મહિલાઓનું મન મોહી રહી છે આ યોજનાઃ 9 મહિનામાં 22 લાખથી પણ વધુ મહિલાએ જમા કર્યા Rs 14,500 કરોડ
બજેટ 2023માં મહિલાઓ માટે શરૂ થયેલી ખાસ યોજનામાં સૌથી વધુ ખાતા મહારાષ્ટ્ર રાજ્યમાંથી ખુલ્યા છે. આ સ્કીમમાં મહિલા મહત્તમ Rs 2 લાખ જમા કરી શકે છે, જેના પર 7.5% ફિક્સ્ડ વ્યાજ મળે છે.
Mahila Samman Savings Certificate Scheme: મહિલાઓને બચત કરવા માટે પ્રોત્સાહિત કરવા શરૂ થયેલી ખાસ યોજનાનું આકર્ષણ વધ્યું છે. 2023ના બજેટમાં મહિલા સમ્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ જાહેર થઈ હતી. 2 વર્ષ માટે શરૂ કરવામાં આવેલી આ સ્કીમમાં 22.5 લાખથી પણ વધારે ખાતા ખુલ્યા છે. એપ્રિલથી ડિસેમ્બર 2023 સુધીની વિગત પ્રમાણે 14,500 કરોડ રૂપિયાથી પણ વધારે રકમ આ સ્કીમમાં જમા થઈ છે.
કેટલું મળે છે વ્યાજ
મહિલા સમ્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમમાં મહિલા કે દીકરીના નામે ખાતુ ખોલાવી શકાય છે. 2 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરી શકો છો, જેના પર 7.5 ટકા ફિક્સ્ડ વ્યાજ મળે છે. વ્યાજથી થતી કમાણી પર ટેક્સ લાગે છે. વ્યાજ પર TDS લાગતો નથી. આ યોજના 2 વર્ષ માટે શરૂ કરવામાં આવી છે, એટલે કે, માર્ચ 2025 સુધી તે અમલમાં છે. આ સ્કીમમાં રોકેલી રકમમાંથી આંશિક ઉપાડની પણ છૂટ મળે છે. ધારો કે, તમે 2 લાખ રૂપિયા જમા કરશો તો, પહેલા વર્ષે 15,000 રૂપિયા અને બે વર્ષમાં 32,000 રૂપિયાનું વળતર મળશે.
કયું રાજ્ય છે સૌથી આગળ
આ સ્કીમમાં સૌથી વધુ 4.5 લાખ ખાતા મહારાષ્ટ્રમાં ખુલ્યા છે અને 2,800 કરોડથી વધુ રકમ જમા થઈ છે. ત્યારબાદ તામિલનાડુમાં 3.5 લાખ ખાતા ખુલ્યા છે અને 1,600 કરોડ રૂપિયા જમા થયા છે. ઓડિશામાં 2.5 લાખથી વધારે ખાતા ખુલ્યા છે અને 1,000 કરોડ રૂપિયા જમા થયા છે. કર્ણાટકમાં 1.7 લાખ ખાતા ખુલ્યા છે અને 1,200 કરોડ રૂપિયા જમા થયા છે જ્યારે આંધ્ર પ્રદેશમાં 1.3 લાખ ખાતા ખુલ્યા છે અને 600 કરોડ રૂપિયાથી વધારે રકમ જમા થઈ છે.
Published - January 30, 2024, 06:07 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો