તેવી શક્યતા છે.
સીતારામને જણાવ્યું હતું કે, પ્રવાસનને વેગ આપવા માટે રાજ્યો માટે 50 વર્ષની વ્યાજમુક્ત લોન પર 750 અબજ રૂપિયા જેટલી રકમ ફાળવવામાં આવશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો