Money9: રિટાયરમેન્ટ બાદ તમારી પાસે પૈસાની કમી ન રહે, તેની સૌથી સારી રીત કઇ? આ અંગે તમામ નાણાકીય સલાહકાર એક જ સલાહ આપે છે કે રિટાયરમેન્ટ માટે રોકાણની શરૂઆત જલદી કરી દો. આ સલાહ ખરેખર કામની સાબિત થાય છે.
જલદી રોકાણના ફાયદા
રિટાયરમેન્ટ માટે એ જરૂરી નથી કે વર્ષો સુધી રોકાણ કરવામાં આવે. જે લોકો રોકાણની શરૂઆત જલદી કરીને કેટલાક વર્ષો બાદ જ તેને બંધ કરી દે છે તો પણ તે દશકો સુધી રોકાણ કરનારા કરતાં વધારે રકમ એકઠી કરી લે છે. હકીકતમાં, જ્યારે કોઇ રોકાણને લાંબાગાળા સુધી કરવામાં આવે તો તેમાં કમ્પાઉન્ડનો પાવર રોકાણને વધારવામાં મેજિકનું કામ કરે છે.
જલદી રોકાણમાં કમ્પાઉન્ડિંગના મેજિકને આ ઉદાહરણ દ્વારા સમજીએ. રુહી અને જુહી બે સગી બહેનો છે. રુહીએ 18 વર્ષની ઉંમરમાં મ્યુચ્યુઅલ ફંડમાં વાર્ષિક 50 હજાર રૂપિયાના રોકાણથી શરૂઆત કરી અને 26 વર્ષની ઉંમરમાં આ રોકાણને બંધ કરી દીધું. આ રીતે રુહીએ 8 વર્ષમાં 4.0 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. જો માની લઇએ કે રોકાણ પર રુહીને વાર્ષિક 15 ટકા રિટર્ન મળ્યું. આ સ્થિતિમાં જ્યારે રુહી 40 વર્ષની થશે તો તેના ફંડની વેલ્યૂ 55.85 લાખ રૂપિયા થઇ જશે. જ્યારે તે 50 વર્ષની થશે તો કમ્પાઉન્ડિંગના પ્રભાવથી તેની રકમ વધીને 2.25 કરોડ અને 60 વર્ષની ઉંમરમાં 12.08 કરોડ રૂપિયા થઇ જશે.
બીજી તરફ જૂહીએ 50 હજાર રુપિયાની રકમનું 25 વર્ષની ઉંમરમાં રોકાણ કર્યું અને આ રોકાણને 63 વર્ષની ઉંમર સુધી ચાલુ રાખ્યું. આ રીતે તેણે 38 વર્ષમાં કુલ 19 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. જ્યારે જૂહી 40 વર્ષની થશે તો આ રોકાણ પર 15 ટકાના વાર્ષિક રિટર્નના હિસાબે તેના ફંડની વેલ્યૂ 27.82 લાખ રૂપિયા હશે. જ્યારે તે 50 વર્ષની થશે તો આ રકમ વધીને 1.22 કરોડ અને 60 વર્ષની ઉંમરમાં 6.71 કરોડ રૂપિયા થઇ જશે.
ટેક્સ એક્સપર્ટનો મત
ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બલવંત જૈન કહે છે કે સામાન્ય રીતે નોકરીથી કમાણી 58 થી 60 વર્ષ સુધી જ થાય છે. જ્યારે માણસનું આયુષ્ય તો સતત વધી રહ્યું છે. આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થવાથી 80 વર્ષ પછી પણ લોકો સ્વસ્થ રહેતા હોય છે. એટલે રિટાયરમેન્ટ બાદ વધારે પૈસાની ગોઠવણ કરવી જોઇએ. આના માટે રિટાયરમેન્ટ માટે જેટલું જલદી રોકાણ શરૂ કરશો કમ્પાઉન્ડિંગના કારણે તેટલો જ મોટો ફાયદો થશે. માણસ તો દિવસે જ કમાય છે જ્યારે રૂપિયો તો દિવસ-રાત વધે છે. એટલે રિટાયરમેન્ટનું પ્લાનિંગ સમયસર શરૂ કરી દેવું જોઇએ.
આપણને રુહી અને જૂહીના કેસ સ્ટડીથી એ પણ શીખ મળે છે કે રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે સમયસર રણનીતિ બનાવો. આના માટે જરૂરી નથી કે નિવૃતિ માટેનું પ્લાનિંગ જીવનભર કરતા રહો. તમારે ફક્ત જલદી શરૂઆત કરવાની જરૂર છે. પછી ભલે તેને બાદમાં બંધ કરી દો. લાંબા ગાળામાં તમે કમ્પાઉન્ડિંગની અસરથી મોટું ફંડ ભેગું કરી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો