Money9 Gujarati:
દેશમાં પરિવારોની ચોખ્ખી નાણાકીય બચત 2022-23ના અંતે 14.2 લાખ કરોડ રૂપિયા નોંધાઈ છે. આ આંકડો છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી નીચો છે. અગાઉ નાણાકીય વર્ષ 2021-22માં પરિવારોની બચત 17.11 લાખ કરોડ રૂપિયા હતી. ખાસ તો, બચતમાં છેલ્લાં 3 વર્ષમાં તીવ્ર ઘટાડો થયો છે કારણ કે, લોકો ટૂંકા ગાળા માટે ઉધારી કરી રહ્યાં છે અને આવી ઉધારીમાં વધારો થવાથી બચત પર અસર પડી છે.
નાણાકીય વર્ષ 2021-22માં પરિવારોની ચોખ્ખી બચત ઘટીને 17.12 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2022-23માં તે વધુ ઘટીને રૂ. 14.16 લાખ કરોડ થઈ, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નીચું સ્તર છે. અગાઉ, વર્ષ 2017-18માં ચોખ્ખી સ્થાનિક બચતનું સૌથી નીચું સ્તર 13.05 લાખ કરોડ રૂપિયા હતું. પરંતુ 2018-19માં તે વધીને 14.92 લાખ કરોડ રૂપિયા અને 2019-20માં 15.49 લાખ કરોડ રૂપિયા થઈ ગયું.
અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, સરળતાથી અને ઝડપથી ધિરાણ મળવાને કારણે ઘણા લોકો ઉધારી કરીને ચીજવસ્તુઓ ખરીદી રહ્યાં છે અને ખર્ચ કરી રહ્યાં છે, જેના લીધે બચતમાં ઘટાડો થયો છે.
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે માહિતી આપી છે કે, બચત છેલ્લાં 3 વર્ષમાં રૂ. 9 લાખ કરોડ (રૂ. 8 ટ્રિલિયન)થી વધુ ઘટી છે. નાણાકીય વર્ષ 2022-23માં ચોખ્ખી બચત ઘટીને 14.16 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ-2024ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2020-21માં પરિવારોની ચોખ્ખી બચત 23.29 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી પરંતુ ત્યારથી તે સતત ઘટી રહી છે.
સરકારી ડેટા દર્શાવે છે કે 2020-21 થી 2022-23 સુધીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ 2020-21માં રૂ. 64,084 કરોડથી લગભગ ત્રણ ગણું વધીને રૂ. 1.79 લાખ કરોડ થયું હતું. શેર અને ડિબેન્ચરમાં ઘરો દ્વારા રોકાણ આ સમયગાળા દરમિયાન રૂ. 1.07 લાખ કરોડથી લગભગ બમણું થઈને 2022-23માં રૂ. 2.06 લાખ કરોડ થઈ ગયું છે.
આંકડા દર્શાવે છે કે પરિવારોની બેંક લોન પણ આ 3 વર્ષમાં બમણી થઈને 2022-23માં 11.88 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. તે 2020-21માં રૂ. 6.05 લાખ કરોડ અને 2021-22માં રૂ. 7.69 લાખ કરોડ હતી. નાણાકીય સંસ્થાઓ અને નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ દ્વારા પરિવારોને આપવામાં આવેલી લોન પણ નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 93,723 કરોડથી ચાર ગણી વધીને 2022-23માં રૂ. 3.33 લાખ કરોડ થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2021-22માં તે 1.92 લાખ કરોડ રૂપિયા હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો