Money9 Gujarati:
ફેબ્રુઆરીમાં માસિક ધોરણે છૂટક મોંઘવારી (CPI inflation)ના દરમાં થોડો ઘટાડો થયો છે. જાન્યુઆરી 2024માં છૂટક ફુગાવાનો દર 5.10 ટકા હતો, જે ફેબ્રુઆરીમાં નજીવો ઘટીને 5.09 ટકા થયો હતો. ખાદ્ય ફુગાવો પણ જાન્યુઆરીના 8.3 ટકાથી વધીને ફેબ્રુઆરીમાં 8.66 ટકા થયો છે. ફેબ્રુઆરી માટે જાહેર થયેલો છૂટક ફુગાવાનો દર હજુ પણ ભારતીય રિઝર્વ બેંક (RBI)ના 4 ટકાના મધ્યમ ગાળાના લક્ષ્યાંક કરતાં વધારે છે.
જો આપણે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવાના દરની વાત કરીએ તો તે અનુક્રમે 8.30 ટકા અને 8.66 ટકા હતો. શાકભાજીનો મોંઘવારી દર વધીને 30.25 ટકા થયો છે, જે જાન્યુઆરીમાં 27.03 ટકાથી વધુ છે. જોકે, જાન્યુઆરીની સરખામણીએ ફેબ્રુઆરીમાં ઈંધણ અને વીજળીના ફુગાવાના દરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ખાદ્ય ફુગાવાનો દર 8.66 ટકા નોંધાયો છે. અનાજની મોંઘવારીનો દર 7.60 ટકા અને દાળનો ફુગાવો 18.90 ટકા રહ્યો છે. ખાદ્ય અને ઈંધણના ફુગાવા સિવાયનો ફુગાવો એટલે કે, કોર ફુગાવો (core inflation) જાન્યુઆરીમાં 3.6 ટકા હતો, જે ફેબ્રુઆરીમાં ઘટીને 3.3 ટકા થયો છે. કોર ફુગાવો ઘટવાથી રાહત મળવાનું ચાલુ રહેશે.
દેશનું ઔદ્યોગિક ઉત્પાદન (IIP) જાન્યુઆરીમાં 3.8 ટકા હતું અને તેમાં કોઈ ફેરફાર નોંધાયો નથી. મંગળવારે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI)ના ડેટામાંથી આ માહિતી સામે આવી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 8મી ફેબ્રુઆરીની નાણાકીય નીતિ સમીક્ષામાં સતત છઠ્ઠી વખત રેપો રેટ 6.5 ટકા રાખ્યો હતો. નાણાકીય નીતિ સમિતિએ નાણાકીય વર્ષ 2024 માટે ફુગાવાના અંદાજને 5.4 ટકા પર યથાવત્ રાખ્યો હતો. રિઝર્વ બેંકે એવો પણ અંદાજ લગાવ્યો હતો કે 31 માર્ચે પૂરા થતા ત્રિમાસિક ગાળામાં ફુગાવાનો દર 5 ટકા રહેશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો