ડિપોઝિટમાં વધારો કરવા માટે બેન્કો અને નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ (NBFCs) દ્વારા ડિપોઝિટના રેટમાં વધારો કરવામાં આવી રહ્યો છે. રોજેરોજ કોઈ ને કોઈ નાણાકીય સંસ્થા દ્વારા રેટમાં વધારો જાહેર કરવામાં આવે છે. હવે, બજાજ ફાયનાન્સે તેના ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દર 0.40 ટકા વધાર્યાં છે. FDના નવા દર 10 મેથી લાગુ કરવામાં આવ્યા છે. કંપનીએ 36 મહિનાથી 60 મહિનાની મુદત ધરાવતી FDના દર 0.40 ટકા વધારીને 8.05 ટકા કર્યા છે. જો તમે સીનિયર સીટિઝન હશો તો, તમને 8.30 ટકા વ્યાજના દરનો લાભ મળશે. જો કોઈ સીનિયર સીટિઝન 44 મહિનાના સ્પેશિયલ પીરિયડ માટે FD કરાવે તો, તેને 8.60 ટકા જેટલું ઊંચું વ્યાજ મળી શકે છે. કંપનીની શરત છે કે, તમારે આ ઊંચા વ્યાજ દર મેળવવા માટે રૂ.5 કરોડ સુધીની FD કરાવવી પડશે.
બજાજ ફાયનાન્સના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ-ફિક્સ્ડ ડિપોઝીટ્સ સચિન સિક્કાએ જણાવ્યું છે કે, “અમારા ડિજિટલ પ્લેટફોર્મ મારફતે ગ્રાહકો થોડી જ ક્ષણોમાં FD કરાવી શકે છે. ડિજિટલ અને પેપરલેસ પ્રક્રિયાને કારણે FD કરાવવાનું કામ ઝડપી થઈ જાય છે. અમે એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ અને પેપરલેસ પ્રક્રિયા સાથે ઘરે બેઠાં રોકાણની સુવિધા આપીએ છીએ. ઓનલાઇન એફડી પ્રક્રિયા સાથે, રોકાણકારો થોડી જ વારમાં એફડી બુક કરી શકે છે અને આકર્ષક વ્યાજ દરોનો લાભ મેળવી શકે છે. બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝિટ CRISIL ના AAA/સ્થિર રેટિંગ અને [ICRA]AAA(સ્થિર) રેટિંગ સાથે સૌથી વધુ સ્થિરતા રેટિંગ ધરાવે છે જે રોકાણકારો માટે સૌથી સુરક્ષિત રોકાણ વિકલ્પોમાંથી એક ઓફર કરે છે.”
Published - May 10, 2023, 07:02 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો